સંતરામપુર : સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંકલ્પથી ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી એટલે કે સત્યસંકલ્પદાસજી સ્વામીએ 2021નું વર્ષ મુમુક્ષુ બનીએ વર્ષ તરીકે જાહેર કર્યું છે. આ જીવનની અનેક પ્રકારની ચિંતા તેમજ માયાની અગણિત મૂંઝવણોમાંથી મુક્તિ મેળવી આધ્યાત્મિક માર્ગે અને રાજીપાના માર્ગે આગળ વધી મોક્ષ પામવા અને ખરા અર્થમાં હળવા ફૂલ જેવા થઈ મુમુક્ષુ બનવા માટે સંતરામપુર ટાવર રોડ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ત્રણ દિવસની પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ત્રણ દિવસની પારાયણ કથામાં તીર્થધામ સ્વામીનારાયણ મંદિર ગોધરથી નિઃસ્વાદપ્રિય દાસજી સ્વામી, આનંદ પ્રિયદાસજી સ્વામી, નિષ્કામ પ્રિયદાસજી સ્વામી, સંયમ પ્રિયદાસજી સ્વામીએ પ્રથમ બે દિવસોમાં મહાત્મ્ય વિષય ઉપર વચનામૃતના આધારે બખૂબ ખૂબ લાભ આપી હરિભક્તોને સુખીયા કર્યા હતાં. પારાયણના ત્રીજા અને અંતિમ દિવસે સ્વામિનારાયણ ધામ ગાંધીનગરથી એસએમવીએસ સંસ્થાના વડીલ સંત પૂ.નિર્ગુણજીવનદાસજી સ્વામીએ ચાર સ્વરૂપ શ્રીજી મહારાજના સ્વરૂપનું માહાત્મ્ય, મોટાપુરુષનું માહાત્મ્ય, સંતો ભક્તોના સ્વરૂપનું માહાત્મ્ય અને સ્વ સ્વરૂપનું માહાત્મ્યના મહત્વ વિશે લાભ આપતા જણાવ્યું કે, આપણને મળેલા મોટા પુરુષ એટલે કે સત્પુરુષ આપણાં ગુરુજી કેવા દિવ્ય છે અને એમના વિશે કેવો દિવ્યભાવ રાખવો જોઈએ.
મહારાજ અને મોટાપુરુષની એકતા પર સદ્રષ્ટાંત જીવંત પ્રસંગો દ્વારા ખૂબ ખૂબ લાભ આપ્યો હતો. ત્રણ દિવસની પારાયણ કથામાં ભાવિક હરિભક્તોએ સ્વામિનારાયણ ભગવાનની ઉપચાર વિધિમાં શ્રીફળ, સાકર, ફ્રુટ, તથા ડ્રાયફ્રૂટ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ભગવાન અને ભગવાનના સાચા સંબંધવાળા પવિત્ર સંતોના દિવ્ય હસ્તે રક્ષાસૂત્ર બાંધી પ્રસાદી આપવામાં આવી અને ઉપસ્થિત તમામ હરિભક્તોને સંતરામપુર મંદિર ખાતે થતી અઠવાડિક સત્સંગ સભામાં લાભ લેવા માટે અને તીર્થધામ ગોધર ખાતે થતા માસિક સમૈયામાં લાભ લેવા માટે સર્વે ભક્તોને આજ્ઞા કરવામાં આવી હતી.