એવો સંકલ્પ કે જેનો કોઈ વિકલ્પ નથી. દર નવાં વર્ષે સંકલ્પો તો થાય છે પણ વિકલ્પો શોધાય છે. નવાં વર્ષે કરવાં જેવો સંકલ્પ નાં શીર્ષક હેઠળ તા ૨૦ /૧૧ નું નવસારી થી ઈન્તેખાબ ભાઈ અન્સારી નું ચર્ચા પત્ર ખૂબ જ પ્રેરણાદાયી અને વિચારણીય રહ્યું. આજ નાં સ્પર્ધાત્મક યુગમાં ( કળિયુગમાં) લોકો જાણ્યેઅજાણ્યે એકબીજા નાં દુ:ખ નું કારણ બનતાં જોવા મળે છે.અને પોતાના વર્તન – વ્યવહાર દ્વારા બીજા ને માનસિક ત્રાસ ( દુઃખી કરતાં ) પહોંચાડતા હોય છે.આ માનસિક ત્રાસ એવી બાબત છે જે દેખાતો નથી, અનુભવાય છે.જીવન માં મારાથી કોઈ નું ‘ હિત’ ન થઈ શકે તો કંઈ નહીં હું ‘ અહિત ‘ તો નહીં જ કરું, કોઈ નાં અહિત નું નિમિત્ત તો નહીં જ બનું એવો સંકલ્પ લેવાય તો….જીવો અને જીવવા દો ની રીત અપનાવાય તો… .સુખી બધાં ને થવું છે પણ બીજા ને દુઃખી કરીને , બીજા નાં દુઃખ નું નિમિત્ત બનીને! તો. “ શુભસ્ય શીઘ્રમ” એ ન્યાયે બીજા ને ન નડવાનો અને ખોટું થતું હોય ત્યાં નિમિત્ત ન બનવા નો સંકલ્પ કરીએ….
સૂરત – વૈશાલી શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વૈચારિક આચરણના પ્રત્યાઘાત
જીવનમાં બનેલ કોઇક અણગમતી ઘટનાથી ઉદ્ભવેલ વેર અને અસંતોષ માણસને કેટલી હદે લઇ જાય છે કે તે સમયે માણસ ઘર, પરિવાર અને લોહીના સંબંધને પણ ભૂલી જાય છે. જેનું ઉદાહરણ છે ગાંધીજીના મોટા પુત્ર હરિલાલને વધુ અભ્યાસ અર્થે ઇગ્લેંડ જઇ ગાંધીજીની જેમ બેરિસ્ટર બનવું હતું. પણ એ સમયના સંજોગોને આધિન ગાંધીજીએ ખર્ચનું બહાનું બતાવી અનિચ્છા દર્શાવી, તે સમયે ગાંધીજીના પરમ મિત્ર પ્રાણજીવન મહેતાએ ખર્ચ આપવાની પણ તૈયારી બતાવી, છતાં ગાંધીજીએ કહ્યું ‘જે કરવું હોય તે ભારતમાં કરે.’
આ ઘટનાથી હરિલાલના મનમાં એટલો અસંતોષ અને ક્રોધ ઉદ્ભવ્યો કે તેના વિકરાળ સ્વરૂપે હરિલાલ વિધર્મીની સંગતે ચડી માંસ-મદિરાનું સેવન કરતા થયા. એનાથી આગળ વિધર્મનો સ્વીકાર કર્યો, જો કે સમય જતાં તેમને તેમની ભૂલ સમજાઈ અને હિન્દુ ધર્મ સ્વીકારી પાછા વળ્યા. કહેવાનું તાત્પર્ય એ જ છે કે જીવનમાં આવી બધી ઘટનાઓનું આવનજાવન ચાલુ જ રહે છે. જેના થકી ઉદ્દભવેલ વિચારોને આચરણમાં મૂકતાં પહેલા દીર્ઘદૃષ્ટિ દોડાવી એના પરિણામ અને પ્રત્યાઘાતો વિષે વિચારીશું તો ભવિષ્યમાં આવનાર વિપરીત પરિણામોથી બચી શકાય છે.
સુરત – રેખા એમ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.