આણંદ : આણંદ નગરપાલિકાની હોસ્પિટલને સિવિલનો દરજ્જો મળ્યો છે, છતાં તેના જર્જરિત સ્ટાફ ક્વાટર્સના નવિનીકરણ માટે કોઇ કામગીરી હાથ ધરાઇ નથી. બીજી તરફ રસ્તા પર જ દુકાનની ઉપર આવેલા પડુ પડુ થતાં ક્વાટર્સ અકસ્માતે નોતરે તેવો ભય ઉભો થયો છે. આણંદ નગરપાલિકા ચોમાસું આવતા જ જવાબદારીમાંથી છટકવા જર્જરિત બિલ્ડીંગોને નોટીસ ફટકારી કામગીરી પૂર્ણ કર્યાનો સંતોષ માને છે. પરંતુ પાલિકાના જ કેટલાક કોમ્પ્લેક્સ જર્જરિત છે અને ગમે ત્યારે અકસ્માત નોતરે તેવો ભય ઉભો થયો છે. આ જર્જરિત કોમ્પ્લેક્સમાં પાલિકા હસ્તકની મુખ્ય બજારમાં આવેલી હોસ્પિટલના સ્ટાફ ક્વાટર્સનો સમાવેશ થાય છે.
આ ક્વાટર્સના સમારકામ થાય તો સિવિલ હોસ્પિટલના સ્ટાફનો સ્ટાફ ત્યાં રહી શકે તેમ છે. આથી, ઇમરજન્સી સમયે સ્ટાફ ઝડપથી દર્દીની સારવાર કરી શકે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ સ્ટાફ ક્વાટર્સ નીચે દુકાનો આવેલી છે. આ ઉપરાંત હોસ્પિટલની કેસ બારી પણ આવેલી છે. જ્યાં સતત ભીડ જોવા મળતી હોય છે. અહીં અકસ્માતે પણ કોઇ પોપડો પડે તો મોટી દૂર્ઘટના સર્જાઇ શકે તેમ છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ સ્ટાફ ક્વાટર્સ 70 વર્ષ ઉપરાંતના છે. ચોમાસામાં તેમાં પાણી પડે છે. જર્જરિત હોવા છતાં તેનું મરામત કરવામાં આવી રહ્યું નથી. જેના કારણે ક્વાટર્સની નીચેથી પસાર થતાં રાહદારીઓ પર પણ જીવનું જોખમ છે.
રાજકીય લડાઇમાં સિવિલનો મુદ્દે ટલ્લે ચડ્યો
આણંદ જિલ્લાની સિવિલ હોસ્પિટલ માટે છેલ્લા બે દાયકાથી લડાઇ ચાલી રહી છે. પરંતુ રાજકીય લડાઇમાં આ મુદ્દો ટલ્લે ચડ્યો છે. આણંદના જ કેટલાક નેતાઓનું ખાનગી હોસ્પિટલમાં હિત સચવાયેલું છે. આથી, તેઓ કોઇ પણ ભોગે સિવિલ હોસ્પિટલ ન બને તે માટે સતત પ્રયત્નશીલ હોય છે.