લીમખેડા: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ટીંબા ગામમાં બુધવારે રાત્રીના સમયે ઘરની ઓસરીમાં માતા સાથે સુતેલા સાડા ત્રણ માસના નવજાત બાળકને જંગલમાંથી આવેલો દીપડો ઉપાડી ગયો હતો. જંગલ તરફના રસ્તા માંથી બાળકના કપડાં તથા માંસનો ટુકડો મળતા વનવિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. લીમખેડા તાલુકાના ટિંબા ગામના રમેશભાઈ ધનસુખભાઈ તડવી બુધવારે રાત્રે તેમના મકાનની બાજુમાં પશુઓ બાંધવાના ઢાળીયામાં તથા પત્ની સવિતાબેન અને સાડા ત્રણ માસના પુત્ર જયેશ નવા બનાવેલા મકાનની ઓસરીમાં સુતા હતા.
મકાનમાં દરવાજા લગાવ્યા નહી હોવાથી જંગલમાંથી ધસી આવેલા દીપડાએ રાત્રીના સાડા દસ વાગ્યાના સુમારે માતાની પાસે સુતેલા સાડા ત્રણ માસના જયેશને ખોરાકના ઈરાદે ઉપાડી દિપડો જંગલ તરફ ભાગ્યો હતો. વ્હાલસોયા પુત્રને ઉપાડી જતા દીપડાને જોઈ માતા સવિતાબેન ગભરાઇ જઇ મોટેથી બુમાબુમ કરવા લાગી હતી. જેથી બાજુના ઢાળીયામાં સૂતેલા તેના પતિ રમેશભાઈ તડવી તથા ફળિયાના માણસોએ દોડી આવી જંગલ તરફ દીપડાનો પીછો કર્યો હતો.પરંતુ રાત્રિના અંધકારમાં દીપડો બાળક સાથે જંગલમાં નાસી ગયો હતો.બનાવની જાણ વન વિભાગને થતાં વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ રમેશભાઈ તડવીના પરિવારજનો તેમજ ટીંબા ગામના માણસોએ વહેલી સવારે શોધખોળ હાથ ધરી હતી.
તે દરમિયાન જંગલ તરફ જવાના રસ્તામાં નવજાત જયેશના કપડાં મળી આવતા વધુ શોધખોળ કરતા ડુંગરની તળેટીમાંથી તાજો માસનો ટુકડો મળી આવ્યો હતો. જેના પરથી એવું અનુમાન લગાવાઇ છે કે દિપડો બાળકને ઉપાડી ગયો હશે.દીપડાએ નવજાત બાળક જયેશને ઉપાડી જઈ મારી નાખી પોતાનો ખોરાક બનાવ્યો હોવાની ઘટનાથી ટીંબા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવ સંદર્ભે લીમખેડા તથા દેવગઢબારિયા વનવિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.