સુરત: સુરતના ઘોડદોડ રોડ પર મહિલા સાથે ચોંકાવનારી ઘટના બની છે. બ્યુટી પાર્લરમાં ટ્રેનિંગ લેતા સ્ટુડન્ટ્સ માટે મહિલાને સ્પા મોડલ બનવાનું કહેવામાં આવતા તેણીએ પોતાના દાગીના પર્સમાં મુકી પર્સ નજીકના ટેબલ પર મુક્યું હતું, પરંતુ મહિલા 1 કલાક બાદ જ્યારે પોતાનું પર્સ લેવા ગઈ ત્યારે તે ગાયબ હતું. મહિલાએ સવા લાખના દાગીનાની ચોરીની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાવી છે.
ઘોડદોડ રોડ યુએલસીસી ઇન્સ્ટીટ્યુટમાં ટ્રેનીંગ માટે જતી મહિલા મોરાભાગની મહિલાએ 1.25 લાખના દાગીનાની ચોરીની પોલીસ ફરિયાદ કરી છે. સ્ક્રીન લેબમાં સ્ટુડન્ટની પ્રેક્ટીસ માટે મહિલા સ્પા મોડલ બની ત્યારે તેના પર્સમાંથી કોઈ અજાણ્યા ઈસમો સોનાની ચેઇન અને ઝાંઝરી કાઢીને ચોરી ગયા છે. સ્ટુડન્ટ્સની ટ્રેનિંગ બાદ મહિલાએ જોયું તો પર્સ ગાયબ હતું.
ઉમરા પોલીસના જણાવ્યા મુજબ રાંદેર મોરાભાગળ ભાણકી સ્ટેડીયમની બાજુમાં સનસીટી રેસિડન્સી ડી 101 માં રહેતા અને પોતાની કાર ભાડે ફેરવતા મોહંમદ સૈફ પટેલના પત્ની આયેશા ( ઉ.વ.48 ) છેલ્લાં બે વર્ષથી ઘોડદોડ રોડ પર આવેલા કાકડીયા કોમ્પલેક્ષ પાસે યુએલસીસી ઇન્સ્ટીટ્યુટમાં (ULCC Institute) લેડીઝ બ્યુટી પાર્લરનો (Beauty Parlor) કોર્સ શીખવા બપોરે જાય છે. ગઈ તા. 30 જાન્યુઆરીના રોજ તેમનો હેરનો તેમજ સ્કીનનો ડેમોનો લેક્ચર નહીં હોય આયેશાને સ્કીનના લેક્ચરમાં બોડી સ્પા માટે મોડેલ બનવાનું કહેવાયું હતું. સ્પા મોડલ માટે દાગીના ઉતારવા પડે તેમ હોય આયેશાએ પોતે પહેરેલી 95 હજારની મત્તાની સોનાની ચેઇન અને 30 હજારની સોનાની ઝાંઝરી કાઢીને લેક્ચર પહેલા પોતાના પર્સમાં મુક્યા હતા.
આયેશાએ દાગીના ભરેલું પર્સ સ્કીન લેબમાં બોડી મસાજના બેડ થી દસેક ફુટ દુર એક ખુરશી પર રાખ્યું હતું. એક કલાકમાં બોડી સ્પા પ્રેક્ટીસ પુરી થયા બાદ તેમણે જ્યાં પર્સ મૂક્યું હતું તે ખુરશી પર જોયું તો પર્સ ગાયબ હતું. આજુબાજુ તપાસ કરતા પર્સ સ્કીન લેબના એન્ટ્રી ગેટ પાસે નીચે પડેલું હતું પણ તેમાંથી દાગીના ગાયબ હતા. પોતાની રીતે તપાસ કર્યા બાદ ઇન્સ્ટીટ્યુટના સંચાલકોને વાત કરતા તેમણે પણ તપાસ કરી હતી પણ દાગીના નહીં મળતા છેવટે તેમણે ગતરોજ ઉમરા પોલીસ મથકમાં 1.25 લાખના દાગીનાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.