Vadodara

બાળકોને ટ્યુશન કલાસમાં ભણાવી પરત ફરી રહેલા શિક્ષકનું ટેન્કરની અડફેટે મોત

વડોદરા: નંદેસરી ચોકડી થી નંદેસરી ગામ તરફ જવા માટે ના બિસમાર માર્ગ ઉપર અકસ્માત સર્જાતા ટેન્કરની અડફેટે  શિક્ષકનું કરુણ મોત નીપજ્યું હતું.શિક્ષકના મોતના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.ઘટનાની જાણ નંદેસરી પોલીસને થતા પોલીસે મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા નજીક નંદેસરી ચોકડીથી નંદેસરી ગામ તરફ જવાનો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસમાર હાલતમાં હતો.જેના પરિણામે ત્યાં વારંવાર અકસ્માતના કિસ્સાઓ સર્જાતા હતા. જે અંગે આજુ બાજુ ગામના સરપંચો અને આગેવાનોએ નોટિફાઈડ એરિયાના અધિકારીઓને અંગે જાણ કરી રસ્તાના સમારકામ માટે ઘણી રજૂઆતો કરી હતી.પરંતુ નોટિફાઈડ એરિયાના અધિકારીઓ જાણે કોઈનો રાહદારીનો ભોગ લેવાની રાહ જોતા હતા તેમ લાગી રહ્યું હતું.

મંગળવારે સવારે નંદેસરી ગામના બાળકોને ટ્યુશન કલાસ ભણાવી પોતાનું ગુજરાન ચલાવતા પરિમલ ઠક્કર નંદેસરી ગામથી નંદેસરી ચોકડી તરફ જતા હતા.ત્યારે બિસમાર રસ્તાના કારણે ટેન્કર નીચે આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. શિક્ષકનું અકસ્માતમાં મોત નીપજ્યાની વાત વહેતી થતા આજુ બાજુના ગામોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.સમગ્ર ઘટના અંગે નંદેસરી પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક પરિમલ ઠક્કરના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે હવે જોવાનું એ રહ્યું કે શિક્ષકના મોત બાદ પણ નિંદ્રાધીન નોટિફાઈડ એરિયાના અધિકારીઓ જાગે છે કે નહીં અને બિસમાર રોડનું સમારકામ કરે છે કે નહીં.જોકે તંત્રના પાપે આજે વધુ એક નાગરિકે જીવ ગુમાવતા ગ્રામજનોમાં તંત્ર સામે ભારે આક્રોશ વ્યાપ્યો છે.

Most Popular

To Top