જમ્મુની તાવી નદીમાં એક શખ્સ ધસમસતા પૂરના પાણીમાં બરોબર વચ્ચોવચ્ચ ફસાઈ ગયો હતો. પાણીનું સ્તર ખૂબ ઓછા સમયમાં ખૂબ જ ઝડપથી વધી જતા આ શખ્સ નદીના પટમાં ફસાયો હતો. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તે નદીની બહાર નીકળી શકે તેમ ન હતો. બચાવ કર્મીઓ પણ નદીમાં જઈ શકે તેમ ન હોય એસડીઆરએફની ટીમે પુલ પરથી દોરડું લટકાવી તેને ઉપરની તરફ ખેંચી તેનો જીવ બચાવ્યો હતો. રેસ્ક્યુના આ દિલધડક દ્રશ્યો કેમેરાની નજરોમાં કેદ થયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જમ્મુમાં તાવી નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું છે. એક વ્યક્તિ તેમાં ફસાઈ ગયો હતો, ત્યારબાદ SDRF ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી અને તેને બચાવી લેવામાં આવ્યો હતો. અગાઉ, સ્થળ પર હાજર કેટલાક લોકો તે વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારબાદ તેમણે બચાવ ટીમને આ અંગે જાણ કરી હતી અને ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.
નદીમાં ફસાયેલો માણસએ એક ગ્રૂપનો ભાગ હતો જે નદીના પટમાંથી કાંપ એકત્ર કરવા ગયો હતો. જ્યારે આ ગ્રૂપ નદીના કિનારે ગયું ત્યારે તે સમયે ત્યાં પાણી નહોતું. અચાનક પૂરનું પાણી આવ્યું અને તે માણસ પુલ નીચે ફસાઈ ગયો. જ્યારે ગ્રૂપના બીજા લોકો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
ઘટનાની જાણ થતાં SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને વ્યક્તિને બચાવવા માટે પાણીમાં દોરડાની સીડી લટકાવવામાં આવી. બચાવ ટીમના એક કર્મચારીએ દોરડાની સીડીની મદદથી પાણીમાં ઉતરીને ફસાયેલા વ્યક્તિને સીડી ચઢવામાં મદદ કરી. ત્યારબાદ તે વ્યક્તિ સીડીની મદદથી સંતુલન જાળવી ઉપર ચઢી ગયો.
SDRFના એક સભ્યએ કહ્યું, અમે તાલીમ પામેલા છીએ. આ સરળ કામ નથી. અડધા કલાક પહેલા અમને માહિતી મળી કે એક વ્યક્તિ પુલ નીચે ફસાયેલો છે. આ પછી, લોકોએ તેમને ખાતરી આપી કે ટીમ આવવાની છે અને તેને બચાવી લેવામાં આવશે. આ પછી, અમે આવીને ફસાયેલા વ્યક્તિને બચાવ્યો.