ભરૂચ(Bharuch): ભરૂચના એક રામ (Ram) ભક્તે અયોધ્યામાં (Ayodhya) યોજાઈ રહેલા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ચોખાના દાણા (Rice grains) પર ‘રામ’ નામ લખી 10 હજાર ચોખાના દાણા અયોધ્યાનગરીમાં મોકલ્યા છે.
- ભૃગુઋષિની પવિત્ર ભૂમિ પરથી રામભક્ત ભાવસિંહ ગોહિલ દ્વારા અયોધ્યામાં યોજાઈ રહેલા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ૧૦ હજાર ચોખાના દાણા પર ખુબ જ ઝીણવટભરી રીતે ‘રામ’ નામ લખ્યા
તાજેતરમાં સમગ્ર ભારત દેશ “રામમયી” બન્યો હોય એવો માહોલ છવાઈ રહ્યો છે. આગામી અયોધ્યામાં તા-૨૨મી જાન્યુઆરીએ યોજાનાર ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની લોકો આતુરતાથી એ ઘડીની રાહ જોઇને બેઠા છે.તેમાં પણ આપણા ગરવા ગુજરાતી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMNarendraModi) વરદ હસ્તે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની શુભઘડી ગણતરીના દિવસો બાકી છે.ત્યારે આખા દેશમાંથી રામ ભક્તો પોતાની ઈચ્છા શક્તિથી કઈને કઇ ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરવા તત્પર થઇ રહ્યા છે.
ભરૂચ પાસે તવરા ગામે સમૃદ્ધિ બગ્લોઝમાં રહેતા ભાવસિંહ ગોહિલે પણ પોતાની અનોખી ભક્તિ બતાવી હતી. ભાવસિંહ નાનકડા ચોખાના દાણા ઉપર ભગવાન શ્રીરામનું નામ લખી રહ્યા છે. ભૃગુઋષિની પવિત્ર ભૂમિનું યોગદાન આપવા એ અનોખો પ્રયાસ કરી રહ્યા છે.
રામજન્મ ભૂમિમાં જ્યાં પૂજા થવાની હોય તે પૂજામાં વાપરવા માટે આ ચોખાનો ઉપયોગ થાય એ અર્થે ચોખાના દાણા ઉપર ‘રામ રામ’ લખીને મોકલ્યા છે. ચોખાના દાણા ખુબ નાના હોય છે જેના પર લખવું પણ અત્યંત કઠિન હોય છે. છતાં રામભક્ત ભાવસિંહ ગોહિલે ખુબ જ ઝીણવટભરી રીતે રામ લખીને શ્રી રામ તરફની આરાધના શક્તિ પ્રગટ કરી હતી.