ભરૂચ: (Bharuch) દિવાળી પહેલાના વનકર્મીઓ પર હુમલાના કેસમાં પોલીસ પકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયેલા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટમાંથી પણ રાહત મળી નથી. ધારાસભ્ય ચૈતર વસાવા સામેના વનકર્મીઓ પર હુમલા અને હવામાં ફાયરિંગના કેસમાં હાઇકોર્ટે (High Court) પણ આગોતરા જામીન અરજી નામંજુર કરી દીધી છે.
- AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીનઅરજી હાઇકોર્ટે પણ ફગાવી દીધી
- વનકર્મીઓ પર હુમલો તેમજ હવામાં ફાયરિંગના કેસમાં અગાઉ સેશન્સ કોર્ટે પણ અરજી ફગાવી હતી
- 2024 લોકસભા પહેલાં દુવિધા, આગોતરા માટે સુપ્રીમમાં જાય અથવા પોલીસ સમક્ષ સરેન્ડર કરે તેવા બે જ વિકલ્પ
- દેડિયાપાડાના ધારાસભ્યની તકલીફમાં સતત વધારો
અગાઉ રાજપીપળા સેશન્સ કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. જેની સામે તેઓ હાઇકોર્ટમાં જતા હાઇકોર્ટે ક્યા અધિકાર હેઠળ ધારાસભ્યએ વનકર્મીઓને બોલાવ્યા હતા? જેની ગંભીર નોંધ લઈ તેમના આગોતરા જામીનઅરજી રદ કરી દીધી છે. એક તરફ સામે લોકસભા-2024ની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ચૈતર વસાવા સમક્ષ બે જ વિકલ્પ બચ્યા છે. હવે તેઓ આગોતરા મેળવવા માટે સુપ્રીમમાં જાય અથવા પોલીસ સમક્ષ સરેન્ડર કરી રેગ્યુલર જામીન માટે ફરી સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે.