surat : પાલનપુર પાટીયા ( palalnpur patiya) પાસે સંસ્કાર ભારતીની સામે શાકભાજી માર્કેટ પાસે રસ્તાની વચ્ચે પાથરણા નાખીને બેસેલી બે મહિલાઓને ટીઆરબી ( trb) દક્ષાબેને બેસવાની ના પાડી હતી. જેથી બંને મહિલાઓ ત્યાંથી ઉઠીને જતી રહી હતી. ત્યારબાદ ટીઆરબી પણ ત્યાંથી ખસી જતા ફરીથી બે મહિલાઓ ત્યાં આવીને બેસી જતા મહિલા ટીઆરબીએ આવીને ટોકતા બંને મહિલાઓએ ટીઆરબીની મહિલા જવાનને માર મારતા બંને સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પાલનપુર પાટીયા સંસ્કાર ભારતીની સામે આવેલી શાકભાજી માર્કેટ ( vegetable market) માં શાકભાજીવાળાઓની દાદાગીરી વધતી જાય છે કોરોના કાળમાં પણ લોકો શાકભાજી લેવા ટોળે ન વળે તે માટે પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. છતા શાકભાજીવાળા અને તેમાં પણ લારી લઇને શાકભાજી વેચવાવાળા પોલીસને ગાંઠતા નથી. આજે સવારે ટ્રાફિક શાખા રીજીયન-4 માં ફરજ બજાવતા લોકરક્ષક સંજયભાઈ ભરતભાઈ કાણોતરા છેલ્લા એક મહિનથી સંસ્કાર ભારતી શાકમાર્કેટ પાલનપુર પાટીયા ખાતે ફરજ બજાવે છે. આજે તેઓ તેમની સાથેના લોકરક્ષક શીતલભાઈ, ટીઆરબી દક્ષાબેન તથા દિવ્યાબેન ફરજ પર હાજર હતા. ત્યારે બપોરે બારેક વાગે શાકમાર્કેટ માર્કેટના રોડની વચ્ચે ડીવાયડરના ગેપમાં બે મહિલાઓ પાથરણા લગાવી શાકભાજી વેચવા બેસી હતી. ટીઆરબી દક્ષાબેને તેમને ત્યાંથી ઉઠાડતા ત્યાંથી ખસી ગઈ હતી પણ જેવા પોલીસ જવાનો ત્યાંથી ગયા કે તરત જ પરત આવીને બેસી હતી.
શાકમાર્કેટ માર્કેટના રોડની વચ્ચે ડીવાયડરના ગેપમાં લોકોને અવરજવરમાં અડચણરૂપ થતી હોવાથી તેમને ફરી ટીઆરબી દક્ષાબેન કહેવા ગઈ હતી. ત્યારે બંને મહિલાઓએ ઉશ્કેરાઈ જઇ ગાળા ગાળી કરવા લાગી હતી. અને ‘અમે તો અહીં જ પાથરણા લગાવીશું’ તેવું કહીને એક મહિલાએ ટીઆરબીને તમાચો મારી દીધો હતો. બીજા પોલીસ કર્મચારી વચ્ચે પડતા તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી. બંને મહિલાઓએ ટીઆરબી દક્ષાબેનની ટીશર્ટ ખેંચી, વાળ પકડી માર માર્યો હતો. જેને પગલે અન્ય પોલીસ જવાનોએ તેમને પકડીને નામ પુછતા જયશ્રીબેન મનિષ પટેલ (રહે,ભેસાણ ગામ) અને મીનાબેન જયંતિભાઈ પટેલ (રહે,ભેસાણ ગામ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં બંને સામે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.