સુરત: ક્યાંક વહેલાં પહોંચવાની ઉતાવળ ક્યારેક જોખમી નીવડતી હોય છે. આવું જ કંઈક સુરતની 16 વર્ષની સગીરા સાથે થયું છે. ધો. 12માં ભણતી સુરતની વિદ્યાર્થીએ ટ્યુશન વહેલાં પહોંચવાની ઉતાવળમાં જીવ ગુમાવ્યો છે.
સ્કૂલ, ટ્યૂશન વચ્ચે શિક્ષણનો ભાર લઈને દોડતાં બાળકો પોતાનું બાળપણ માણી શકતા નથી ત્યાં સુધી તો ઠીક પરંતુ રસ્તા પર દોડતાં યમદૂતો આ બાળકોના સમય પહેલાં જ પ્રાણ હણી રહ્યાં છે. અવારનવાર રસ્તા પર અકસ્માતમાં નાની વયના ભણતા બાળકોના મોતના સમાચાર આવતા રહે છે. આવી જ એક ઘટના એજ સુરત શહેરના નવાગામ ડીંડોલી વિસ્તારમાં બની છે.
આજે તા. 5 જુલાઈ 2024ને શુક્રવારે સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં રેલવેનો પાટા ક્રોસ કરતી વખતે 16 વર્ષની સગીરાનું ટ્રેન અડફેટે મોત નિપજ્યું છે.
આ અંગે વધુ મળતી માહિતી અનુસાર સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતી 16 વર્ષીય મેઘના જીતેન્દ્ર ઠાકરે ધો. 12માં અભ્યાસ કરતી હતી. ગઈકાલે તા. 4 જુલાઈ 2024ની સાંજે સાડા છ વાગ્યે ટ્યુશન માટે જઈ રહી હતી. ત્યારે નવાગામ ડીંડોલી રેલવે ટ્રેક ક્રોસ કરતી હતી ત્યારે તેનું ધ્યાન નહોતું કે ટ્રેન આવી રહી છે. તેણીને ટ્યુશન જવાની ઉતાવળ હોય દોડતી ટ્રેન તરફ ધ્યાન આપ્યા વિના તે રેલવે ટ્રેક ક્રોસ કર્યો અને ટ્રેને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
લોહીલુહાણ હાલતમાં આસપાસના લોકોએ મેઘનાને હોસ્પિટલમાં ખસેડી હતી. ફરજ પરના તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી.
મૃતક મેઘનાના મામા પંકજ સોનવણે કહ્યું કે, મારી ભાણેજને રોજ તેની મમ્મી ટ્યુશન મુકવા જતી હતી પરંતુ ગઈકાલે તેની મમ્મીની તબિયત ખરાબ હતી. તેથી મેઘના જાતે ટ્યુશન જવા નીકળી હતી. રેલવે પાટા ક્રોસ કરતી વખતે અકસ્માત થયો હતો.
નોંધનીય છે કે મૃતક મેઘના ઠાકરે મૂળ મહારાષ્ટ્રની હતી. તેના પિતા જીતેન્દ્ર ઠાકરે સુરતમાં સંચા મશીનમાં કારીગર છે. પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરો મોટો છે. મેઘના નાની હતી. દીકરીનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.