Comments

ગામડાંને લાગ્યો વીજખેંચનો કરંટ, એના ઝાટકા વાગશે ભાજપને, ઝીલવા બેઠા છે આપ-નરેશભાઇ

ગુજરાતની ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે આજે 200 દિવસ પૂરા કર્યા છે. 200 દિવસ કંઇ લાંબો ગાળો ન કહેવાય, પણ સામી ચૂંટણીએ 200 શું 20 દિવસ પણ વીતાવવાના આવે તો કેવા કાઠા પડી જાય છે, તે વિધાનસભાના ફ્લોર પર સરકારને અનેક વાર એને ચડી ગયેલી હાંફ પરથી વરતાયા વિના રહેતા નથી. ટૂંક સમયમાં (જ) યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં 182 માંથી મસમોટો ટાર્ગેટ લઇને બેઠેલા ગુજરાત ભાજપના મહેનતુ પ્રમુખના કડક કડપની વચ્ચે સરકારે 200 દિવસ પૂરા કર્યા છે. વહેલી ચૂંટણી આવવાનાં નગારાં જે રીતે વાગી રહેલાં જણાય છે, તે જોતાં આ સરકારે હવે વધુ ઝાઝા દિવસો આવી રીતે કદાચ નહીં વીતાવવા પડે એવું લાગે છે. આમઆદમી પાર્ટી પંજાબમાં ઝાડુ ફરકાવ્યા પછી હવે ગુજરાતમાં સાફસૂફી કરવાનો મહત્ત્વાકાંક્ષી ઇરાદો દેખાડી રહી છે. આજે અમદાવાદમાં ત્રિરંગા યાત્રા કાઢીને ભારત માતાકી જયના નારા પોકારવા ખુદ આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પંજાબના યશસ્વી મુખ્યમંત્રી ભગવંતસિંઘ માનને લઇને આવી રહ્યા છે.

લાગે છે કે જે રીતે રાજ્યમાં અન્ડર કરન્ટ તેજીલો બની રહ્યો છે, તે જોતાં ભાજપના અંદર જે છૂપી નારાજી ફેલાયેલી છે અને ઉપરથી પાછા મોંઘવારીના આકરા ચાબખા વીંઝાઇ રહ્યા છે, તે જોતાં આમઆદમી પાર્ટીવાળા પોતાનાં અવનવાં આયોજનો થકી ભયભીત ભાજપીઓને ભાંગડા કરાવે તો નવાઇ નહીં. રાજ્યમાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું (એટલે કે 1995) ત્યારથી એવી વીજકટોકટી સર્જાઇ નથી, જેવી ને જેટલી આજકાલ સર્જાઇ છે. ગામડે-ગામડે ખેતી માટે વીજળીની ખેંચ ઊભી થઇ છે. લોકો બહુ નારાજ છે. યુક્રેન-રશિયા લડાઇને કારણે કોલસાની ખેંચ ઊભી થયેલી છે, જેને કારણે થર્મલ વીજમથકોનું ઉત્પાદન ઘટી ગયું હોવાનું બહાનું આગળ ધરાઇ રહ્યું છે. આમ છતાં હાલની વીજખેંચ એકંદરે તો વીજવ્યવસ્થાપનની ખામી જ ગણવી રહી. ગ્રીન એનર્જીનાં ગમે તેટલાં થાળી-વેલણ ભલે વગાડાય, પણ હજુ તેનું દિલ્હી દૂર જ છે. રાજ્યમાં વીજળીની માંગ અને પુરવઠા વચ્ચેની ખાઇ વધતી જઇ રહી છે. પરિણામે સરકારે ઉદ્યોગો પર એક એક દિવસનો ફરજિયાત વીજકાપ લાદવો પડી રહ્યો છે.

આ વીજસંકટ મનાય છે એટલું સરળ નથી. ચૂંટણી વર્ષમાં આવી પડેલું વીજસંકટ ભાજપ માટે વોટસંકટ ઊભું કરનારું બની રહે એવી પૂરી ધાસ્તી વરતાઇ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દર મહિને વધતા જતા ગુજરાતના આંટાફેરા પાર્ટીમાંના અસંતોષના સંકટને કદાચ હળવું કરી શકશે. વિધાનસભાના કદાચ છેલ્લા બની રહેનારા સત્રના છેલ્લા દિવસે યોજાયેલા સ્મૃતિશેષ ફોટોસેશનમાં ગેરહાજર રહીને છૂપો છતાં સણસણતો વિરોધ વ્યક્ત કરી જનારા માજી મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના રોષ-નારાજીને પણ માનો કે આ આંટા ફેરા ડામી શકશે, પરંતુ આ વીજસંકટને કદાચ હળવું નહીં કરી શકે. ધારો કે મોદીના ડરથી વીજપ્રવહન અને સંચલન સમુંસૂતરું થવા માંડે, પણ ગામડે ગામડે સામી ચૂંટણીએ લોકોના કચવાટ રૂપી જે કરંટ લાગવા બેઠા છે તેના ઝાટકા ભાજપ કેટલા સહન કરી શકશે તે જોવું રહ્યું. આ ઝાટકા થકી જે જનવિરોધ પ્રકટી રહ્યો છે, તેને ઝીલવા માટે પેલા કેજરીવાલ તો ઠીક, પણ પાટીદાર નેતા (લેઉવા એવું વાંચવું) નરેશભાઇ પટેલ પણ તૈયાર થઇને બેઠેલા છે.

કેજરીવાલ આ વખતે કોઇ કસર છોડવા માગતા નથી. દિલ્હી અને હવે પંજાબના સફળ અખતરાઓ ગુજરાતમાં કરવા માટે હાથમાં ત્રિરંગાને લઇને થનગની રહ્યા છે. મફત પાણી-વીજળી જેવાં કંઇક ગતકડાં તેઓ હવે અહીં લાવશે. ભગવંતસિંઘ માને નવા અનુયાયી નવ વખત નમે એ તરાહે પંજાબમાં ખાનગી શાળાઓની ફી, શિક્ષકોની કામગીરી, ખેડૂતો વગેરે માટે જે નવી તરકીબો અપનાવવા માંડી છે, એના જેવા પ્રયોગો તેઓ ગુજરાતમાં કર્યા વિના રહેવાના નથી. જેમ જેમ દિવસો વીતતા જશે એમ ગુજરાતનું દંગલ જામતું જવાનું છે. પાટીદાર નેતા નરેશભાઇ પટેલ રાજકારણમાં જોડાય છે કે નહીં આ બાબતે ચાલતાં રહેલાં ત્રાગાંના શિકાર રૂપાણી, પાટીલ, ભૂપેન્દ્રભાઇથી માંડીને રાજકોટ—સુરતના પેજ પ્રમુખો સુધીના ભાજપી નેતાઓ બરાબર બનતા રહ્યા છે. છેવટે પેલા પ્રશાંતકિશોરે કહે છે કે કોથળામાંથી બિલાડું કાઢતા હોય એમ રાજસ્થાનના (ચાણક્ય?) મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરેલી ગોઠવણ અનુસાર આ નરેશભાઇ કોંગ્રેસમાં જોડાવાના છે એવા જે સંકેતો મળી રહ્યા છે, તે પણ કંઇક ભાજપીઓમાં કચવાટ જરૂર ઊભો કરી રહ્યા છે.

જો કે નરેશભાઇને વધુ પડતું મહત્ત્વ અપાવીને કહેવાતા સ્ટ્રેજિસ્ટ્સ કેવાં સમીકરણ માંડી રહ્યા છે તે માટે તો નરેશભાઇ કોંગ્રેસમાં વિધિવત્ જોડાય અને પછી કોંગ્રેસ, ભાજપ અને એમને માટે જે સ્થિતિ આકાર પામે છે તે જોવી રહી. એનું એક કારણ એવું પણ છે કે ભૂતકાળમાં આ જ રીતે ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા ત્યારે  એમને માટે પણ આવો જ હાઉ ઊભો કરાયો હતો. છેવટે એમણે અવસર વીત્યે ભાજપનો ખેસ પહેરી લેવો પડ્યો એ અત્રે ઉલ્લેખવાજોગ જરૂર જણાય છે. ગમે તેમ પણ ભાજપ પ્રત્યેની પ્રત્યેક નારાજીને ઝીલવા માટે કેજરીવાલની માફક આ નરેશભાઇ પણ ( જો તેઓ કોંગ્રેસમાં જોડાશે તો)  તત્પર જ રહેવાના છે. ઘણા કોંગ્રેસીજનોની એવી ગણતરી છે કે નરેશભાઇ કોંગ્રેસમાં જોડાશે એટલે આખ્ખે આખ્ખો પાટીદાર સમાજ પણ કોંગ્રેસને (જ)  વોટ આપશે, એ વાતમાં માલ નથી, એનું કારણ એ છે કે નરેશભાઇ લેઉવા પાટીદાર (જે વધુ બોલકો અને વગદાર મનાતો) સમુદાય છે, તેના પ્રતિષ્ઠિત નેતા જરૂર છે, પણ કડવા પાટીદારો નરેશભાઇની નેતાગીરીમાં માનતા નથી એનું શું? એવો સવાલ ભાજપના ચુસ્ત પાટીદાર નેતાઓ કરી રહ્યા છે.

પાટીદાર સમુદાયમાં પણ નેતાગીરીનાં ઘણાં તડાં છે. ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર સમુદાયના સુજ્ઞજનોને નરેશભાઇની નેતાગીરી માન્ય નથી એ બાબત ભાજપ માટે આ મામલે મોટો પ્લસ પોઇન્ટ છે. કંઇ નહીં, નરેશભાઇ, કોંગ્રેસ અને ભાજપની પટેલપ્રીતિ, બધાનું માપ નીકળી જશે. ચૂંટણી પણ એક જાતનું શક્તિપ્રદર્શન જ હોય છે. નરેશભાઇ કોંગ્રેસમાં જોડાય તો બીજી જ્ઞાતિવાળા, ખાસ કરીને ક્ષત્રિય, ઓબીસી વગેરે કોંગ્રેસ સાથે કેટલા રહે છે તેની પણ ગણતરી મંડાઇ રહી છે. કોંગ્રેસે જગદીશભાઇ ઠાકોરને પ્રદેશ પ્રમુખપદે પહેલેથી જ બેસાડી દીધેલા છે. કોંગ્રેસની ગણતરી એની પેલી જૂની ખામ થિયરીની માફક પોટાશમ (એટલે કે પટેલ, ઠાકોર,આદિવાસી, ક્ષત્રિય અને મુસ્લિમ) થિયરી અખત્યાર કરવાની હોવાનું પણ મનાય છે. પરંતુ આ બધામાં મોદીત્વ ક્યાં? ભાજપત્વ ક્યાં? હિન્દુત્વ ક્યાં? આટલા વર્ષનો વિકાસ ક્યાં જશે? ચૂંટણીમાં કંઇક ઘમ્મરવલોણાં થશે. ગમે તેમ પણ સુજ્ઞ સંઘપરિજનો એવી ત્રિરાશિ માંડી રહ્યા છે કે યુક્રેન વોરને પગલે ક્રુડ ઓઇલ મોંઘું થતાં આવી પડેલો ભાવવધારો અને આજકાલના વીજસંકટના ઝાટકા ભાજપને આગોતરા લાગી રહ્યા છે. એનાથી એ જેટલો વહેલો જાગશે એટલો એ ફાયદામાં રહેશે. જોરકા ઝટકા જરા ધીરે સે લગે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top