સુરત : સલાબતપુરા રોકડીયા હનુમાનજી મંદિર પાસે આવેલી બીઆરટીએસ રૂટમાં યુવકને આવવાની ના પાડતા યુવકે ઉશ્કેરાટમાં આવીને ટ્રાફિક પોલીસ ચોકી સળગાવી દીધી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને એકની ધરપકડ પણ કરી હતી.
- સદ્દભાગ્યે ચોકીમાં કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ ટળી પરંતુ ખુરશી સહિત રૂા. 2 હજારના સામાનનું નુકસાન
- જાણ થતાં પોલીસે દોડી આવી આગ કાબુમાં લીધી અને ગુનો નોંધી એકની ધરપકડ કરવામાં આવી
પ્રાપ્ત વિગતો મુજબ સલાબતુપરાના રોકડીયા હનુમાનજી મંદિર પાસે ફૂટપાથ ઉપર રહેતો સની ગુલાબસીંગ મોરે રાત્રીના સમયે બીઆરટીએસ રૂટમાં રાત્રીના સમયે એક યુવક આંટા-ફેરા મારતો હતો. દરમિયાન ત્યાં હાજર ટ્રાફિકના પોલીસ કોન્સ્ટેબલોએ સનીને બીઆરટીએસ રૂટમાં આવવાની ના પાડી હતી. જેથી રાત્રે 12 વાગ્યાના અરસામાં સનીએ હનુમાનજી મંદિર પાસે આવેલી ટ્રાફિક રીજીયન-1ની પોલીસ ચોકીની પાછળ બારીનો કાચ તોડી નાંખ્યો હતો. ત્યારબાદ ચોકીમાં પેટ્રોલ નાંખીને ચોકી જ સળગાવી દીધી હતી.
જો કે સદ્દભાગ્યે આ ચોકીમાં કોઇ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. બીજી તરફ ચોકીની સામે જ બીજી પણ એક નાની ચોકી આવી હતી. ત્યાં હાજર પોલીસ કર્મીઓને નજર પડતા તેઓ તાત્કાલીક આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધ્યો હતો અને ત્યાં મંદિર પાસે રહેતા સની ગુલાબસીંગ મોરેની ધરપકડ કરી હતી.