SURAT

પેપર લીક કેસમાં આપ અને NSUIએ સુરતમાં કરી આવી માંગણી

સુરત: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા 29-1-2023ના રોજ જુનિયર ક્લાર્કની (Junior Clark) પરીક્ષાનું (Exam) પેપર લીક (Paper Leak) કરનાર સામે ફરિયાદ દાખલ કરવા તથા 30 દિવસમાં પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબતે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ (NSUI) તેમજ સુરત શહેર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આવેદનપત્ર પાઠવી સુરત જિલ્લા કલેક્ટર (Surat District Collector) સમક્ષ વિવિધ માંગણીઓ કરવામાં આવી છે.

  • 30 દિવસમાં પરીક્ષા ફરી લેવા NSUIની માંગણી
  • ભરોસાની ભાજપની સરકાર નિષ્ફળ રહી હોવાનો આપનો આક્ષેપ
  • સુરત જિલ્લા કલેક્ટરને NSUI અને આપ સુરત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્રમાં જણાવાયું હતું કે, તા. 29મી જાન્યુઆરીના રોજ યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ કરવી પડી. પરીક્ષા રદ કરવાનો મતલબ છે કે 9.53 લાખ યુવાનોના પરિવારના સપના રોળાઈ જવા. કરોડો રૂપિયાનો વિદ્યાર્થીઓએ કરેલો ખર્ચ એળે જવો. આજે મોંઘવારીના સમયમાં પરીક્ષા પાછળ પુસ્તકો, વર્ગો, વાહન ખર્ચ વગેરે મળીને એક એક વિદ્યાર્થી ઓછામાં ઓછા 50000|- રૂપિયાનો ખર્ચ કરે છે અને બિલ્કુલ પરીક્ષાના દિવસે જ એને ખબર પડે છે કે પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ થઇ!! વારંવાર પેપરો ફૂટવા, પરીક્ષાઓ રદ થવી અને દર વખતે નાના નાના ગુનેગારોને પકડીને રૂટિન કામની જેમ પૂરું કરી દેવું એ શું દર્શાવે છે? ખુબ જ દુ:ખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની જનતાએ ‘ભરોસાની ભા.જ.પ.’ સૂત્ર પર વિશ્વાસ મુકીને જે જંગી બહુમતી સરકારને આપી એ ભરોસા પર સરકાર ખરી નથી ઉતરી.

અત્યાર સુધી ફૂટેલા પેપરો માટે કેટલાં લોકોને પકડ્યા? : આપનો સવાલ
એક જવાબદાર વિરોધપક્ષ તરીકે આમ આદમી પાર્ટીની પાસે માંગણી છે કે અત્યાર સુધી ફૂટેલા તમામ પેપરો માટે કેટલા અને કોણ-કોણ લોકો પકડાયા એની વિગતો જનતા સામે મુકવામાં આવે. હાલના બનાવ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશના વડપણ હેઠળ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે, અત્યાર સુધીના તમામ પેપર ફૂટવાના કેસો એક જ કોર્ટમાં લાવી રોજ- રોજના ધોરણે સુનાવણી કરી કેસો સમયમર્યાદામાં પુરા કરવામાં આવે તેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી.

100 નહીં 30 દિવસમાં પરીક્ષા ફરી લો : NSUI
પેપર લીક મામલે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીની સુરતની પાંખ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા સોમવારે સુરતની કલેક્ટર કચેરીમાં વિરોધ પ્રદર્શન કરી હોબાળો મચાવવામાં આવ્યો હતો. એનએસયુઆઈના સુરત ખાતેના વિદ્યાર્થી નેતાઓએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપી 30 દિવસમાં પરીક્ષા ફરીથી લેવાની માંગણી કરી હતી.

Most Popular

To Top