Columns

લાઇફમાં પ્રોબ્લેમ કેમ

એક દિવસ કોલેજમાંથી દિયા રડતી રડતી ઘરે આવી  અને દોડીને રૂમમાં ગઈ અને પલંગમાં પડીને રડવા લાગી.કોઈને ખબર ન પડી શું થયું.મમ્મી દિયા પાસે ગઈ અને પૂછ્યું, ‘દિયા બેટા, શું થયું ? શું કામ રડે છે?’ દિયા બોલી, ‘મમ્મી મને સમજાતું નથી કે મારી લાઇફમાં જ આટલા પ્રોબ્લેમ કેમ છે?’ મમ્મીને કંઈ સમજાયું નહિ …તેને પૂછ્યું, ‘શું થયું દિયા, શું પ્રોબ્લેમ છે તારી લાઇફમાં…’ દિયા બોલી, ‘એક નહિ, કેટલા બધા પ્રોબ્લેમ છે.મારી બધી ફ્રેન્ડસ પાસે સ્કુટી છે અને મારી પાસે સાઈકલ …બધા મારી મજાક ઉડાવે છે…મારી પાસે કપડાં પણ નવી ફેશનનાં ઓછાં છે ….પરીક્ષાને કેટલા ઓછા દિવસ બાકી છે અને ભણવાનું બહુ બધું છે મને સમજાતું નથી કે કઈ રીતે ભણું?

મમ્મીએ દિયાને ઊભી કરી અને હાથમાં તેલ લઈને તેના વાળમાં તેલ નાખતાં સમજાવ્યું, ‘બેટા, લાઈફમાં આવું બધું તો ચાલ્યા કરે.તું કહે છે તારી લાઇફમાં જ આટલા પ્રોબ્લેમ છે પણ હું કહું છું પ્રોબ્લેમ જેવું કંઈ હોતું જ નથી.આ બધી પરિસ્થિતિ જેને આપણે પ્રોબ્લેમ કહીએ છીએ તે આપણે જ ઊભા કરીએ છીએ.આપણા દરેક પ્રોબ્લેમના મૂળમાં હોય છે આપણી ઇચ્છાઓ ….આપણી એકધારી વધતી જતી મહેચ્છાઓ જ પ્રોબ્લેમનું રૂપ ધારણ કરે છે કારણ કે જો આપણી ઈચ્છા પ્રમાણે થાય તો સારું પણ ઈચ્છા અનુસાર ન થાય તો લાઇફમાં પ્રોબ્લેમ શરૂ…..ઈચ્છાઓ પૂરી ન થાય એટલે દુઃખ અને પરેશાની વધતી જાય.’ દિયા બોલી, ‘મમ્મી ,તો શું કોઈ ઈચ્છા કરવાની જ નહિ…માણસને ઇચ્છાઓ તો થાય જ ને ….’ મમ્મી બોલી, ‘ના દીકરા, ઇચ્છાઓ કરવી જ નહિ, તેમ નથી કહેતી..માણસ માત્રને ઇચ્છાઓ થાય જ છે…પણ આ ઇચ્છાઓને થોડી કાબૂમાં રાખી શકાય…..

થોડી થોડી નાની નાની ઇચ્છાઓ કરો, ધીમે ધીમે તે પૂરી થશે તો લાઇફમાં આનંદ જ આનંદ મળતો રહેશે.કોઈ દુઃખ અને તકલીફ નહિ રહે.પરંતુ આપણે આપણી બધી જ ઇચ્છાઓ આજે જ…અત્યારે જ ….એક વારમાં પૂરી થઇ જાય તેમ ઇચ્છીએ છીએ અને તેમ થતું નથી એટલે દુઃખી થઈએ છીએ અને જે ઇચ્છાઓ પૂરી નથી થતી તેના દુઃખમાં જે પૂરી થઇ ગઈ છે તેનો આનંદ મેળવી શકતા નથી.તને તારી મનગમતી કોલેજમાં એડમિશન મળ્યું તે તારી ઈચ્છા પૂરી થઇ છે તેનો આનંદ તું ભૂલી ગઈ છે અને સ્કુટી નથી …નવાં કપડાં ઓછાં છે તે બધી અધૂરી ઇચ્છાઓને લીધે તને લાઇફમાં પ્રોબ્લેમ લાગે છે.પપ્પાએ કહ્યું છે, છ મહિનામાં સ્કુટી લેશું, તો જરા ધીરજ રાખ અને ભણવું વધારે મહત્ત્વનું છે. મોજ મસ્તી અને ફરવા કરતાં એટલે તેમાં પણ થોડું બેલેન્સ રાખ. ભણવાનું સમયસર રોજે રોજ કર તો કોઈ પ્રોબ્લેમ નહિ રહે.થોડી ઇચ્છાઓ ઓછી રાખ …ધીરજ રાખ અને જીવનમાં દરેક બાબતની મહત્તા સમજી બેલેન્સ રાખ તો લાઇફમાં કોઈ પ્રોબ્લેમ નહિ રહે.’ મમ્મીએ દિયાને લાઈફનો મહત્ત્વનો ફંડા સમજાવ્યો.      
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top