Vadodara

ઓનલાઇન 7.50 લાખની ઠગાઇના ગુનામાં નાઇજિરિયન સહિત ઠગ ત્રિપુટી ઝડપાઇ

વડોદરા: ભારતથી અમેરિકાની બાયોટેક કંપનીને કેન્સરની દવા બનાવવામાં ઉપયોગમાં લેવાતા રો મટીરીયલ સપલાય કરવાને બહાને ઠગ ટોળકીએ 7.50 લાખ ઓનલાઈનની છેતરપિંડી કરવાના ગુનામાં સાઇબર ક્રાઇમે એક વિદેશી સહિત ત્રણ ઈસમોની ધરપકડ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મકરપુરા જીઆઈડીસીમાં આવેલ શક્તિ એન્જિનિયરિંગના માલિક અમરકાંત ધર્મનાથ સિંહ (રહે: આમ્રપાલી ટાઉનશીપ મકરપુરા રેલવે સ્ટેશન પાસે માણેજા) ભેજાબાજ વિદેશી ટોળકીનો શિકાર બન્યા હતા. બે માસ પૂર્વે તેમને મળેલા મેલ પર કેન્સરની દવા બનાવવાના ઉપયોગમાં લેવાતી રો મટીરીયલ સપ્લાય કરીને મળતા જંગી નફામાં 50%ના ભાગીદાર બનાવવાની કરેલી લોભામણી ઓફરમાં ફસાયા હતા.

યુએસએની ફ્રુઈટ બાયો નામની કંપનીમાં એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટની ફરજ બજાવતો ડેનિયલ કોહેન નામે ઓળખાણ આપીને જાળ પાથરી હતી મટીરીયલ અંગે આસામના તેમના ડીલરનો સંપર્ક પણ કર્યો હતો અને તેના મળતિયા રો ફિલીપ નામના સની દિલ્હીની હોટલમાં મુલાકાત પણ કરાવી હતી. વધુ પ્રલોભનો આપી ટોળકીએ અમરકાંતના ખાતામાંથી તબક્કાવાર સાડા સાત લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા.ત્યારબાદ વ્યવસાય અંગે ભેજાબાજોએ ગોળ ગોળ ફેરવીને સંપર્કો કાપી નાખ્યા હતા. સાઇબર ક્રાઇમને મળેલી ફરિયાદ બાદ અદ્યતન ટેક્નોલોજીના આધારે તપાસનો દોર લંબાતા વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા તથા વધુ પુછતાછ  અર્થે ત્રિપુટીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછતાછ હાથ ધરી છે.

પોલીસે ગુજરાતના જામનગર ખાતે ધામા નાખી આરોપી મોહિત અને વિવેકને દબોચી લીધા

આ અગાઉ સાઇબર સેલે છેતરપિંડી આચરનાર જામનગરના પાર્થ દાનીધારીયાને ઝડપી પાડયો હતો. જેની પૂછપરછમાં ઠગ ટોળકીના અન્ય બે આરોપીઓ મોહિત ઉર્ફે વિવેક પરમાર તથા જતીન બાલાનું નામ ખૂલ્યું હતું. તેઓ પણ જામનગરના રહેવાસી હતા. જેથી પોલીસે જામનગર ખાતે ધામા નાખી મોહિત અને વિવેકને દબોચી લીધા હતા. આ ઉપરાંત તેમની પૂછપરછ દરમિયાન છેતરપીંડીનો માસ્ટરમાઈન્ડ મૂળ નાઈજેરિયા અને હાલ મુંબઈ-મહારાષ્ટ્રમાં રહેતો રફેલ ઇનકાનું નામ સપાટી પર આવ્યું હતું. જેથી સાયબર સેલની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી. અને ટ્રાન્સફર વોરંટના આધારે મુખ્ય સૂત્રધાર રફેલને વડોદરા લઈ આવી હતી. પોલીસ હાલ છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલા ઠગોની પૂછપરછ કરી રહી છે અને આ ગુનામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની તપાસનો દોર ચલાવી રહી છે.

બેંક એકાઉન્ટની માહિતી કોઇને આપવી નહીં 

કેન્સરની દવા ઓનલાઇન વેંચવાના બહાને નાઇજેરિયાના મૂળ માસ્ટર માઇન્ડ રફેલ ઇન્કાએ આ છેતરપિંડી આચરવાનો તખતો ઘડી કાઢ્યો હતો જેમાં અન્ય લોકોને પણ સામેલ કર્યા હતા. પોલીસ હાલમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરી અન્ય કોઇ શખ્સો આ કેસમાં સંડવાયેલા છે કે કેમ ? આ દિશા તરફ વધુ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા અન્ય લોકો આ પ્રકારની છેતરપિંડીનો ભોગ ન બને તેની માટે સેફ્ટી ટીપ્સ પણ આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે કોઇ પણ ઇસમને તમારા દસ્તાવેજો આપવા નહીં તેમજ તમારા બેંક એકાઉન્ટની માહિતી આપાવી નહીં

ઝડપાયેલા આરોપીઓનાં નામ

રફેલ એડીડીયો ઇનકા(રહે, મૂળ નાઈજેરિયા અને હાલ મુંબઈ મહારાષ્ટ્ર)
મોહિત ઉર્ફે વિવેકભાઈ જગદી પરમાર  (રહે, નાગર ચકલો જામનગર)
જતીનભાઈ નટવરલાલ પાલા      (રહે, કૃષ્ણકુંજની સામે જામનગર)
અગાઉ પાર્થ દાનીધારીયા       (રહે, જામનગર )ઝડપાયો હતો.

Most Popular

To Top