માંગરોળ: રસ્તાઓ પર દોડતા બેફામ વાહનો નિર્દોષના જીવ લેતો હોવાની ઘટના અવારનવાર બનતી રહે છે. આવી જ એક દુર્ઘટના સુરત જિલ્લાના માંગરોળના આંબાવાડી ગામ નજીક બની છે. અહીં એક બેફામ દોડતી ટ્રકે બળદ ગાડાને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં 3 બળદ અને એક યુવકનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કઠવાડાથી 3 બળદ ગાડા લઈ રોજઘાટ ગામે જવા નીકળેલા યુવકને બેફામ દોડતી ટ્રકે અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકે એક બળદને 1 કિ.મી. સુધી ઢસડ્યું હતું. આ અકસ્માતમાં બળદ ગાડું ચલાવનારની બાજુમાં બેઠેલાં એક યુવક અને ત્રણ બળદના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતાં. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. માંગરોળ પોલીસે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અકસ્માતનો ભોગ બનેલા પાસુન વસાવાએ કહ્યું કે, કઠવાડાથી ચંદ્રસિંહ વસાવા બળદ ગાડાં લઈ નીકળ્યા હતા. તેમની સાથે રામજીભાઈ વસાવા બેઠાં હતાં. રામજી વસાવાનું મોત થયું છે. એક બળદને 1 કિ.મી. સુધી ઢસડ્યો હતો.