સુરત: સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સોમવારે વિચિત્ર ઘટના બની હતી. અહીં એક એપાર્ટમેન્ટના ત્રીજા અને ચોથા માળની વચ્ચે છજ્જા પર એક મહિલા ફસાઈ ગઈ હતી. આ મહિલા અહીં કેવી રીતે પહોંચી તે તો ખબર પડી નથી પરંતુ લાંબો સમય સુધી તે મહિલા છજ્જા પર ફસાયેલી હતી. એપાર્ટમેન્ટના તથા આસપાસના લોકો મહિલાને છજ્જા પર જોઈ ગભરાયા હતા.
લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા કાફલો ત્યાં પહોંચ્યો હતો અને મહિલાને ઉપરની તરફ ખેંચી બારીમાંથી ફલેટની અદર લઈ બચાવી લેવાઈ હતી. આ સમગ્ર ઘટનાનો સ્થાનિકોએ વીડિયો ઉતારી લીધો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દરમિયાન મહિલા છજ્જા પર કેવી રીતે પહોંચી તે મામલે ડીંડોલી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ડિંડોલીની માર્ક પોઇન્ટ બિલ્ડિંગના ચોથા માળની બાલ્કનીના શેડ ઉપર ફસાઈ ગયેલી મહિલાને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી સહી સલામત નીચે ઉતારી લેવામાં આવી હતી. મહિલા શેડ ઉપર અકસ્માતે પડી હતી. જેને જોઈ બિલ્ડિંગના રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
ફાયર વિભાગનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર સોમવારે સાંજે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, ડિંડોલીના રામી પાર્ક ખાતે માર્ક પોઇન્ટ નામની બિલ્ડિંગ આવેલી છે. આ બિલ્ડિંગના ચોથા માળની બાલ્કનીમાં સોનાલીબેન મગદોલ નામની એક મહિલા અકસ્માતે પડતાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ બિલ્ડિંગના રહીશોએ ફાયર વિભાગને કરી હતી.
આથી ડિંડોલી ફાયર સ્ટેશનની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાં ફસાયેલી મહિલાને રેસ્ક્યુ કરવાની કવાયત કરી હતી. ફાયર ઓફિસર ફાલ્ગુન ગઢવીએ જણાવ્યું હતું કે, હાઇડ્રોલિક લેન્ડર્સ ક્રેઈનને ઊંચી કરી મહિલાને નીચે ઉતારી લેતાં તેનો જીવ બચી ગયો હતો. આ ઘટનાને લઈ બિલ્ડિંગના રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
આ મહિલા અહીં કેવી રીતે પહોંચી તે એક રહસ્ય છે. ફાયર બ્રિગેડ દ્વારા જાણ કરાતા આ મામલે ડીંડોલી પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ડીંડોલી પોલીસ દ્વારા મહિલાની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.