ભારતમાં આઈટી ક્રાંતિ લાવવામાં ઈન્ફોસિસ સફળ રહી. આ કંપનીના સહ-સ્થાપક શ્રી નારાયણ મૂર્તિનાં પત્ની સુશ્રી સુધા મૂર્તિને પદ્મભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા. સાદગીની મૂર્તિ શ્રીમતી સુધા મૂર્તિના પરિવાર સાથે બ્રિટિશ વડાપ્રધાન શ્રી ૠષી સુનકની પત્ની અક્ષતા સુનક પણ રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રહ્યા હતા. સૌનું ધ્યાન ખેંચે અેવી ઉદાહરણીય ઘટના એ હતી કે સુધા મૂર્તિનો પરિવાર સાદગી પૂર્વક, દેખાડા વગર પુરસ્કર્તાઓના પરિવાર સાથે વચ્ચેની હરોળમાં બેઠા હતા. બ્રિટિશ વડાપ્રધાનનાં પત્ની હોવા છતાં અક્ષતા સુનક સાથે કોઈ સિક્યુરિટીઝ ન હતી અને તે પણ પરિવાર સાથે બેઠા હતા.ખૂબજ સાદગીપૂર્ણ, ભારતીય પરંપરા મુજબનાં પહેરવેશ તેમની સભ્યતા અને સંસ્કારની હાજરી પૂરાવતા હતા.
જોકે ઈવેન્ટ શરૂ થાય તે પહેલાં અક્ષતા સુનકને પહેલી હરોળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. એક અબજ ડોલરની કંપની ઈન્ફોસિસનાં સ્થાપક શ્રી નારાયણ મૂર્તિ તથા શ્રીમતિ સુધા મૂર્તિ અને પરિવાર સાદગીમાં માને છે. શ્રી નારાયણ મૂર્તિ ફલાઈટમાં ઈકોનોમી કલાસમાં પ્રવાસ કરે છે.તેઓ કહે છે , “તમે જે વાત કરતા હોવ તે કરીને દેખાડો. નિષ્ફળતા ને પચાવતા શીખવું જોઈએ અને બિઝનેસમાં ઈમોશનને કોઈ સ્થાન નથી.”સુધા મૂર્તિ મંદિરની બહાર બેસીને શાકભાજી વેચવાની સેવા પણ આપે છે. સાચેજ સાદગી, સભ્યતા અને સંસ્કારની મિસાલ પૂરી પાડનાર પરિવારને વંદન સહ અભિનંદન.
સુરત – અરૂણ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જે પોષતું તે મારતું
ગુજરાતી ભાષામાં ઘણી સારી સારી કહેવતો છે જે પરિસ્થિતિ ને એક જ સીધી લીટીમાં સ્પષ્ટ રીતે વર્ણવી શકે છે. છેલ્લા 27 વર્ષથી જે સરકાર ગુજરાતને પોષી રહી છે,જે હંમેશા વિકાસના ગાણા ગાતી રહે છે,તેના રાજમાં આજે ગુજરાત અને ગુજરાતીઓ ચારે તરફથી રિસાઈ રહ્યા છે.તક્ષશિલા કાંડ, મોરબી પુલ દુર્ઘટના, પેપર ફૂટવાની અસંખ્ય ઘટનાઓ અને હવે રૂપિયા આપીને વગર પરીક્ષાએ સીધા અધિકારી બનવાની વાત જ્યારે સામે આવી રહી છે,ત્યારે હાલમાં જ 156 સીટો સાથે સરકાર બનાવી આપનાર દરેક ગુજરાતી પોતે છેતરાયો છે,તેવું મહેસુસ કરી રહ્યો છે.
તે મનમાં ને મનમાં ઘૂંટાઈ રહ્યો છે.તેનો આક્રોશ ક્યાં જઈને વ્યક્ત કરે તેની પણ સમજણ હવે તેની પાસે રહી નથી.ખરેખર લાગે છે ગુજરાતમાં ચારેય બાજુ બસ કિચડ જ કિચડ છે એટલે જ આટલા વધુ કમળ ખીલી રહ્યા છે.આટલી જંગી બહુમતીથી સરકાર બનાવી આપવા છતાં પણ, આજે પ્રજા માટે અવાજ ઉઠાવી શકે તેવો એક પણ નેતા સરકારમાં નથી.બધા જ એક વ્યક્તિની સામે લાચાર,મજબૂર,બેબસ,ડરપોક અને નિર્વીર્ય બની ગયા હોય તેવું ગુજરાતની પ્રજા અનુભવી રહી છે. જે રામના નામે લોકોને છેતરવામાં આવે છે,એ રામ જ હવે પ્રજાને બચાવે.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.