Madhya Gujarat

માતરના ઉંઢેલામાં ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

નડિયાદ : માતર તાલુકાના ઉઢેંલા મુકામે 26 જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિપૂર્વક થાય અને નવરાત્રી વખતે બનેલી ઘટના પુનરાવર્તિત ન થાય તે માટે સજ્જડ પોલીસ બંદોબસ્ત રાખવા મુસ્લિમ સમાજના અગ્રણીઓએ રેન્જ આઇ.જી. સહિત સબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. માતર તાલુકાના ઉઢેંલા ગામમાં 3 ઓક્ટોબરને 2022ના રોજ નવરાત્રી દરમિયાન આઠમા નોરતે હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. જે બાદ ગામમાં તણાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પોલીસે કેટલાક લોકોને જાહેરમાં થાંભલા સાથે બાથ ભરાવી માર મારવાનો બનાવ પણ બન્યો હતો.

જેના કારણે હાલમાં આ બનાવોને લઈ ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે, હાઇકોર્ટે પણ થોડા દિવસ પહેલા આ મામલે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. ઉઢેંલા માટે હજી પણ નવરાત્રિના બનાવને લઈ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ સળગતી સ્થિતિ વચ્ચે 26મી જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં દૂરથી લોકો આવી શકે તેવી શક્યતા છે. અમુક લોકો દ્વારા ભૂતકાળમાં નવરાત્રી દરમિયાન બનેલી ઘટનાના અનુસંધાનમાં કાંકરીચાળો થાય તેવા એંધાણ દેખાતા, ઉઢેલામાં ત્રણ દિવસ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુધી કોમી વયમનસ્ય ન ફેલાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા માટે મુસ્લિમ અગ્રણીઓએ માગ કરી છે.

આ માટેલ સ્થાનિક અગ્રણીઓએ રેન્જ આઈ.જી., કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, ડીવાયએસપી, માતરને અરજી આપી છે. આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, 26થી 28 જાન્યુઆરી સુધીના કાર્યક્રમમાં સીઆરપીએફના ચાંપતા બન્દોબસ્તમાં અને સીસીટીવી કેમેરા નજર હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ હિંસાત્મક બિના ન બને તે અંગે ચોક્કસ પગલા લેવા માગ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ દરમિયાન ઉંઢેલામાં બનેલા બનાવને લઇ હજુ પણ તંગદીલી જોવા મળી રહી છે.

Most Popular

To Top