રાજકોટ: હાર્ટ એટેકથી (Heart Attack) યુવાનોના મોતના (Death) કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યાં છે. રાજકોટમાં (Rajkot) એક યુવકનું મોત થયું છે. ફોઈના દીકરાના લગ્ન પ્રસંગમાં દાંડિયા (Dandiya) રાસ રમ્યા બાદ ઘરે પરત પહોંચ્યા બાદ હાર્ટ એટેક આવતા યુવકનું મોત થયું છે. દાંડિયા રાસમાં ગરબા રમતા યુવકનો વીડિયો પણ વાયરલ થયો છે.
આ ઘટના રાજકોટના મવડી મેઈન રોડ પર આવેલી શ્રીનાથજી સોસાયટીમાં બની છે. અહીં પીરવાડી પાસે કારખાનું ધરાવતા અમિત વસંત ચૌહાણ (ઉં.વ.36) રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે એકાએક ઢળી પડ્યો હતો.
યુવકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની સારવાર મળે તે પહેલાં જ ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ અંગે સિવિલ હોસ્પિટલના પોલીસ ચોકીના સ્ટાફે માલવિયા નગર પોલીસને જાણ કરતા યુવકે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે અમિત ચૌહાણ ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. અમિત ચૌહાણ પીરવાડી પાસે સોની કામની ડાઈ બનાવવાનું કારખાનું ચલાવતા હતા. કૌટુંબિક ફોઈના દીકરા અક્ષય ખેરૈયાના લગ્ન પ્રસંગમાં તે રાત્રિના સમયે દાંડિયા રાસ રમ્યો હતો. દાંડિયા રમ્યા બાદ ઘરે પરત ગયો ત્યારે તેનું હૃદય બેસી ગયું હતું. તેનું કરૂણ મોત નિપજ્યું હતું. માલવિયા નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.