Charchapatra

અંગ્રેજી ભાષાથી અભિભૂત સમાજ

હિન્દુ ધર્મની સામાજીક પરંપરા મુજબ પરિવારમાં સંતાનોનું નામાકરણ મોટે ભાગે ફોઈ અર્થાત પિતાની બહેન દ્વારા થતું હોય છે. વર્તમાન સમયમાં ‘આધુનિક અંગ્રેજી’ નામ રાખવાનો આગ્રહ સેવા તો હોય છે! ઘણાં અંગ્રેજી નામનો અર્થ પણ નથી સમજાતો હોતો! આપણા પુરાણો, શાસ્ત્રો, ધર્મગ્રંથોમાં કેટલા સુંદર નામો હોય છે. જેના અર્થ ખૂબ ઉત્તમ રીતે પ્રદર્શીત થતાં હોય છે. દા.ત. અથર્વ, વેદાંગ, સાત્યિક, આસ્થા, પાર્થ કર્ણ, વિશ્વા વિ. પણ આપણે તો અંગ્રેજી ભાષાથી એટલા અભિભૂત કે નામનો અર્થ ન સમજાતો હોય તો પણ શખવાનું! અંગ્રેજીમાં સંતાનોના નામ રાખવાથી વટ પડતો હશે? સંતાનનું નામ શું રાખવું એ એના માતા-પિતા અને પરિવારજનોની મરજી પણ નામ તો અર્થ સભર હોવું જરૂરી ને? જે નામ આજીવન બાળક સાથે જોડાયેલું રહે છે.

અંગ્રેજો આપણા હિન્દુ નામ રાખતા હશે? અહીં તો દુકાન ભોજનાલય, શાળાઓ સંસ્થાઓ બધાના પાટિયા પણ અંગ્રેજીમાં! અંગ્રેજીમાં હોય, એનો વાંધો નહીં પણ સાથે માતૃભાષામાં પણ બાજુમાં લખવું આવશ્યક જેથી સૌ કોઈ વાંચી શકે અને સમજી શકે. જે માતૃભાષાનું ગૌરવ જાળવવામાં મદદરૂપ નિવડી શકે. વિદેશમાં ક્યાંય હિન્દી કે ગુજરાતીમાં દુકાનના પાટિયા (નામ) જોવા મળે ખરા? ત્યાંની પ્રજાને શું સમજ પડે હિન્દી કે ગુજરાતી કે અન્ય ભાષામાં? અંગ્રેજી વૈશ્વિક ભાષા હશે એનું જ્ઞાન અનિવાર્ય પણ માતૃભાષા પણ અત્યંત આવશ્યક પછી એ સંતાનોના નામ હોય કે અન્ય સંસ્થા, દુકાન, વ્યાપાર, રૂગ્ણાલય કે ભોજનાલયના હોય.
રાંદેર રોડ, સુરત   – નેહા શાહ          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top