બારડોલી: બારડોલીના (Bardoli) પારડીવાઘા (નોગામા) ગામે મંદિર ફળીયામાં રહેતો રાજુ ઉક્કડ હળપતિ (ઉ.વર્ષ 47) શનિવારના રોજ ગામમાં જ આવેલા ભુતિયું તળાવમાં (lake) માછલી પકડવા માટે ગયો હતો. તળાવમાં માછલી પકડવાની જાળ (Fishing net) નાખતી વખતે તે પણ અચાનક જાળ સાથે તળાવમાં પડી ગયો હતો. ઊંડા પાણીમાં ડૂબી જવાથી તે બહાર નીકળી શક્યો ન હોય સ્થાનિક તરવૈયાઓએ તેની શોધખોળ શરૂ કરી હતી અને અંતે તેની લાશ હાથ લાગી હતી. બારડોલી ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
દમણમાં માછી સમાજના સ્નેહમિલનમાં 16 ગામોના લોકો એકત્ર થયા
દમણ : સંઘપ્રદેશ દમણમાં માછી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ નાની દમણના કથીરીયા સત્યનારાયણ મંદિરના માછી મહાજન હોલમાં સમાજના કુલગુરુ બેતિયા પીઠાધીશ્વર, મહંત ગોપાલદાસજી, ગુરુ રામ મિલન દાસજી શાસ્ત્રી, ડાકોરવાળા ( હોડીવાળા મહારાજ)ના સાનિધ્યમાં યોજાયો હતો. માછી મહાજનના પ્રમુખ પ્રવિણઈ ટંડેલે સમાજના સંગઠન, રીત રિવાજો, સમાજના બાળકોમાં ભણતરનું સ્તર ઊંચું લાવવા તથા માછીમારીના વ્યવસાયના વિવિધ પ્રશ્નો સમાજના લોકો સમક્ષ મુક્યા હતા. ઓંજલ બોટ એસો.ના પ્રમુખ ધર્મેશ ટંડેલે માછીમારી અને બોટ સાથે જોડાયેલા પ્રશ્નો, બંદર અને બોટની સબસિડી અંગેની રજૂઆત કરી હતી. જેને ટેકો ગામે ગામના પ્રમુખે આપ્યો હતો.
દમણ માછી મહાજનના ટ્રસ્ટી પ્રેમાભાઈ માછીએ ગુરુ ગાદીની 450 વર્ષની પરંપરા અંગે સમાજના લોકોને જાણકારી આપી હતી. માછી મહાજન એજ્યુકેશન સોસાયટીની સ્કૂલ, કોલેજમાં આવનારા વર્ષોમાં સંઘપ્રદેશ પ્રશાસનના સહકારથી યુપીએસસી, જીપીએસસીના વર્ગો તથા આઈએએસ અને આઈપીએસની તૈયારી માટેના વર્ગો પણ શરૂ થાય એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં દમણ, ઓંજલ, કૃષ્ણપુર, બીલીમોરા, વલસાડ કોસંબા, ઉમરસાડી, કોલક, કાલય, ફણસા, મરોલી, નારગોલ, ઉમરગામ, મહારાષ્ટ્રના ઝાઈ, બોરડી અને દહાણુ મળી 16 જેટલા ગામોના માછી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં મહિલાનો ગળે ફાંસો ખાઈ આપઘાત
નવસારી : નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, મૂળ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પંચોલ ગામે ખાખડી ફળીયામાં અને જલાલપોર એગ્રીકલ્ચર યુનિવર્સિટી ફાર્મ નંબર 3માં પ્રિયંકાબેન કલ્પેશભાઈ ચૌધરી (ઉ. વ. 35) તેમના પરિવાર સાથે રહેતી હતી. ગત 29મીએ પ્રિયંકાબેને કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે શેડના છતના લોખંડના એંગલ સાથે દુપટ્ટાનો ફાંસો બનાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પતિ કલ્પેશભાઈએ જલાલપોર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. ચિરાગભાઈને સોંપી છે.