સુરત(Surat) : ગયા મહિને બોલિવુડ (Bollywood) અભિનેત્રી પૂનમ પાંડેના (Poonam Pandey) સ્ટંટે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. સર્વાઈકલ કેન્સરમાં (Cancer) અભિનેત્રીનું મોત (Death) થયું હોવાના સમાચાર વહેતા થયા હતા. આ સમાચારથી તેના ચાહકોને આઘાત લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર ચાહકો, સેલિબ્રિટીઓએ તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સમાચારના 24 કલાક બાદ અભિનેત્રીએ જાતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો પોસ્ટ કરી પોતે જીવતી હોવાની જાહેરાત કરી હતી.
સર્વાઈકલ કેન્સર પ્રત્યે અવેરનેસ લાવવાના ઈરાદે પોતે આ સ્ટંટ કર્યો હોવાનો ખુલાસો અભિનેત્રીએ કર્યો હતો. અભિનેત્રીની આ હરકતની ખૂબ નિંદા થઈ હતી. ચાહકો, સેલિબ્રિટીએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી હતી અને ખરી ખોટી સંભળાવી હતી. થોડા દિવસ બાદ આ મામલો શાંત પડ્યો હતો, પરંતુ હવે આ મામલે નવો વળાંક આવ્યો છે.
પૂનમ પાંડેએ મૃત્યુનું નાટક કરીને સર્વાઈકલ કેન્સરથી પીડિત દર્દીઓની મજાક ઉડાવી છે તેવા દાવા સાથે મુંબઈના એક યુવકે પૂનમ પાંડેની ધરપકડ કરી તેને સજા કરવાની માંગણી ઉઠાવી છે. ફૈઝાન અન્સારી નામના આ યુવકે મુંબઈના અલગ અલગ પોલીસ મથકમાં પૂનમ પાંડે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
જોકે, હજુ સુધી પૂનમ પાંડે વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થતાં હવે તે ન્યાયની માંગણી સાથે દિલ્હી પદયાત્રા પર નીકળ્યો છે. તે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળી પૂનમ પાંડે વિરુદ્ધ કાર્યવાહી કરવા અપીલ કરવાનો છે. ગઇકાલે રવિવારે સાંજે તે યુવક સુરત પહોંચ્યો હતો. અહીં તેની તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આજે સવારે તે મીડિયાને મળ્યો હતો.
શું કહ્યું ફૈઝાન અન્સારીએ?
ફૈઝાન અન્સારીએ મીડિયા સમક્ષ કહ્યું કે, સર્વાઈકલ કેન્સરથી મૃત્યુ થયું હોવાની ખોટી અફવા ફેલાવીને પૂનમ પાંડેએ સર્વાઈકલ કેન્સરથી પીડાતા દર્દીઓની મજાક ઉડાવી છે. આ કૃત્ય બદલ પૂનમ પાંડેની ધરપકડ થવી જોઈએ. તેને સજા થવી જોઈએ. જો સજા નહીં થાય તો પૂનમ પાંડેએ 1 કરોડ રૂપિયા કેન્સર પીડિત દર્દીઓ માટે ડોનેટ કરવા જોઈએ. હું આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન કેન્દ્રીત કરવા માંગું છું. તેથી હું મુંબઈથી ચાલતો દિલ્હી જવા નીકળ્યો છું. દિલ્હીમાં પીએમને મળી વિનંતી કરીશ કે તેઓ પૂનમ પાંડે વિરુદ્ધ એક્શન લે.