સુરત(Surat): સરથાણાના (Sarthana) ખાણીપીણીના વેપારીના આપઘાત (Sucide) પાછળ આંશિક ત્રાસ, લોન ભરવા દબાણ અને ધંધામાં નુકશાન થતું હોવાનું સામે આવ્યું છે. નૈતિક ચોટલિયા નામના યુવકના આપઘાત બાદ સુસાઇડ નોટ મળી આવી છે. નૈતિક ધંધામાં નુકસાની ઉપરાંત તેણે જે લોન લીધી હતી તે ભરવા માટે તેને બેંકના એજન્ટો દ્વારા કરવામાં આવતું દબાણ પણ કારણભૂત હોવાનું પરિવારે જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નૈતિક વજુભાઈ ચોટલિયા (ઉં.વ. 20) ના પરિવારે જણાવ્યું હતું કે તેઓ સીમાડા વિસ્તારના યોગીચોક નજીક પુષ્કર હાઈટમાં રહે છે. નૈતિક પોસ્ટ વિભાગમાં આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે નોકરી કરતો હતો. 18મી સપ્ટેમ્બરના રોજ તેના પિતરાઈના ઘરે જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
નૈતિકના આપઘાત પાછળ તેણે ખાણીપીણીના ધંધામાં કરેલું નુકસાન કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. માત્ર આ ધંધામાં નુકસાની જ નૈતિકના આપઘાત માટે એકમાત્ર કારણ નથી. નૈતિક 7 વર્ષ પહેલાં પોસ્ટ વિભાગમાં નોકરીએ લાગ્યો હતો. પોસ્ટ વિભાગમાં તેને જે માનસિક ત્રાસ હતો એના વિશે તેણે પોતાની યુટ્યુબ પર વિડીયો મૂક્યા હતા. જેમાં તેણે પોતાની વ્યથા પણ રજૂ કરી હતી.
પરિવારે વધુમાં કહ્યું હતું કે, નૈતિકને પોસ્ટની નોકરી છોડવી હતી. ધંધો સેટ કરવો હતો. નૈતિકે લોકહિતના કામ કરવા હતા. તેણે પરબ ગામમાં ‘વિજયી ભવ’ ના નામે ખાણીપીણીની એક દુકાન શરૂ કરી હતી. આ દુકાન ચલાવવા માટે તથા અન્ય જરૂરિયાત હોય ક્રેડિટ કાર્ડ મારફતે તેણે લોન લીધી હતી. જોકે ધંધો સેટ થયો નહોતો તેના કારણે તે લોન પણ સમયસર ભરપાઈ કરી શકતો નહોતો.
આવી સ્થિતિમાં તેણે જે બેંકમાંથી લોન લીધી હતી તેના કલેક્શન કરનારા એજન્ટો દ્વારા ફોન કોલ કરીને લોન ભરવા માટે દબાણ કરાતું હતું. એક તરફ નોકરી છોડી દેવાની ઈચ્છા અને બીજી તરફ લોનનું ભારણ આ બંન્ને બાબતો ભેગી થતા નૈતિક માનસિક રીતે હતાશ થઈ ગયો હતો અને તેણે આપઘાતનું પગલું ભરી લીધું હતું.
પરિવારે વધુમાં કહ્યું હતું કે, નૈતિક સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતો હતો તેણે મંદબુદ્ધિના લોકોની સેવા કરતી સંસ્થાને તો દર માસની 14 મી તારીખે ભોજન પૂરું પાડવાની પણ જાહેરાત કરી હતી. જોકે તેનો ધંધો સેટના થતા એની તમામ ધારણાઓ ખોટી પડી હતી અને તેણે હતાશામાં આપઘાત કરી લીધો હતો. નૈતિકે આપધાત કરતા પહેલાં 18 લીટીની સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં એણે ક્રેડિટ કાર્ડની અને પર્સનલ લોનનો પણ ઉલ્લેખ કર્યો છે. લોનના ચક્કરમાં જ નૈતિકે જીવનલીલા સંકેલી લીધાનું પરિવારનું સ્પષ્ટપણે કહેવું છે.