Madhya Gujarat

નડિયાદના જલાશ્રય રિસોર્ટમાંથી વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો પકડાયો

નડિયાદ: નડિયાદ – ડભાણ રોડ પર કલેક્ટર કચેરીની સામે આવેલ જલાશ્રય રિસોર્ટના રૂમ નં ૩૦૭ માં કેટલાક ઈસમો ભેગાં થઈ દારૂની મહેફિલ માણતાં હોવાની બાતમી ખેડા જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગત બુધવારના રોજ રાત્રીના નવ વાગ્યાના અરસામાં જલાશ્રય રિસોર્ટમાં દરોડો પાડ્યો હતો. જો કે પોલીસ પહોંચે તે પહેલાં દારૂની મહેફિલ માણી નબીરાઓ ત્યાંથી રવાના થઈ ગયાં હતાં. જેથી પોલીસે રિસોર્ટના રૂમ નં ૩૦૭ માં સફાઈ કામ કરાવી રહેલાં રિસોર્ટનો મેનેજર નરેન્દ્રસિંહ કરણસિંહ રાઠોડની અટકાયત કરી હતી. જે બાદ ૩૦૧ થી ૩૧૦ નંબરના રૂમની વારાફરતી તલાશી લીધી હતી. જે દરમિયાન ૩૧૦ નંબરના રૂમમાંથી વિદેશી દારૂની ૧ નંગ બોટલ તેમજ બિયરના ૧૦ નંગ ટીન મળી આવ્યા હતાં. પોલીસે રૂ.૨૫૯૦ કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો, એક નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૫૦૦ તેમજ રોકડા રૂ.૫૦૦ મળી કુલ રૂ.૩૫૯૦ નો મુદ્દામાલ જપ્ત કરી રિસોર્ટના મેનેજર નરેન્દ્રસિંહ કરણસિંહ રાઠોડ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top