સુરત : યુ ટયૂબ પર અલગ અલગ ગેમો રમીને નાણા જીતવાના પ્રલોભનો આપતી એપમાં રોકાણ કરવા જતા તેમાં છેતરપિંડી થતી હોવાનું બહાર આવતા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. લાખો રૂપિયા જીતવાના ખોટા પ્રલોભનો તથા ઇન્ટરનેશનલ કેસીનો બતાવીને શહેરમાં બેરોકટોક છેતરપિંડી કરવામાં આવી રહી છે.
- સુરતથી ડો. નવનીત દેવાણી દ્વારા આ એપ ચલાવવામાં આવતી હોવાનું કૌભાંડ ખટોદરા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે
- એપ મારફત દેશ અને વિદેશના લાખો લોકોને બેરોકટોક છેતરવામાં આવ્યા
- બિગ વિનર નામની એપ્લિકેશન મારફત હજારો લોકો સાથે 100 રૂપિયાથી લઇને હજારો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી
આવી એક કહેવાતી ઇન્ટરનેશનલ એપ બીગ વિનર તે સુરતના વરાછાથી ડો. નવનીત દેવાણી દ્વારા ચલાવવામાં આવતી હોવાનુ કૌભાંડ ખટોદરા પોલીસ મથકમાં બહાર આવ્યું છે. વળી તે ડેન્ટિસ્ટ હોવાની વિગત જાણવા મળી છે. આવી એપ મારફત દેશ અને વિદેશના લાખો લોકોને બેરોકટોક છેતરવામાં આવી રહ્યાં છે. આ કૌભાંડ તબીબ દ્વારા કરવામાં આવતું હોવાનું માલૂમ પડતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. દરમિયાન પોલીસ દ્વારા આ તબીબે અન્ય કોઈ એપ્લિકેશન તો બનાવી નથી ને તેની શંકાને આધારે તપાસ શરૂ કરી છે.
ઓન લાઇન ગેમમાં લોકોએ લાખ્ખો રૂપિયા જીતા છે. તેમ જણાવીને યુ ટયૂબ પર બીગ વીનર નામની એપ્લિકેશન રાજેશકુમાર બુધીરામ પતરા દ્વારા ડાઉનલોડ કરવામાં આવી હતી. રાજેશકુમાર તે જોગણીમાતાના મંદિર , ખટોદરા પાસે પાનનો ગલ્લો ચલાવે છે. તેઓ યુટયૂબના વિડીયોમાં પ્રલોભનમાં આવી ગયા હતા. તેથી તેઓએ 500 રૂપિયા દાવ પર લગાવ્યા હતા પરંતુ તેમાં તેઓને કાંઇ મળ્યું ન હતું.
દરમિયાન રાજેશભાઇના મિત્ર વર્તુળમાં પણ આવી છેતરપિંડી થઇ હોવાનું બહાર આવ્યું હતું. બિગ વિનર નામની એપ્લિકેશન મારફત હજારો લોકો સાથે 100 રૂપિયાથી લઇને હજારો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી હોવાનું માલૂમ પડતા આ મામલે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દરમિયાન બીગ વિનરની એપનું સંચાલન નવનીત મનસુખ દેવાણી, (રહે. ,ટી-105 શાલીગ્રામ ફલોરા , કામરેજ )દ્વારા કરવામાં આવતું હતું.