સુરત(Surat): ધો. 10 એસએસસી બોર્ડની એક્ઝામમાં (SSC Board Exam) આજે સોમવારે તા. 18 માર્ચના રોજ એલ.પી. સવાણી (LP Savani) સ્કૂલમાં ચોંકાવનારી ઘટના બની હતી. અહીં પેપર લખતી વખતે એક વિદ્યાર્થીનીની તબિયત અચાનક બગડી હતી. વિદ્યાર્થીનીનું શરીર ઠંડું પડવા લાગ્યું હતું અને તે ઉભા રહેવાની સ્થિતિમાં પણ નહોતી. સ્કૂલ સ્ટાફે તાત્કાલિક 108 બોલાવવી પડી હતી. પ્રાથમિક સારવાર બાદ વિદ્યાર્થીનીએ એક્ઝામ આપી હતી.
- એલપી સવાણી સ્કૂલમાં ચાલુ પરીક્ષાએ લોર્ડ ક્રિષ્ણા સ્કૂલની વિદ્યાર્થીની તબિયત બગડી
- વિદ્યાર્થીની બીનલ મકવાણાનું બીપી ઘટી ગયું હતું, 108 બોલાવવી પડી
- ઓઆરએસની બોટલ ચઢાવવી પડી, સ્વસ્થ થતાં વિદ્યાર્થીનીએ પેપર લખ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર એલ.પી.સવાણી વિદ્યાભવનમાં માર્ચ 2024 એસ.એસ.સી. બોર્ડ પરીક્ષાના ત્રણ યુનિટ ફાળવવામાં આવ્યા છે તેમાં આજે તા. 18/03/2024 સોમવારના રોજ અંગ્રેજી માધ્યમ યુનિટ-1 માં બ્લોક નંબર 83 માં બેઠક નંબર 82217174 ની લોર્ડ ક્રિષ્ના સ્કૂલની વિદ્યાર્થીની મકવાણા બીનલબેન અરવિંદભાઈ પ્રશ્નપત્ર લખી રહી હતી.
દરમિયાન અંદાજે 11:30 કલાકે અચાનક બીનલની તબિયત બગડી હતી. બીનલ બેંચ ઉપર થોડી થોડી વારે માથું મુકી દેતી હતી. વિદ્યાર્થીની કમ્ફર્ટેબલ નહીં હોવાનું જણાતા ખંડ નિરીક્ષક રોમા પૂત્રો તપાસ કરી હતી. તપાસ કરતા વિદ્યાર્થીનીને અકળામણ થતી હતી. તેણીને ઉલટી થવાની હોય તેમ લાગતું હતું. તેથી બીનલને વોશરૂમમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તે ઊભી રહી શકે તેવી અવસ્થામાં નહોતી. તેનું શરીર ઠંડુ પડી રહ્યું હતું. આથી શાળાના સ્ટાફ દ્વારા બીનલ મકવાણાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વિદ્યાર્થીનીની સ્થિતિને ધ્યાનમાં રાખીને 108 ને બોલાવવામાં આવી હતી.
આ સમગ્ર બનાવની જાણ તાત્કાલિક ધોરણે DEO કચેરીમાં અને ઝોનલ રાકેશભાઈ પટેલને તેમજ વિદ્યાર્થીનીના વાલીને કરવામાં આવી હતી. 108 ની મેડિકલ ટીમ દ્વારા ચેક કરતા તેનું BP 80/50 હતું. પલ્સ રેટ 136 અને SPO2 97% હતું. તેથી તેઓએ તાત્કાલિક ORS આપીને બોટલ ચઢાવવાનું સજેસ્ટ કરતાં વિદ્યાર્થીનીને શાળાના ઇન્ફર્મરી રૂમમાં બોટલ ચઢાવવામાં આવી હતી.
વિદ્યાર્થીની થોડી સ્વસ્થ થયા બાદ પેપર લખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ તાત્કાલિક પૂરી પાડવામાં આવી હતી. ઝોનલ રાકેશભાઈ પટેલએ રૂબરૂમાં મુલાકાત લઈને વિદ્યાર્થીનીના ખબર અંતર પૂછી સ્વસ્થતા વિશે જાણકારી મેળવી હતી.
વિદ્યાર્થીનીએ એક હાથમાં ચાલુ બોટલે પોતાના વિજ્ઞાન વિષયની પરીક્ષા પૂર્ણ કરી હતી અને પોતાનું વર્ષ અને પરિણામ નહીં બગડે તેનો સંતોષ વિદ્યાર્થીનીને થયો હતો. શાળાના સહયોગથી વિદ્યાર્થીનીએ પરીક્ષાનું પેપર પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેના વાલીને બોલાવીને વિદ્યાર્થીનીને વાલીને સુપરત કરવામાં આવી હતી. સમગ્ર બીનામાં શાળાને DEO ડૉ.ભગીરથસિંહ પરમાર, ઝોનલ રાકેશભાઈ પટેલ તેમજ DEO કચેરીના સભ્યોનો સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન મળ્યું જેના થકી અમે વિદ્યાર્થીનીને સ્વસ્થતા પૂર્વક પરીક્ષા આપવાનું સંપૂર્ણ આયોજન કરી શક્યા.
વિજ્ઞાનના પેપરમાં બારડોલીની વિદ્યાર્થીનીની તબિયત બગડી, 108 બોલાવવી પડી
સુરત: બી.એ.બી.એસ .હાઇસ્કુલ બારડોલી શાળામાં S.S.C. બોર્ડનું કેન્દ્ર છે. આજે તા. 18/03/2024 ને સોમવારના રોજ વિજ્ઞાન વિષયનું પેપર હતું .આ દરમિયાન પરીક્ષા આપી રહેલ એક દીકરીને ગાલપચોળીયા થયેલ હોવાથી તેની દવા ચાલતી હતી. તે સવારે નાસ્તો કર્યા વગર પરીક્ષા આપવા આવી હતી. ચાલુ પરીક્ષા દરમિયાન અચાનક તેની તબિયત બગડી હતી. શાળામાં હાજર પ્રાથમિક આરોગ્ય ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
ત્યાર બાદ આરોગ્ય ટીમને જરૂર લાગતા 108 ને બોલાવવામાં આવી હતી. તે દરમિયાન શાળા દ્વારા બોલાવવામાં આવેલી એમ. બી. બી. એસ. ડોક્ટર ભરત એમ .શાહ દ્વારા સારવાર અપાઈ હતી. જેથી તેની તબિયતમાં સુધારો થયો હતો. સારું જણાતા પોતાની ઈચ્છાથી વિદ્યાર્થીનીએ પુનઃ પરીક્ષા આપવાનો નિર્ણય લીધો હતો. તેણીએ વિજ્ઞાનની પરીક્ષા પૂર્ણ કરી હતી. વિદ્યાર્થીનીની તંદુરસ્ત તબિયતની જાણ થતા શાળામાં ચાલતા એસ. એસ. સી બારડોલી ઝોન -77 ના ઝોનલ અધિકારી ડો. સંગીતાબેન મિસ્ત્રી તાત્કાલિક દીકરી પાસે પહોંચી દીકરીની ખબર અંતર લઈ સાંત્વના આપી હતી.
શાળાના આચાર્ય ચેતનાબેન અધેરા તરત જ દિકરી પાસે પહોંચી ગયા હતા અને દિકરી ને હિંમત આપી તેમજ સારવાર માટે જરૂરી સૂચનો તેમજ તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવારની સગવડ કરી હતી. દિકરીની પરીક્ષા પૂર્ણ થયા બાદ ઝોનલ અધિકારી ડો.સંગીતાબેન મિસ્ત્રીએ દીકરી અને તેના પિતાને જમવાની વ્યવસ્થા કરી. નજીકના દવાખાને આગળની સારવાર માટે મોકલ્યા હતા.