તાજેતરમાં શહેરના ભટાર રોડ પર ઉમા ભવન પાસે શાકભાજી ખરીદી માટે નીકળેલ એક વરિષ્ઠ મહિલાને એક ગાય દ્વારા પાછળથી દોડતી આવીને કમરના ભાગ પર માથું મારીને સરેઆમ રોડ પર પટકી દેવામાં આવી. સદ્નસીબે નાની -મોટી ઈજા સાથે મહિલા ઊગરી ગઈ. પણ આ ઘટના અનેક પ્રશ્નો ઊભા કરી ગઈ કે એ મહિલાને કરોડરજ્જુમાં ઈજા થઈ હોત તો? એ મહિલા કાયમને માટે પથારીવશ થઈ ગઈ હોત તો? રોડ પર માથું પટકાતાં એ મહિલાનું બ્રેઈન હેમરેજ થઈ ગયું હોત તો? આ બધા એવા પ્રશ્નો છે કે કોઈ પણ સંવેદનશીલ માણસને હચમચાવી શકે. આવા સંજોગો ઊભા થાય ત્યારે ભોગ બનેલ જે-તે પરિવાર કૌટુંબિક રીતે, આર્થિક રીતે, માનસિક રીતે તહસનહસ થઈ જતું હોય છે.
આનો કોઈ જ ઉકેલ નથી? મારો ઈરાદો જીવદયાનો વિરોધ કરવાનો કે જીવ હિંસાની હિમાયત કરવાનો લગીરેય નથી. હું મક્કમપણે માનું છું કે જેટલો મને જીવવાનો હક છે, એટલો જ આ સૃષ્ટિના દરેક પશુ- પક્ષીને પણ જીવવાનો હક છે. પણ, માનવી પણ આખરે તો એક જીવ ખરો કે નહીં? જેઓ પોતાના શોખ ખાતર કે આજીવિકા ખાતર પશુપાલન કરતાં હોય, એમણે એની પૂરેપૂરી જવાબદારી ઉપાડવા પણ તત્પર રહેવું જોઈએ ને? કે પછી બે ટંક દૂધ દોહી લીધા પછી એમને એમનું પેટ ભરવા માટે હરાયા છોડી દેવાના? આ બાબતે જડબેસલાક અને સખત શિક્ષાત્મક પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી માણસો પટકાતા રહેવાની આવી ઘટનાઓ થતી જ રહેશે.
સુરત -ચારુલતા અનાજવાળા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.