National

આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન: હવે નાગરિકોને એક ડિજિટલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન (Ayushman Bharat digital mission)નો આરંભ કરાવ્યો હતો જેના હેઠળ નાગરિકોને એક ડિજિટલ હેલ્થ કાર્ડ (health card) આપવામાં આવશે, જેમાં તેમના આરોગ્યને લગતો તમામ રેકર્ડ નોંધાયલો હશે. મોદીએ જણાવ્યું હતું કે આરોગ્ય સંભાળ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે આ ખૂબ આવશયક છે.

વડાપ્રધાને વીડિયો લિંક (video link)થી આ મહત્વાકાંક્ષી યોજનાનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતા વડા પ્રધાને જણાવ્યું હતું કે, છેલ્લા સાત વર્ષથી આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનું અભિયાન આજે નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. વડા પ્રધાને કહ્યું હતું કે, “આજે અમે એક એવા મિશનનો પ્રારંભ કરી રહ્યાં છીએ જેમાં ભારતમાં આરોગ્ય સુવિધાઓમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવવાની સંભાવનાઓ છે.” વડા પ્રધાને એ તથ્યને રેખાંકિત કર્યું હતું કે, 130 કરોડ આધાર નંબર, 118 કરોડ મોબાઇલ સબ્સ્ક્રાઇબરો, અંદાજે 80 કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ, અંદાજે 43 કરોડ જન ધન ખાતા ધારકો સાથે દુનિયામાં બીજે ક્યાંય આટલું મોટું જોડાયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ‘રાશનસે પ્રશાસન’ (રેશનથી માંડીને વહીવટી સેવાઓ અને સુવિધાઓ) સુધીનું બધું જ ઝડપથી અને પારદર્શક રીતે સામાન્ય ભારતીયો સુધી પહોંચાડવાનું કામ કરે છે. વડા પ્રધાને કહ્યું હતું કે, “સુશાસનમાં સુધારા માટે અત્યારે જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે અભૂતપૂર્વ છે.

આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગને ચાલુ રાખવા અંગે વડા પ્રધાને કહ્યું હતું કે, કોરોનાના સમયગાળા દરમિયાન ટેલિમેડિસિન સેવાનું અભૂતપૂર્વ વિસ્તરણ થયું છે અને આજદિન સુધીમાં ઇ-સંજીવનીના માધ્યમથી અંદાજે 125 કરોડ રિમોટ કન્સલ્ટેશન પાર પાડવામાં આવ્યા છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે, આ સુવિધા દેશમાં દૂરસ્થ અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા હજારો દેશવાસીઓને તેમના ઘરે બેઠા જ દરરોજ શહેરોની મોટી હોસ્પિટલોના ડૉક્ટરો સાથે જોડે છે.

વડા પ્રધાને ટિપ્પણી કરી હતી કે, આયુષમાન ભારત -PMJAYના કારણે ગરીબોનો ખૂબ જ મોટો માથાનો દુખાવો દૂર થયો છે. આજદિન સુધીમાં 2 કરોડ કરતાં વધારે દેશવાસીઓએ આ યોજના અંતર્ગત વિનામૂલ્યે સારવારનો લાભ લીધો છે અને તેમાંથી અડધી સંખ્યા મહિલાઓની છે. વડા પ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે, પરિવારોને ગરીબીના વિષચક્રમાં ધકેલતા મુખ્ય કારણોમાંથી એક બીમારી પણ છે અને પરિવારમાં મહિલાઓને આના કારણે સૌથી વધુ પીડા ભોગવવી પડે છે.

આ કાર્યક્રમ વિશ્વ પર્યટન દિવસના રોજ યોજવામાં આવી રહ્યો હોવાની નોંધ લેતા વડા પ્રધાને ટિપ્પણી કરી હતી કે, પર્યટન સાથે આરોગ્યનો ખૂબ જ મજબૂત સંબંધ છે. કારણ કે જ્યારે આરોગ્ય માળખાકીય સુવિધાઓ એકબીજા સાથે જોડાયેલી, મજબૂત હોય ત્યારે જ પર્યટન ક્ષેત્રમાં પણ સુધારો આવે છે.

Most Popular

To Top