Business

એક અનોખા ગાંધીજન મનુભાઇ પંચોલી ‘દર્શક’

1994 માં મનુભાઇએ તેમના એક પત્રમાં લખેલું કે ‘ગાંધી સવાસો નિમિત્તે આકાશવાણી રાજકોટે કાર્યક્રમોનું આયોજન કર્યું હશે.’ તેમનો આ દિશાનિર્દેશ કદાચ અમે ચૂકી ન જોઇએ તે માટે હતો. સૌરાષ્ટ્રમાં હોઇએ તો ગાંધીજીને કેમ ભુલી શકીએ? જીવનના લગભગ ત્રીજા ભાગના વરસો લગભગ પચ્ચીસ વરસ તેમણે પોરબંદર રાજકોટમાં વિતાવ્યા. અહીં જ ભણ્યાં, ભુલો કરી, ભુલો સુધારી, પરણ્યા અને બે સંતાનોના પિતા થયાં તે પણ રાજકોટમાં.

‘દર્શક’નો પત્ર આવ્યો તેના પરથી વિચાર આવ્યો કે ‘ગાંધી વિચાર’ અંગેની તેર વાર્તાલાપની શ્રેણી તેમની પાસે કરાવીયે તો? આ અગાઉ આવી વાર્તાલાપની શ્રેણીની કોઇ પરંપરા ન હતી. મેં મારા ડાયરેકટર શ્રી વિજય દિક્ષિતને આ શ્રેણી અંગે વિચાર મુકયો ને તેમણે ઉમેટભેર હા પાડી. તેમની મંજૂરી પછી મનુભાઇ સાથે વાત આગળ વધારી તેર હપ્તાની રૂપરેખા નકકી કરી. તેમણે સૂચન કર્યું કે ચારે કટકે આ તેર હપ્તાનું રેકોર્ડીંગ કરીયે. તેમનું એક સૂચન એ પણ હતું કે છેલ્લો હપ્તો તેમના પત્ની ગાંધીજીના અંતેવાસી વિજયાબેન પણ આપી શકે. તેમણે શ્રેણી સ્વીકારી તેનો જ ઘણો આનંદ થયો.

ચાર કટકે રેકોર્ડીંગ કર્યું. શ્રેણીનો છેલ્લો વાર્તાલાપ વિજયાબેનનો હતો એટલે ત્યારે તેઓ પણ સાથે આવેલાં. ‘દર્શક’ને કાનની તકલીફ એટલે હું તેમની નજીક જઇ મોટેથી બોલતો હતો તે સાંભળીને વિજયાબેને મર્માળી ટકોર કરી ‘સાંભળવું હોય ને એ બધું સાંભળે છે!’ રેકોર્ડીંગ પુરું થયે બહાર સુધી તેમને વળાવવા ગયો ત્યારે ‘દર્શકે’ મને પૂછયું ‘અહીં સારો રેડિયો કયાં મળે? વિજયાની આજની કમાણીમાંથી (આકાશવાણી પુરસ્કારનો ચેક) એને એક રેડિયો લેવો છે.’ અમે એક બે સારી દુકાનનું સરનામું આપ્યું. શકય છે કે રેડિયો ખરીદીને જ પાછા ગયા હશે. પણ અફસોસ એક જ વાતનો રહ્યો કે શ્રેણીના છેલ્લા મણકામાં તેમનું પ્રસારણ હતું અને એ મણસો પ્રસારિત થાય તેના બેચાર દિવસ પહેલાં જ તેમનું અવસાન થયું હતું. ‘ગાંધી વિચાર’ની એ વાર્તાલાપ શ્રેણીને આધારે તેમણે એક પુસ્તિકા પણ લખી હતી તેવો ખ્યાલ છે.

આ શ્રેણીના પ્રસારણ પછી વિચાર આવ્યો કે મનુભાઇ બીજી વાર્તાલાપ શ્રેણી આપે તો સારું. મેં તેમને વાત કરી. તેમણે વિષય સૂચવ્યો ‘ભારતમાં સામાજિક સુધારણાં – છેક વૈદિક કાળથી ઋષિ ચાર્વાક, બુધ્ધ મહાવીર, રાજા રામમોહન રાય, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, દયાનંદ સરસ્વતી, ગાંધીજી, આંબેડકર સુધીના પ્રભાવો આવરી લેવાના હતાં. એ શ્રેણીમાં મુસ્લિમ આક્રમણોની વાત પણ આવે. અમારૂં માધ્યમ રહ્યું સરકારી. શકય છે કે કોઇ આવા જ મુદ્દે આકાશવાણીએ પ્રજાનો વિરોધ અને અમારી હેડઓફિસની નારાજગની સહન કરવાનો વારો પણ આવે. આવી એક સમસ્યા હતી. તેમના વાર્તાલાપમાંથી કશુંક પણ ‘એડિટ’ કરવાનો વારો આવે તો મનુભાઇ તેમાં સંમત ન થાય અને એ અમને પણ ન ગમે. મારી હાલત તો ‘સુડી વચ્ચે સોપારી’ જેવી થઇ. એક તબકકે તો થયું આ શ્રેણીનો વિચાર જ પડતો મુકી દઉં. મેં એ અંગે અમારા ડાયરેકટર વિજય દિક્ષિતને વાત કરી તો તેમણે કહ્યું ‘મૌખિક રીતે કમીટ થયું હોય તો પણ હવે પરોઠના પગલાં ના ભરાય. તું જ તેમની સાથે ડીલ કર. મારી આશંકા અંગે મનુભાઇને વાત કરી તો તેઓ કહે ‘હું ત્યાં આવી તારા ડાયરેકટર સાથે રૂબરૂ ચર્ચા કરીશ’.

એક દિવસ સવારે અગિયારેક વાગે જ તેમનો ફોન આવ્યો ‘હું તમારા ડાયરેકટર સાથે ચર્ચા કરવા આવું છું.’ ફોન તરત કટ. મને એમ કે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના કોઇ કામ અંગે રાજકોટ આવ્યા હશે અને અમને મળીને સણોસરા પરત ફરવાના હશે. ત્યાં તો થોડી વારમાં જ તેમની ગાડી આવી પહોંચી. એ વખતે ડાયરેકટરની અને મારી ઓફિસ જુના બંગલાના પહેલે માળે હતી. કહેવાય પહેલો માળ પણ ઊંચાઇ દોઢ માળથી પણ વધારે. હું નીચે લેવા ગયો. પાળીના અને માર ટેકે ધીમે ધીમે ઉપર ચડયા. છાતી તો હાંફધમણ. આવીને સીધા સોફામાં ફસડાઇ જ પડયાં. થોડા દિવસો પહેલાં જ મુંબઇ જસલોકમાં સારવાર લઇને પાછા ફર્યા હતાં. તબિયત હજી બરોબર નહોતી.

તેઓ રાજકોટથી નહીં પણ સણોસરાથી જ ત્રણ કલાકની મુસાફરી કરીને આવ્યા હતાં- ખાસ ડાયરેકટર સાથે વાર્તાલાપ શ્રેણી અંગે ચર્ચા કરવા તેમની પરિસ્થિતિ જોઈને રાતે તેમને કંઇક થઇ જાય તો? અમારા પર કાળી ટીલી લાગત તો. મારા ડાયરેકટરે કહ્યું મને નીચે બોલાવી લીધો હોત તો?. મેં કહ્યું એ તો ગાડીમાંથી ઉતરી સીધા ચડવા જ માંડયા, અમે તેમને થોડો આરામ કરાવી ચા પાણી પાયા. થોડા સ્વસ્થ થયાં પછી તેમણે તેમના મનમાં રહેલાં મુદ્દાઓ કહ્યા. સ્વસ્થ ચર્ચા પછી બંનેના મનમાં રહેલી આશંકાઓનું સમાધાન થયું. તેર હપ્તાની તે તેમની બીજી શ્રેણી હતી. બંને શ્રેણીના એ છવ્વીસ વાર્તાલાપો આજે અમારું ઘરેણું છે. એક સમયે હું આકાશવાણી પર કદી નહીં આવું. ‘એમ લખનાર મનુભાઈએ છવ્વીસ વાર્તાલાપો આપી અને ન્યાલ કરી દીધાં.

એકવાર ‘મૃત્યુ’ વિશેનું રૂપક તૈયાર કરતો હતો ત્યારે તેમનો નાનો ઈન્ટરવ્યુ લીધેલો. તેમનું કહેવાનું હતું કે મૃત્યુ એવા સમયે આવે તો સારૂં જયારે માણસને સંતોષ હોય કે કરવા જેવું બધું કરી લીધું છે. અને બીજું એ કે વિજ્ઞાને એવી શોધ કરવી જોઈએ કે મૃત્યુ પીડાદાયક ન હોય. ‘ફ્રેંચક્રાંતિ’ અને ‘અમેરિકન સિવિલ વોર’ તેમને મન મહત્ત્વની ઘટનાઓ હતી. તે ઘટનાઓ નેપથ્યમાં તેઓ બે નવલકથાઓ લખવાનું વિચારતા હતા પણ એ ઇચ્છા પુરી ન થઇ. એકની શરૂઆત થઇ અને બીજી તો તેમના મનમાં જ રહી. પોતાના મરણ વિશે કહે મરવાનું તો નિશ્ચત જ છે.

રાજા રામ જેવા રાજા રામ પણ ગ્યા, તો હું મનુભાઈ કઇ વાડીનો મૂળો કે કહું કે ના હું તો આપા રઇશ, આપાં રઇશ અને ઉપર કાં છે એવું ય હું નથી માનતો. હજી સુધી કોઇએ પાછા આવીની કીધું નથી કે ઉપર કંઇક છે. ભારત છોડો કહી લગભગ ધક્કો મારીને અંગ્રેજો કાઢયા એ બરોબર હતું તેમને કાઢવા જેવા જ હતા અને કાઢયાં પણ તેઓ ભારતને શું શું આપતા ગયા તેના લેખા જોખાં પણ તટસ્થ રીતે થવા જોઈએ અને હવે અત્યારની પ્રજાને સમાધાનકારી વિચારણા-Reconciliation પછી તેમણે કરેલાં સારા કામો અને તેમના પ્રદાનની વાત કરવી જોઈએ. તેમના એ સ્વસ્થ અભિગમ બદલ તેમના પર જે માન હતું તે વધ્યું.

તેમના મૃત્યુના સમાચાર એણે જયારે આકાશવાણી વાર્ષિક પુરસ્કાર લઇ ઓરિસ કટકથી પાછા ફરતાં હતાં ત્યારે મળ્યાં. મને થયું તેમને આખીર અંજલિ નહીં આવી શકાય. પણ તેમની અંતિમવિધિ અમે રાજકોટ પહોંચ્યા તે પછીના દિવસે હતી એટલે બીજા દિવસે અમે અમારી ટીમ લઇ સણોસરા પહોંચી તેમને આખરી અંજલિ આવી અને રાતે તેમને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ પણ પ્રસારિત કર્યા. મને એ સદ્દભાગ્ય મળ્યું કે આકાશવાણી થકી આવા ઉત્તમ લેખક કેળવણીકાર અને વિરલ ગાંધીજન સાથે સાત ડગલાં સાથે ચાલવાનો સંબંધ બંધાયો.

Most Popular

To Top