તા. ૨૧ જુલાઇના ‘ગુજરાતમિત્ર’ના ચર્ચાપત્ર વિભાગમાં નવસારીના મહેશ નાયકનું ચૂંટણીમાં ઊભા રહેતા ઉમેદવારો માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અંગેનું ચર્ચાપત્ર પ્રગટ થયું એ જ દિવસે આ જ પેપરના એક પાના પર દારૂના નશામાં ચકચુર કડોદરાના ભાજપના એક નગરસેવક જાહેરમાં (સંભવત: જાહેર રસ્તા પર) સૂઇ ગયેલા એ બાબતના સમાચાર પણ પ્રગટ થયા, જે માહિતી લોકોએ અનેક આશા-અપેક્ષા સાથે ચૂંટી કાઢેલ સદર નગરસેવકની યોગ્યતા બાબતે પણ સવાલ પેદા કરે છે. અન્ય પક્ષોના ચૂંટાયેલ કહેવાતા જાહેરસેવકોના પણ આવા દારૂના નશામાં ચકચુર થવાના કિસ્સા ન જ બનતા હોય એવું કહી ન શકાય.
સમાચાર વાંચીને વિચાર આવે છે કે જ્યાં દારૂબંઘી છે એવા ગાંધીજીના ગુજરાતમાં જ જો લોકપ્રતિનિધિ પોતાની જાતને પણ સંભાળી શકતા ન હોય અને જાહેરમાં અશોભનીય વર્તન, વહેવાર કરતા દેખાતા હોય એવી વ્યક્તિ એની પોતાની નગરસેવક તરીકેની ફરજ અસરકારકતાપૂર્વક કેવી રીતે અદા કરી શકે? લોકોના પ્રશ્નોની યોગ્ય રજૂઆત કેવી રીતે કરી શકે? આવા કિસ્સાઓ વાંચીને એવો પણ વિચાર આવે છે કે કાયદાના રખેવાળો જ જો વર્ષોથી અમલી દારૂબંધીના કાયદાના જાહેરમાં ધજાગરા ઉડાવતા હોય તો અન્ય દારૂના વ્યસનીઓ પણ આવું કરવા પ્રેરાય એ શક્યતાને નકારી ન શકાય. આ વાસ્તવિકતાને ધ્યાનમાં લઇ દરેક રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી બાબતે શૈક્ષણિક લાયકાત સહિતની યોગ્યતા અંગે પૂરતી કાળજી લે તો જે તે રાજકીય પક્ષની આવી બદનામી ન થાય અને લોકોને પણ એમના પ્રશ્નોના સમાધાન બાબતે સાચા અર્થમાં શિક્ષિત ઉમેદવારની યોગ્યતાનો લાભ મળી શકે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.