બારડોલી(Bardoli) : દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) અમૃત ભારત (AmrutBharat) યોજના હેઠળ 2000 રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Railway infrastructure) પ્રોજેક્ટ્સનું વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું, જેમાં સુરત-ભુસાવળ રેલવે લાઇન (Surat-Bhusawal Railway Line) પર આવેલા બારડોલી રેલવે સ્ટેશનનો (Bardoli Railway Station) પણ 14 કરોડના ખર્ચે પુનઃ વિકાસ થવાનો હોવાથી પ્રધાનમંત્રીના હસ્તે ઇ-શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વરાજ આશ્રમના નિરંજનાબેન કલાર્થી કાર્યક્રમના અધ્યક્ષ પડે ઉપસ્થિત રહ્યાં હતાં.
- બારડોલી રેલવે સ્ટેશનના પટાંગણમાં કાર્યક્રમ યોજાયો, વિશ્વ કક્ષાનાં સ્ટેશન સાથે એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ મળે તેવી પણ માંગ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી શિલાન્યાસ કર્યો
- અમૃત ભારત યોજના હેઠળ 14 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ કરાશે
- બારડોલી રેલવે સ્ટેશનના પ્રવેશદ્વાર પર સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ કદની મૂર્તિ મૂકવામાં આવશે
553 જેટલા રેલવે સ્ટેશન સહિત 2000 જેટલા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનાં લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે ભારતે નાનાં સપનાં જોવાનું બંધ કરી દીધું છે હવે મોટાં સપનાં જુએ છે અને તેને પૂરા કરવા માટે દિવસ રાત મહેનત કરે છે. બારડોલી રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનું ખાતમુહૂર્ત પ્રસંગે બારડોલી રેલવે સ્ટેશનના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં બારડોલી સ્વરાજ આશ્રમના નિરંજનાબેન કલાર્થી, બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, બારડોલી નગર ભાજપ પ્રમુખ અનંત જૈન ઉપરાંત પશ્ચિમ રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે નિરંજનાબેન કલાર્થીએ જણાવ્યું હતું કે, બારડોલી એક ઐતિહાસિક ભૂમિ છે. તેમણે અમૃત ભારત યોજનામાં બારડોલીનો સમાવેશ કરવા બદલ મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે ટકોર પણ કરી હતી કે, બારડોલીથી દુનિયાને જોડતી ટ્રેન પસાર થાય છે. પરંતુ અહીં મોટા ભાગની ટ્રેન ઊભી રહેતી નથી. ત્યારે કેટલીક એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગ કરી હતી.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ રેલવે વિભાગ દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધાની અલગ અલગ કેટેગરીમાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનીત કરવામાં આવ્યાં હતાં.
એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ નહીં હોય તો આ ખર્ચો વ્યર્થ જશે
બારડોલીનું રેલવે સ્ટેશન વિશ્વ કક્ષાનું બનાવવામાં આવનાર છે. જો કે, અહીં હાલમાં માંડ પાંચ ટ્રેનો ઊભી રહે છે. ત્યારે વધુ એક્સપ્રેસ ટ્રેનો ઊભી રહે તેવી લોકો માંગ કરી રહ્યા છે. વિશ્વ કક્ષાનું સ્ટેશન બન્યા બાદ પણ જો અહીં ટ્રેન ઊભી રહેતી ન હશે તો તેનો કોઈ ફાયદો થવાનો નથી એમ સ્થાનિક લોકોએ જણાવી રહ્યા છે. કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ નહીં હોય તો આ ખર્ચો વ્યર્થ હોવાની ચર્ચા કાર્યક્રમ સ્થળે સાંભળવા મળી હતી.
બારડોલીના જ આર્કિટેક્ટે ડિઝાઇન તૈયાર કરી
બારડોલી રેલવે સ્ટેશનના પ્રવેશદ્વાર પર સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ કદની મૂર્તિ મૂકવામાં આવશે. બારડોલી સત્યાગ્રહને લગતી તમામ વિગતો પણ આપવામાં આવશે. આ ઉપરાંત વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશાળ ડ્રોપ ઓફ પિકઅપ એરિયા, વાઇટિંગ એરિયા સાથે ડીપાર્ચર કોન્કર્સ, શૌચાલય, વેઇટન્ટ લાઉન્જ અને કેન્ટીન, એસ્કેલેટર સાથે 12 મીટરનો ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે.
આ રેલવે સ્ટેશનની ડિઝાઇન બારડોલીના જ આર્કિટેક્ટ અને રામ બાગ સોસાયટીમાં રહેતા દર્શનભાઈ શાહે બનાવી છે. તેમણે અત્યાર સુધીમાં ગાઝિયાબાદ સહિત 25 જેટલાં રેલવે સ્ટેશનની ડિઝાઇન તૈયાર કરી છે. બારડોલી રેલવે સ્ટેશનની ડિઝાઇન તૈયાર કરવાની તક મળી એ તેમના માટે ગૌરવની બાબત હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત અહીં નજીકના ભવિષ્યમાં વધુ ટ્રેનોની કનેક્ટિવિટી મળશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.
ઓલપાડના સાયણ અને કીમ રેલવે સ્ટેશનને આધુનિક અને સુવિધાસભર બનાવાશે
સાયણ: કેન્દ્ર સરકારના સુરત જિલ્લાનાં ચાર રેલવે સ્ટેશન સહિત દેશનાં 554 રેલવે સ્ટેશનને આધુનિક અને સુવિધાસભર બનાવવા નિર્ણયને લઈ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કર્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વિવિધ રેલવે સ્ટેશનને આધુનિક અને સુવિધાસભર બનાવવા નિર્ણય લેવાયો હતો. ભવિષ્યને ધ્યાનમાં લઇને ઓલપાડ તાલુકાના કીમ, સાયણ રેલવે સ્ટેશનને અમૃત સ્ટેશનમાં આવરી લેવામાં આવ્યાં હતાં. ત્યારે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી કીમ, સાયણ સહિત દેશનાં 554 રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કર્યો હતો.
આ રેલવે સ્ટેશનો પર સર્ક્યુલેટિંગ એરિયા, પાર્કિંગ, રેલવે બિલ્ડિંગ સાઈનેઝ, પાણીની પરબ, શૌચાલયમાં સુધારા, પ્લેટફોર્મ પર બાકડા જેવી સુવિધાઓ વધારે બનાવવામાં આવશે. જેને લઇને ઓલપાડ તાલુકાનાં બે રેલવે સ્ટેશનને આધુનિક બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 57.54 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે ઓલપાડ તાલુકાનાં બે રેલવે સ્ટેશન ખાતે આયોજિત આ શિલાન્યાસ કાર્યક્રમમાં રેલવે વિભાગના અધિકારીઓ તેમજ ઓલપાડ તાલુકા પંચાયતનાં પ્રમુખ નીતાબેન પટેલ, કીમ ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ, ઓલપાડ તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય અને હળપતિ આવાસ કમિટી અધ્યક્ષ અશોકભાઈ રાઠોડ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ લાલુભાઈ, તાલુકા પંચાયત સભ્ય દિપેશભાઈ પટેલ, સાયણ સરપંચ એડવોકેટ જીજ્ઞાસાબેન ઠક્કર હાજર રહ્યાં હતાં.
ગુજરાત એક્સપ્રેસ તથા ઇન્ટરસિટી જેવી ટ્રેનનું સ્ટોપેજ મળવું જોઈએ: સરપંચ
સાયણનાં સરપંચ જીજ્ઞાશાબેન ઠક્કરે આભાર વિધિ કરતાં જણાવ્યું હતું કે, અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત સાયણ રેલવે સ્ટેશનને અત્યાધુનિક અને સુવિધાયુક્ત બનાવવા માટે 31.54 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ અમૃત ભારત સ્ટેશન યોજનામાં સાયણ ગામના રેલવે સ્ટેશનનો સમાવેશ કરવાની સાથે સાયણ ગામની પૂર્વ વિભાગની જનતાને સાયણ બજારમાં અવરજવર કરવાની તકલીફ હતી તે તકલીફને દૂર કરવા લિફ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રજૂઆતને ધ્યાનમાં લેવા બદલ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ તથા રેલવે અધિકારીઓનો પણ હું આભાર માનું છું. સાયણ ગામની જનતા વતી એક રજૂઆત કરી છે કે સાયણ ગામને ગુજરાત એક્સપ્રેસ તથા ઇન્ટરસિટી જેવી ટ્રેનનું સ્ટોપેજ મળી જાય તો સાયણ ગામ તથા આજુબાજુના ગામોની જનતાને રોજિંદા અવરજવર માટે પડતી મુશ્કેલીઓ દૂર થઈ જાય.