સાયણ: ઓલપાડના (Olpad) ગોથાણ ગામે કમોસમી વરસાદી (Rain) માહોલમાં ઝાડ (Tree) કાપતા પલસાણાના એક શ્રમજીવી યુવાન ઉપર અચાનક વીજળી (Lightning) ત્રાટકતાં તેનું ઘટના સ્થળે મોત (Death) થયું હતું.
મૂળ પલસાણાના ઇટાળવા ગામનો વતની સતીષ જગદીશ રાઠોડ (ઉં.વ.રર) હાલ ઓલપાડ તાલુકાના ગોથાણ ગામે રહી મજૂરીકામ કરતો હતો. ગત મંગળવાર, તા.૧૮ના રોજ ગોથાણ ગામે બ્લોક નં.૨૧૨વાળી ખેતરની જમીનમાં સાંજના સુમારે ઝાડ કાપી રહ્યો હતો. એ સમયે ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત ગોથાણ ગામે વીજળીના કડાકાભડાકા સાથે શરૂ થયેલા કમોસમી વરસાદી વાતાવરણમાં પણ સતીષ રાઠોડ ઝાડ કાપી રહ્યો હતો.
દરમિયાન મોડી સાંજે ૭:૩૦ કલાક પહેલા તેના ઉપર અચાનક વીજળી ત્રાટકી હતી. આથી તે જમીન ઉપર પટકાતાં માથાના ભાગે જીવલેણ ઇજા ઉપરાંત વીજળીના જોરદાર ઝાટકાથી છાતીના ભાગે દાઝી જતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બાબતે મૃતકના સંબંધી ભરત રમણ રાઠોડે સતીષ રાઠોડ ઉપર આકસ્મિક રીતે કુદરતી વીજળી પડતાં મોત થયું હોવા બાબતની જાણ ઓલપાડ પોલીસમથકમાં કરી હતી. જેથી પોલીસે સતીષ રાઠોડની લાશનો કબજો લઈ સરકારી દવાખાનામાં લાશનું પીએમ કરાવ્યું હતું. આ બાબતે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ અ.હે.કો.નિલેશ રામુ કરી રહ્યા છે.
આમોદ અને બારડોલીમાં વીજળી પડતાં બેનાં મોત
ભરૂચ, બારડોલી: આમોદના અનોર ગામના પ્રહલાદ છત્રસંગ સોલંકી (ઉં.વ.૧૮) અને તેમની માતા પુષ્પાબેન છત્રસંગ સોલંકી (ઉં.વ.૪૫) મંગળવારે કપાસ વીણવા માટે ગયાં હતાં. બપોરે લગભગ ૧ વાગ્યાની આસપાસ પ્રહલાદભાઈ છત્રસંગ સોલંકી પર વીજળી પડતાં તેના ખેતરમાં જ મોત નીપજ્યું હતું. જ્યારે સાથે માતા પુષ્પાબેનને વીજળીના ઝાટકો લાગતાં ગંભીર રીતે ઘવાતાં ઢાળી પડ્યાં હતાં. તેમને નાજૂક હાલતમાં ભરૂચ ખાતે સારવાર અર્થે લઇ જવાયાં હતાં.
બીજા બનાવમાં બારડોલીના બાબલા ગામે મોટા હળપતિવાસ ફળિયામાં રહેતા સુમન હળપતિ બકરાપાલન અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારે બપોરે તેઓ તેમની પત્ની જશુબેન (ઉં.વ.63) સાથે ગામની સીમમાં બકરાં ચરાવવા માટે ગયાં હતાં. બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ બકરાં ચરાવી રહ્યા હતા. એ સમયે જ આકાશમાંથી જશુબેન પર વીજળી પડી હતી. સુમનભાઇને પણ વીજળીનો ઝટકો લાગ્યો હતો, પરંતુ તેમને કોઈપણ પ્રકારની ઇજા થઈ ન હતી. જ્યારે જશુબેનને ડાબા ખભાની નીચે ઇજા થઈ હતી. ગંભીર રીતે દાઝી જતાં તેણીનું ત્યાં જ મૃત્યુ થયું હતું.