નિઝર વિધાનસભા બેઠક એટલે નિઝર, ઉચ્છલ, કુકરમુંડા અને સોનગઢ તાલુકાઓનાં ગામો અને ટાઉનમાં પથરાયેલી લાંબો વિસ્તાર ધરાવતી બેઠક. 2007 સુરત જિલ્લાનું વિભાજન કરી તાપી જિલ્લાની રચના કરવામાં આવી એ સાથે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની સરહદે આવેલા તાલુકાઓનો તાપી જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. નિઝર સુરતથી લગભગ 172 કિ.મી. દૂર છે. નિઝર વિધાનસભા મતવિસ્તાર 172 નંબરની વિધાનસભા બેઠક છે. મતવિસ્તારમાં કુલ 282,479 મતદાર છે, આદિવાસીઓ માટેની અનામત બેઠક નિઝર પર આદિવાસી લોકોનું પ્રભુત્વ જોવા મળે છે. પૂર્વ પટ્ટીના આદિવાસી મતદારો વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યા છે.
આદિજાતિના મતદારોના મતો નિર્ણાયક સાબિત થાય છે. જો કે, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અહીં ભાજપે સ્ટીમ રોલર ફેરવી દીધું હતું. એ જોતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં સીધી સ્પર્ધા છે. કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય સુનીલ ગામીત ફરી મેદાને છે. ભાજપે તાપી જિલ્લા પ્રમુખ ડો.જયરામ ગામીતના નેતૃત્વમાં પંચાયતોની ચૂંટણી જિત્યું હોવાથી તેમને ટિકિટ ફાળવી છે. આમ આદમી પાર્ટીએ જૂના સહકારી આગેવાન અરવિંદ ગામીતને ટિકિટ ફાળવી ચૂંટણી જંગને ત્રિકોણીય બનાવ્યો છે. અહીં ભારતીય ટ્રાઇબલ પાર્ટી પણ મેદાને છે. વર્ષ-2021માં યોજાયેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વ્યારામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જેમાં વાલોડ, ડોલવણ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકા પંચાયત ભાજપના ફાળે ગઈ, જ્યારે વ્યારા અને સોનગઢ તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી.
નિઝર વિધાનસભા-2012માં ભાજપ અને 2017માં કોંગ્રેસ જિત્યું હતું
નિઝર બેઠકના રાજકીય સમીકરણ બદલાયાં છે. 2017ની ગત ચૂંટણીમાં નિઝર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના સુનીલ રતનજીભાઈ ગામીત જિત્યા હતા. તેમને 106234 મત મળ્યા હતા. તેમણે ભાજપના કાંતિલાલભાઈ રેશમાભાઈ ગામીતને 23129 મતોની જંગી સરસાઈથી હરાવ્યા હતા. 2012ની ચૂંટણીમાં કાંતિભાઈ ગામીત ચુંટાયા હતા. વિધાનસભા બેઠકના નવા સીમાંકન પછી અહીં ગામીત મતદારો નિર્ણાયક છે. અગાઉ 8 વાર વસાવા સમાજના ઉમેદવારો ચૂંટણી જિત્યા હતા. 1998, 2002, 2007માં કોંગ્રેસના ઉમેદવાર પરેશ વસાવાએ જીતની હેટ્રિક કરી હતી.
ભાજપે સુરત અને તાપી જિલ્લામાં ચૌધરી સમાજને એકપણ ટિકિટ નહીં આપી
સ્વ. અમરસિંહ ચૌધરીથી લઈ ડો.તુષાર ચૌધરી સુધીના આગેવાનોએ પોતાના સમાજ પર દબદબો જાળવી રાખતાં ભાજપે તાપી અને સુરત જિલ્લામાં ચૌધરી સમાજને એકપણ ટિકિટ આપી નથી. ભાજપે ગામીત, હળપતિ, કોંકણી, વસાવા ઢોડિયા પટેલ સમાજને ટિકિટ આપી પ્રભાવવાળા વિસ્તારો પર આધાર રાખ્યો છે. સોનગઢ શહેરી વિસ્તારમાં મતદારોની કુલ સંખ્યા 20991 છે. સોનગઢ ગ્રામ્ય વિસ્તારની કુલ સંખ્યા 78777 છે. ઉચ્છલ તાલુકા વિસ્તારમાં કુલ સંખ્યા 75851 છે. નિઝર તાલુકામાં 59185 મતદાર છે. કુકરમુંડા તાલુકા વિસ્તારમાં મતદારોની સંખ્યા પુરુષ મતદાર 23116 અને સ્ત્રી મતદાર 24559 છે.