SURAT

ગણેશોત્સવમાં મિત્રોને પીવડાવવા માટે કડોદરાથી ટેમ્પો ભરીને સુરતમાં દારૂ લાવનાર પકડાયો

સુરત (Surat) : સુરત શહેરના ખટોદરા વિસ્તારમાંથી પાર્ક કરેલા એક ટેમ્પોમાંથી દારૂનો (Liqour) મોટો જથ્થો પકડાયો છે. ખટોદરા ગાંધી કુટીર નજીકના એસએન્ડએસ ફર્નીચરના ગેટ સામે સર્વીસ રોડ ઉપર પાર્ક એક બંધ બોડીના અતુલ શકિત ટેમ્પોમાંથી પોલીસે રૂપિયા 57 હજારથી વધુનો 462 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગણેશોત્સવમાં પીવા માટે આ દારૂનો જથ્થો કડોદરાથી લાવવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • ખટોદરા ગાંધી કુટીર નજીકથી બંધ બોડીના ટેમ્પામાંથી 57 હજારની કિંમતની વિદેશી દારૂની 462 બોટલ મળી આવી
  • પોલીસે એક ને ઝડપી પાડ્યો : દારૂનો જથ્થો કડોદરાથી લાવવામાં આવ્યો હતો

ખટોદરા ગાંધી કુટીર નજીકના S&S ફર્નીચરના ગેટ સામે સર્વીસ રોડ ઉપર પાર્ક એક બંધ બોડીના અતુલ શકિત ટેમ્પોમાં દારૂ નો જથ્થો હોવાની બાતમી મળતા પોલીસે સ્થળ મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. જેમાંથી પોલીસને દારૂનો મોટો જથ્થો મળી આવતા ટેમ્પો સાથે રૂ.1,07,805નો મુદ્દામાલ પકડી પાડી કવોલીટી કેસ કર્યો હતો.

ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઇ એ જણાવ્યું હતું કે બાતમીના આધારે પો.સબ ઇન્સ. યુ.એન.જાડેજા, એ.એસ.આઇ. યોગેશભાઇ સાહેબરાવ, અ.હે.કોન્સ. રામશીભાઇ રત્નાભાઇ, અ.પો.કો. નરેન્દ્રસિંહ વજેસિંહ, યોગેશસિંહ ચંદુભાઇ, બ્રીજરાજસિંહ જગદીશસિંહ તથા રાહુલભાઇ રમેશભાઇની ટીમ બાતમીના આધારે આખું ઓપરેશન પાર પાડ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ચંન્દ્રકાંત ઉર્ફે ચંદુ લક્ષ્મણભાઇ વસાવા (રહે ઘર નં. બી-104 સુમન અમ્રુત એસ.એમ.સી. આવાસ સોહમ સર્કલ)ની પૂછપરછમાં દારૂનો જથ્થો કડોદરાથી લાવવામાં આવ્યો હોવાની વિગતો મળી છે. ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે મિત્ર મંડળમાં પીવા માટે લાવવામાં આવ્યો હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા ચંન્દ્રકાંત ઉર્ફે ચંદુ લક્ષ્મણભાઇ સામે અગાઉ પણ દારૂનો એક કેસ થઈ ચકયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

Most Popular

To Top