Editorial

આપણા દેશમાં જ આટલી સમૃદ્ધિ છે તો વિદેશની ઘેલછા શા માટે?

અમેરિકા અને ખાડી દેશોનું આકર્ષણ ગુજરાતીઓ સહિત દેશના લોકોમાં રહ્યુ છે. અમેરિકામાં સ્થાયી થવા માટે લોકો ગેરકાયદે પ્રવેશનો માર્ગ પણ અપનાવે છે. ગેરકાયદે પ્રવેશમાં ઘણું જોખમ પણ રહ્યુ હોય છે છતાં લોકોની ઘેલછા ઘૂસપેઠિયા  પણ બનાવી દેતી હોય છે. આપણા દેશમાં પણ રોજગાર મળી રહે છે. મહેનત કરવાની ત્રેવડ હોય તો દેશમાં જ લોકો સારું એવું ધન પણ કમાવી શકે છે. પણ અમેરિકા જેવા ડોલરીયા રળી આપતા દેશો તરફ પ્રયાણ માટે યુવાનો સ્કૂલ-કોલેજમાં રહેતાં જ સપના જોવા લાગતાં હોય છે. જેમને લીગલી પ્રવેશ નથી મળતો તે અજેન્ટોના થ્રુ એજન્ટોને મોં માંગ્યા પૈસા આપીને પણ અમેરિકા, કેનેડા માટે વિઝા મેળવવા તલપાપડ થાય છે.

ઘણાં કિસ્સા એવા બન્યાં છે કે એજન્ટો વિઝા બનાવી આપવા અને વિદેશમાં સારી જોબ મેળવી આપવાના ખોટા સપના બતાવી પૈસા પડાવી લઈ છુંમંતર થઈ જતાં હોય છે. ત્યારે લોકોને ભાન થાય છે કે તેમને ઘૂસપેઠ માટે જે માર્ગ આપનાવાનું નક્કી કરેલું તેમાં તો તેવો છેતરાયા છે. આવા લાલ બત્તી સમાન ઘણાં કિસ્સા અવારનવાર છાપામાં ચમકતા જ હોય છે. છતાં લોકોની આંખ નથી ખુલતી અને લેભાગુ એજન્ટોની જાળ માં ફસાતા જ હોય છે. એવું પણ બન્યું છે કે અમેરિકા અને અખાતી દેશોમાં પ્રવેશની ઘેલછામાં લોકોએ જીવ ગુમાવ્યો હોય.

આવા સમાચાર પણ છાપાની હેડલાઈન બન્યાં છે. છતાં લોકો ડોલર કમાવવાની લાહયમાં પોતાની પાસેની પરસેવો પાડીને એકઠી કરેલી મૂડી પણ ગુમાવી દેતાં હોય છે. દેશમાં કમાવાની તકો પણ છે પણ લોકોને એવું લાગતું હોય છે કે દેશમાં તેમના જ્ઞાનની બુદ્ધિની કોઈ કદર નથી થતી અને જે વળતર મળવું જોઈએ તે નથી મળતું. વ8દેશમાં ખૂબ ધન મળી જાય છે તેવી ખેવનામાં તેઓ ગેરકાયદે માર્ગે અમેરિકા અને અન્ય દેશોમાં ઘુસી જતાં હોય છે પણ તેમને પકડાય જવાના ડરે લપાતા-છુપાતા રહેવું પડે છે.

કેમકે પકડાયા તો તેની સજા ભોગવવા તૈયાર રહેવું પડે છે. કેટલાંય લોકો એવા પણ છે જે ઈંગ્લીશ નહીં જાણતા હોવા છતાં વિદેશ જઈને સ્થાયી થવાના સપના જોતાં હોય છે. ગુજરાતમાં કેટલાક સમાજના લોકો બહોળી સંખ્યામાં અમેરિકા જેવાં દેશોમાં સ્થાયી થયાં છે. એટલે પણ લોકોને એવું થાય છે કે તેમના સમાજના લોકો વિદેશમાં કાયમી વસવાટ કરતા થઈ ગયા છે તો આપણે પણ વિદેશની ધરતી પર કાયમી વસવાટ કરતા થઈએ બસ આ અદેખાઈમાં પણ લોકો લેભાગુ એજન્ટની મોહમાયામાં ફસાઈ જતાં હોય છે.

વિદેશમાં જઈને કમાવું કોઇ ખોટી વાત નથી પણ  તમારી પાસે કોઈ ખાસ નોલેજ નહીં હોય કે જરૂરી અભ્યાસ નહીં ધરાવતા હો તો ખોટા સપના જોઈ એજન્ટોની આકર્ષક તક વિદેશમાં આપવાની વાતથી લલચાય નહીં જવું તે સારું. અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયેલા આ તમામ યુવાનો પાસે IELTSની પરીક્ષામાં આઠ બૅન્ડ મેળવ્યા હોવાનાં સર્ટિફિકેટ હતાં. પરંતુ તેમને અંગ્રેજી બોલતા કે સમજતા ન આવડતું હોવાની વાત જાણી જજ ચોંકી ગયા અને આ મામલાની વધુ તપાસના આદેશ આપી દીધા.

આ જ ચાર યુવાન કૅનેડા થઈ સેન્ટ રેજિસ નદી મારફતે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે સમયે તેમની બોટ ડૂબવા લાગી અને અમેરિકન પોલીસે તેમને માંડમાંડ બચાવ્યા, પરંતુ પોલીસને અંગ્રેજી ન સમજાતી હોવાની જાણ થતાં તેમની પોલ ખૂલી ગઈ. જોકે, આવું પ્રથમ વખત નથી થયું. છાશવારે આવા કિસ્સા સામે આવતા જ રહે છે. થોડા સમય પહેલાં કલોલ તાલુકાના ડીંગુચાનો એક પરિવાર આવી જ રીતે ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરતી વખતે સરહદ પર થીજીને મૃત્યુ પામ્યો હતો. અલબત્ત, બધા જ ગુજરાતીઓ અમેરિકા પ્રવેશવા માટે ગેરકાયદે રસ્તો અપનાવતા નથી પણ જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે એ સવાલ પણ ચર્ચાતો હોય છે કે આખરે આ લોકો ગેરકાયદે અમેરિકામાં કઈ રીતે પ્રવેશતા હોય છે.

જો ગુજરાતથી અમેરિકા જતા લોકોની વાત કરવામાં આવે તો અમુક સમાજના લોકો અમેરિકામાં ઘણા સમયથી વસવાટ કરતા હોવાથી અહીંથી ગેરકાયદેસર જતા લોકોને અમેરિકા પહોંચ્યા બાદ પહેલાં અમુક મહિનાઓ સુધી મદદ મળી રહે છે. એજન્ટો કહી રહ્યા છે કે, “સામાન્ય રીતે અમારો પહેલો આગ્રહ એ જ હોય છે કે લોકો અમેરિકાની આસપાસના કોઈ પણ દેશના વિઝા લઈ લે.” આ વિઝા લીધા બાદ તેઓ ભારત દેશ છોડી શકે છે અને અમેરિકાના પડોશી દેશમાં સહેલાઈથી પ્રવેશી શકે છે. ‘જોકે આ પ્રકારે અમેરિકામાં પ્રવેશ કરનારા લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં ખર્ચ કરતા હોય છે અને ખર્ચે વ્યક્તિદીઠ થતો હોય છે.’

અહીં એ વાત પણ નોંધવી રહી કે ડીંગુચા ગામના જગદીશભાઈ પટેલનો પરિવાર વિજિટર વિઝા પર કૅનેડા પહોંચ્યો હતો અને ત્યાંથી એણે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસમાં જીવ ગુમાવ્યો હોવાનું પોલીસતપાસમાં જાણવા મળ્યું હતું. ડીંગુચા ગામના જ એક વતનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, ‘અહીંથી લોકો અમેરિકા પહોંચવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. સામાન્ય રીતે એક પરિવાર ત્યાં પહોંચવા માટે એક કરોડ રૂપિયા સુધી પણ ખર્ચ કરવા તૈયાર હોય છે.’ એક ટ્રાવેલ એજન્ટ આ વાતને સમર્થન આપતા કહે છે કે, “પૈસાનો ખર્ચ તો થતો જ હોય છે, કારણ કે અમારે જે તે દેશમાં રહેતા બીજા લોકો અને ટ્રાન્સિટ કન્ટ્રીના લોકોને પણ પૈસા આપવાના હોય છે.”

Most Popular

To Top