ખેડા: વસો ગામના મધ્યમવર્ગીય પરિવારનો 18 વર્ષીય યુવક ગત વર્ષે બ્લડ કેન્સરની સારવારને કારણે 12 સાયન્સની પરીક્ષા આપી શક્યો ન હતો. પરંતુ, આ વર્ષે કિમોથેરાપીની સારવાર ચાલી રહી હોવા છતાં આ યુવકે હિંમત દાખવી 12 સાયન્સની પરીક્ષા આપીને….અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી….ઉક્તિને સાર્થક કરી છે. વસોમાં રહેતાં ભરતભાઈ પ્રજાપતિ કટલરીની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. તેઓના ત્રણેય સંતાનો ભણવામાં નાનપણથી જ ખુબ જ હોંશિયાર છે. જે પૈકી વચલો પુત્ર જય (ઉં.વ 18) ગત વર્ષે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.
પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થઈ પાયલોટ બનવાની મહેચ્છા ધરાવતાં જય પ્રજાપતિએ આખું વર્ષ તનતોડ મહેનત કરી હતી. જોકે, પરીક્ષાના બે મહિના અગાઉ જ જય પ્રજાપતિને થાક લાગવો, બેચેની થવી સહિતની સમસ્યા થવા લાગી હતી. તેનું વજન પણ સતત ધટવા લાગ્યું હતું. બોર્ડની પરીક્ષા નજીક હોવાથી ચિંતીત બનેલાં પરિવારજનો તા.31-1-22 ના રોજ જય પ્રજાપતિને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયાં હતાં. જ્યાં તબીબો દ્વારા વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. થોડા દિવસો બાદ જે ટેસ્ટના રિપોર્ટ આવ્યાં હતાં.
જેમાં જય પ્રજાપતિને બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ અંગેની જાણ થતાંની સાથે જ જય પ્રજાપતિના માતા-પિતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી. મધ્યમવર્ગી પરિવાર ઉપર જાણે કે આભ તુટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો. જોકે, પરિવારજનોએ સહેજ પણ સમય બગાડ્યાં વિના જય પ્રજાપતિની સારવાર શરૂ કરાવી હતી. ખાસ કરીને કેન્સર જેવી જીવલેણ બિમારીમાં દર્દી માનસિક રીતે પડી ભાંગતો હોય છે અને જીવન જીવવાની આશા પણ છોડી દેતો હોય છે. પરંતુ, જય પ્રજાપતિ કેન્સરની બિમારીથી સહેજ પણ ડર્યો ન હતો.
તે કેન્સરને મ્હાત આપી 12 સાયન્સની પરીક્ષા આપવા માંગતો હતો. પરંતુ, બ્લડ કેન્સરની સારવાર ચાલતી હોવાથી જય પ્રજાપતિ માર્ચ-2022 માં લેવાયેલી 12 સાયન્સની પરીક્ષા આપી શક્યો ન હતો. જોકે, સારવાર બાદ જય પ્રજાપતિ થોડો ઘણો સ્વસ્થ થઈ ગયો હતો. જે બાદ કિમોથેરાપી સહિતની સારવાર ચાલું હોવાછતાં તે પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયો હતો. હાલ, કિમોથેરાપીની સારવાર ચાલી રહી હોવા છતાં જય પ્રજાપતિ ખેડાની એચ.એન્ડ.ડી પારેખ હાઈસ્કુલમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી રહ્યો છે. સખત મહેનત અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપનાર જય પ્રજાપતિ ખુબ જ સારા માર્ક્સ સાથે પાસ થશે તેવો તેના પરિવારજનોમાં વિશ્વાસ છે.
પિતાએ મકાન બનાવવાનું માંડી વાળ્યું
ભરતભાઈ પ્રજાપતિ જુના મકાનમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેઓએ થોડા સમય અગાઉ જુનુ મકાન તોડી, નવું મકાન બનાવવાનો વિચાર કર્યો હતો. પરંતુ, ઘર બનાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવાથી સંતાનોના સ્કુલ-ટ્યુશનની ફી ભરવામાં તકલીફ પડી શકે તેમ હતી. તેથી સંતાનોના ભણતરના ખર્ચને પહોંચી વળવા માટે ભરતભાઈએ મકાન બનાવવાનું માંડી વાળ્યું હતું.
જયએ ડ્રોઈંગ સ્પર્ધામાં પણ મેડલો મેળવ્યાં છે
જય પ્રજાપતિ ભણવાની સાથે-સાથે ડ્રોઈંગમાં પણ ખુબ જ રસ દાખવે છે. તેને ચિત્રો દોરવાનું ખુબ જ ગમે છે. તે વિવિધ ડ્રોઈંગ સ્પર્ધામાં પણ ભાગ લે છે. સન 2021 માં કલા મહોત્સવ અંતર્ગત યોજાયેલી ડ્રોઈંગ સ્પર્ધામાં જય પ્રજાપતિ જિલ્લામાં પ્રથમ આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક ચિત્ર સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમે આવી મેડલ મેળવ્યો હતો. કેન્સરને પગલે જો પાયલોટ બનવાનું સપનું સાકાર નહીં થાય તો, જય પ્રજાપતિ ફાઈન આર્ટ્સ કરી, ડ્રોઈંગ ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છા ધરાવે છે.