SURAT

મહિધરપુરાની જ્વેલર્સની દુકાનમાં સોનું વેચીને રોકડા 1.63 કરોડ લઇને જતા યુવકને ચપ્પુ બતાવી લૂંટી લેવાયો

સુરત : (Surat) વરાછાથી (Varacha) સોનું (Gold) લઇને મહિધરપુરામાં (Mahidharpura) વેચવા માટે આવેલા યુવકના હાથમાંથી રૂા. 1.63 કરોડ રોકડા ભરેલા બે થેલાની લૂંટ (Robbery) ચલાવી ત્રણ અજાણ્યા ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર મામલે કોઇ જાણભેદુ હોવાની શક્યતા જોવાઇ રહી છે. જો કે, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વરાછા હીરાબાગ પાસે તપશિલ સોસાયટીમાં રહેતા શરદ લક્ષ્મણભાઇ સોલંકર લંબે હનુમાન રોડ ઉપર માતાવાડી પાસે અંબિકા બુલીય નામથી સોના-ચાંદીનો વેપાર કરે છે. તેઓ ઓળખીતા વેપારીઓ પાસેથી સોનું મેળવી તેને વેચાણ આપીને પોતે કમિશન મેળવતા હતા. આ દરમિયાન શરદભાઇની અમરેલીના લાઠી જિલ્લાના દામનગર ગામના વતની અને સોનાનો વેપાર કરતા દિલીપભાઇ દેવસંગભાઇ આલગીયાએ અંદાજીત 4300 ગ્રામ સોનુ વેચવાનું કહ્યું હતું. સામે શરદભાઇએ એક ગ્રામનો રૂા. 49160 રૂપિયાનો ભાવ કહ્યો હતો.

  • લંબેહનુમાન રોડ પર માતાવાડી પાસે અંબિકા બુલીય નામથી સોના-ચાંદીનો વેપાર કરનાર લૂંટાયો
  • એક વેપારી પાસેથી ખરીદી બીજાને વેચી કમિશન મેળવતો વચેટિયાને રસ્તામાં જ લૂંટી લીધો
  • મોટા જથ્થામાં સોનું હોય આંગડીયા પેઢીના માણસને સાથે લઈ ગયો છતાં લૂંટ ટાળી નહીં શક્યો

બંને વચ્ચે આ સોદો નક્કી થઇ જતાં દિલીપભાઇએ નિલેશ જાદવણી નામના યુવકની પાસેથી સોનુ લઇ લેવાનું કહ્યું હતું. આજે સવારે નિલેશ જાદવાણીએ શરદરભાઇને ફોન કરીને વરાછા મીનીબજાર પાસે આવેલી પી.શૈલેષ આંગડીયા પેઢીમાં સોનુ આવી ગયું હોવાની જાણ કરી હતી. સવારના સમયે શરદભાઇ સોનું લેવા માટે ગયા હતા. વધારે સોનું હોવાથી શરદભાઇએ આંગડીયા પેઢીમાંથી જ એક યુવકને સાથે મોકલવા માટે કહ્યું હતું.

આ દરમિયાન આંગડીયા પેઢીમાં કામ કરતો દરબાર નામનો યુવક શરદભાઇની સાથે આવ્યો હતો. તેઓ મહિધરપુરા કંસાર શેરી પાસે આવ્યા હતા અને ત્યાં મૂનસ્ટાર જ્વેલર્સના માલિક સાગરભાઇને સોનુ વેચ્યું હતું. સાગરભાઇએ 4.8 કિલોગ્રામ સોનુ માપીને રૂા. 1.63 કરોડ રોકડા ભરેલી બે બેગ આપી હતી. આ રૂપિયા લઇને શરદભાઇ તેમજ દરબાર બંને પરત જઇ રહ્યા હતા ત્યારે કંસાર શેરીના નાકા ઉપર જ સામેથી મોપેડ લઇને ત્રણ યુવકો આવ્યા હતા.

ત્રણેયએ મોંઢા ઉપર માસ્ક પહેર્યું હતું, તેઓએ દરબારના હાથમાંથી બંને થેલા આંચકીને ભાગવા ગયા હતા. પરંતુ બંને નીચે પટકાઇ ગયા હતા. ત્યારબાદ ત્રણેયએ ચપ્પુ બતાવીને બંને બેગ લૂંટીને ભાગી ગયા હતા. દરબારએ ત્રણેયનો શેરીના નાકા સુધી પીછો કર્યો હતો, પરંતુ તેઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. બનાવ અંગે શરદભાઇએ સોનાના વેપારીના ઓળખીતા નિલેશભાઇને જાણ કરી હતી. અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

શરદભાઇએ આંગડીયાના માણસ દરબારને શેરીના નાકે જ ઉતારી દીધો હતો

પોલીસના જણાવ્યા પ્રમાણે શરદભાઇ જ્યારે વરાછાથી સોનુ લઇને આવ્યા ત્યારે તેઓએ કંસાર શેરીના નાકા ઉપર જ આંગડીયા પેઢીમાંથી સાથે આવેલા દરબાર નામના યુવકને ઉતારી દીધો હતો. શરદભાઇ સોનુ લઇને મૂનસ્ટાર જ્વેલર્સમાં ગયા હતા. આ દરમિયાન તેઓ રૂ.1.63 કરોડ રોકડા ભરેલી બે બેગ લઇને નાકા સુધી પહોંચ્યા હતા અને ત્યાં જ દરબારને ફરી મોપેડ ઉપર બેસાડીને પરત વરાછા જઇ રહ્યા હતા. આ દરમિયાન જ ત્યાં સામેથી મોપેડ ઉપર ત્રણ યુવકો આવ્યા હતા. ત્રણેય લૂંટારુઓએ ચપ્પુ બતાવીને રૂપિયા ભરેલી બેગ આંચકી લીધી હતી. આ દરમિયાન શરદભાઇની મોપેડ પડી ગઇ હતી. શરદભાઇ ઊભા થઇને તેઓને પકડવા માટે જઇ રહ્યા હતા કે ફરીવાર તેઓનો પગ લપસ્યો હતો અને તેઓ બીજીવાર પણ જમીન ઉપર પટકાયા હતા. આ દમિયાન દરબાર નામના યુવકે ત્રણેયને પકડવા માટે તેઓનો પીછો કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય ભાગી છૂટ્યા હતા.

અમરેલીથી આંગ મારફતે 4.8 કિલો સોનુ આવ્યું હતું

સોનાના વેપારી શરદભાઇએ અમરેલી જિલ્લાના વેપારી પાસેથી સોનુ મંગાવ્યું હતું. આ સોનુ પી.શૈલેષ આંગડીયા મારફતે સુરત આવ્યું હતું. અહીં આંગડીયા પેઢીમાં સોનુ આવી ગયાનો મેસેજ આવતા સવારના સમયે શરદભાઇ સોનુ લેવા માટે ગયા હતા. અહીંથી સોનુ લઇને આંગડીયા પેઢીના માણસ મારફતે જ શરદભાઇ મહિધરપુરાની કંસાર શેરીમાં આપવા માટે ગયા હતા. સોનુ વેચીને રોકડા રૂપિયા આવ્યા તે લઇને તેઓ બહાર શેરીના નાકે પહોંચ્યા ત્યાં જ મોપેડ ઉપર આવેલા ત્રણ યુવકોએ શરદભાઇ અને તેની સાથેના આંગડીયાના માણસને ચપ્પુ બતાવી બંને થેલા લૂંટી લીધા હતા.

સમગ્ર લૂંટની ઘટનામાં કોઇ જાણભેદુ હોવાની શક્યતા

પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે અમરેલીથી આંગડીયા મારફતે સોનુ આવવાનું હતું, આ સોનુ લઇને શરદભાઇ મહિધરપુરા વેચવા જવાના હતા અને ત્યાંથી રોકડ લઇને તે રકમ આંગડીયા મારફતે જ વતન મોકલવાની હોવાની તમામ ઘટના કોઇ જાણભેદુની જાણમાં હતા. આ જાણભેદુએ જ લૂંટનો પ્લાન બનાવીને લૂંટ કરી હોવાની ચર્ચા જોવાઇ રહી છે. જો કે, જ્યારે આરોપીઓ પકડાઇ ત્યારબાદ જ ચોક્કસ માહિતી બહાર આવશે તેવું પોલીસે ઉમેર્યું હતું.

Most Popular

To Top