Columns

એક અનોખો વિજેતા

સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે નજીક હતો. બધા વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમેન સ્પીરીટ અને રમતગમતનું મહત્ત્વ સમજાવવા માટે ખાસ આ દિવસ ઉજવવામાં આવતો હતો. વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બધા તૈયારીમાં લાગ્યા. સ્પોર્ટ્સ ડેનો દિવસ આવ્યો. સુંદર સ્વાગત નૃત્ય સાથે શરૂઆત થઈ અને વિવિધ સ્પર્ધાઓ એક પછી એક શરૂ થઈ. દોડવાની સ્પર્ધા શરૂ થઈ. ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર દોડની સ્પર્ધાઓ હતી. દરેક સ્પર્ધક પોતાની પૂરી તાકાત લગાવી દોડવા તૈયાર હતો. ૪૦૦ મીટર દોડ શરૂ થઇ.

એક વિદ્યાર્થી નમન સૌથી આગળ હતો અને અચાનક દોડતાં દોડતાં તેનો પગ મચકોડાયો અને તે નીચે પડી ગયો. ત્યાં ઊભેલાં બધાં વિદ્યાર્થીઓ નમન પડી ગયો એ જોઇને હસી પડ્યા. પાછળ આવતાં વિદ્યાર્થીઓ નમનથી આગળ વધી ગયાં. નમન હિંમત ન હાર્યો, તે હિંમત ભેગી કરી ઊઠ્યો, પોતાના ધૂળવાળા કપડાં સાફ કર્યાં અને ફરી દોડવા લાગ્યો. લંગડાતા પગે તેણે પોતાની દોડ પૂરી કરી. અંતે જ્યારે દોડ પૂરી થઇ, તે ભલે પહેલો ન આવ્યો, પણ બધાં લોકોએ તેના માટે ઊભા થઈને તાળીઓથી વધાવી લીધો. નમનનાં મમ્મી, પપ્પા તેની તરફ દોડી ગયાં અને તેને ભેટી પડ્યાં. કોચ સરે આવીને શાબાશી આપી.

બધી સ્પર્ધાનાં વિજેતાઓને મેડલ આપવામાં આવ્યા. ત્યાર બાદ પ્રિન્સિપાલ બોલ્યા  “આજે આપણી વચ્ચે એક અનોખો વિજેતા છે; જે આજે મેડલ નથી જીત્યો પણ તેણે બધાનાં દિલ જીતી લીધાં છે. એ  વિજેતા છે નમન – કારણ કે નીચે પડી ગયા બાદ તેને ખબર હતી કે હવે તે જીતી નહિ શકે છતાં તે નાસીપાસ ન થયો. ફરી ઊભો થયો અને પગમાં વાગ્યું હોવા છતાં દોડ પૂરી કરી. જરૂરી નથી કે હંમેશ તમે પ્રથમ જ આવો. સાચી જીત એમાં છે કે તમે જયારે પડી જાવ ત્યારે નીચે પડી રહો નહિ, પણ ફરી ઊભા થઈને આગળ વધો. આ માત્ર રમતગમતની વાત નથી.

વિદ્યાર્થી મિત્રો, તમારે જીવનમાં પણ જીતવું હશે તો આ વાત હંમેશ યાદ રાખવી પડશે.જીવનમાં દરેક તબક્કે તમને વિજય જ મળે તેવું શક્ય નથી પણ જયારે જીવનમાં પડકારો અને મુશ્કેલીઓની થપાટ નીચે પટકી દે ત્યારે હિંમત હાર્યા વિના ફરી ઊભા થવું અને અટક્યા વિના ફરી આગળ વધવું એ જ સાચા રમતવીર વિજેતાની નિશાની છે. ” પ્રિન્સીપાલે નમનને સ્ટેજ પર બોલાવી વિશેષ ઇનામ આપ્યું અને તેની પીઠ થાબડી કહ્યું, જીવનમાં હંમેશ આમ જ આગળ વધજે.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top