Charchapatra

જેની વાઈફ સુખી, એની લાઈફ સુખી..!

તમે બાધા-આખડી રાખો કે, ભગત ભુવા પાસે પીંછી  નંખાવી માંડળીયા બંધાવો, પઈણા એટલે વાઈફ્કો પંજેલના તો પડેગા..!  છુટકારા નહિ..! wife હૈ તો life હૈ..! ક્યા બોલતા તૂં…? સ્ત્રી શક્તિ હૈ તો પતિ સહનશક્તિ હૈ..! સારું મળ્યું તો સ્વીત્ઝર્લેન્ડ ને નબળું મળ્યું તો નાગાલેન્ડ..! એક જ વાત યાદ રાખવાની કે, ‘લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોંઢું ધોવા નહિ જવાય.’  લગનના મામલે  ચમનિયાની અડધી સદી વીતી ગઈ ત્યારે, અડધી કાઠીએ ઝંડો ફરકેલો..! ત્યાં સુધી તો અવઢવમાં જ રહેલો કે, ‘મારી સાસુના લગન થયેલા હશે કે નહિ..?’ સો વાતની એક વાત,  કુંવારા કુટાવું એના કરતાં પરણીને પસ્તાવું સારું..! અમારા ચમન ચલ્લીએ બે બાયડી સાથે લગન કરેલા. એટલા માટે કે, એક મારે તો બીજી બચાવે .! એના કપાળમાં કાંદા ફોડું થયું એવું કે. હવે એક મારે ને બીજી પકડી રાખે છે બોલ્લો..!

કુંવારાની વેદનાને, પરણેલા નહિ સમજી શકે
પરણેલા જો સમજે પૂરું તો કોઈ વાંઢો ના રહે
આપવાની જોગવાઈ કુંવારાને સરકારી સબસીડી આપવાની જોગવાઈ કોઈ સરકારે કરી નથી. જેની સાથે ભણ્યા હોય,  તેને ત્યાં ત્રણ-ત્રણ પેઢીઓ ઊછળકૂદ કરે તો ત્યારે ચચરે તો ખરું જ ને..? કોઈની જાન જતી જુએ, ને બિચારાનો જાન તરફડે બોલ્લો..! ધૂણવા માંડે યાર..? એ વખતે એવો ઓડકાર થોડો ખવાય કે,  ‘જેહના ભાગ્યમાં જે સમયે જે લખાણું, તેહના ભાગ્યમાં તે સમયે તે જ મળતું..!’  પેટછૂટી વાત એ પણ સાચી કે, કેટલાંકને તો   ‘હાથનાં કર્યાં હૈયે વાગે..!’ શરૂ શરૂમાં માંગાં આવે ત્યારે, લોર્ડ કર્ઝન જેવો  રૂઆબ છાંટે, કે મારે તો આવી જોઈએ ને તેવી જોઈએ, છેલ્લે લક્ઝરી ચૂકી જાય, ને પછી  છકડા પણ ભાવ નહિ આપે..! ઘણાં લોકો  તો સિંદૂરની ડબ્બી ભરીને ‘સ્વયંવર’ માં જાય, ને   હારેલા સૈનિકની જેમ ઘરભેગા થઇ જાય..! ઈશ્વર કોઈને આવી સજા નહિ કરે, બીજું શું..? સાલું સમજમાં નથી આવતું કે, કુંવારો કોડે મરે, પરણેલો પસ્તાય, તો વચ્ચે મઝા કોણ લૂંટે છે ? 

wife એટલે ઘરનું ઢાંકણ..!  બેંક બેલેન્સ  ‘ઝીરો’ હોય તો ચાલે, પણ wife વગર પતિ  ‘હીરો’ બની શકતો નથી.  દરેક પાસે ઓછામાં ઓછી એકાદ વાઈફ તો હોવી જ જોઈએ. (ઘણાંને બેકી સંખ્યામાં હોય, એ સૌ સૌના નસીબની વાત છે..! આ તો એક વાત..!)  વાઈફ વગરનો પુરુષ એટલે, ફોટા વગરની ફ્રેમ અને તળિયા વગરના ટોપલા જેવો..! ભલે  PHD જેવી મોટી ડીગ્રીનો આસામી હોય,  પણ વાંઢેરાને ભાડે નું ઘર લેવું હોય તો, જલ્દી ના મળે. પણ ભીન્નાયેલો હોય તે  ઝટ ફાવે.! પરણેલાની કિંમત છે યાર..? ‘પહેલું સુખ તે જાતે પરણેલા..!’ 

અમે, ભણતા ત્યારે એક ટીખળ કરતા કે, No life without wife..! પૈણા પછી સમજાયું કે, એ ટીખળ નહિ પણ જીવતરનું સાચું જીવન-સૂત્ર હતું. જેનું મૂલ્ય  મંગલ સૂત્રથી પણ અધિક છે. વાઈફ એટલે પતિનો આધાર-કાર્ડ..! ને પતિ એટલે પત્નીનું સુરક્ષા કવચ. લોકો કુંવારાને દાઢમાં રાખે ને પરણેલાને ગણતરીમાં રાખે..! નીતિશાસ્ત્રમાં ભલે નહિ લખાયું હોય, પણ wife વગરનું જીવન એટલે બોળી પાસે કાંસકી જેવું..! પૈઈણા પછી હસાહસ વૃત્તિ ભલે અવગતે જાય, પણ સાહસવૃતિ સોળે કળાએ ખીલે. જેમાં માણસોનું ટોળું લઈને વાજતે ગાજતે ઘોડે બેસી પૈણવા જવું એ પહેલું સાહસ છે. સાહસ નહિ હોય તો, ‘આવ બલા પકડ ગલા’ નો સાહસ-ખેલ કરે કોણ..?ખરેખર તો પરણેલાના નામ આગળ ‘સાહસિક’  જેવા માનાર્થ  પૂંછડાં લગાવવાં જોઈએ..! જેમ કે, રાજમાન રાજેશ્રી સાહસિક ચમન ચલ્લી…!  ઉપલા લેવલે કોઈની ઓળખાણ હોય તો , આ વાત નાંખવા જેવી..!

અસંખ્ય કલાકો ખર્ચીને આ લેખનું ટાઇટલ  બનાવ્યું છે  કે, ‘જેની વાઈફ સુખી, એની લાઈફ સુખી..! આ શબ્દનો શણગાર નથી, જીવનનો મંત્ર છે..! આ ટાઇટલમાં ‘સુખી અને જીવન’ બંને નામવાચક  છે. એ વાચક શબ્દો છે. પણ આંખનું કાજળ ગાલે ઘસતાં રતનજી મને કહે, ‘જીવનમાં સુખી થવું હોય તો ‘સુખી’ નામની સ્ત્રી સાથે જ લગન કરવા જોઈએ, એમ જ ને..?  તારા કપાળમાં કાંદા ફોડું..!  એ ધંતુરાને કોણ સમજાવે કે, ‘સુખી’ ને  ‘જીવન’ એ વ્યક્તિ નથી અનુભૂતિ છે. લગ્નની બાબતમાં એક વાત છે કે,

માણસ વાઈફથી ડરતો હશે,  બાકી જંગલનો રાજા જેવો રાજા સિંહ કયારેય સિંહણથી ડરતો નથી. કારણ કે સિંહણને એ માત્ર પ્રેમ કરે છે, માણસની જેમ  લગન કરતો નથી અને આપણે એવા જનરાજ કે, લગન પછી પણ અમુક વાઈફને પ્રેમ કરતા નથી. wife એ જીવનનું લાઈફ સર્ટીફીકેટ છે. આ ધરતી ઉપર અનેક સંબંધોનો રાફડો છે બોસ..!  તેમાં, પતિ-પત્નીનો સંબંધ એટલે સૌથી રોમાંચિત, રસપ્રદ અને રહસ્યમય..! આ સંબંધમાં જેટલો પ્રેમ છે, તેટલો જ ડર અને તેથી વધારે  હાસ્યના ફૂવ્વારા  છે. પતિ અને પત્ની એક એવી સંક્રાંતિ છે કે, જે લગ્ન પછી પતિના જીવનમાં ‘ક્રાંતિ લાવી દે..! સુખી થવું હોય તો માત્ર એને ઓળખવાની, સમજવાની ભૂલ નહિ કરવાની.  ગ્રહોની માફક ક્યારેક ક્યારેક એ પણ ગરબડ કરી પાડે, ત્યારે  કાચબાની માફક સંકેલાઈ જવાનું..!  બાકી ‘જીવન’  સુખી  સાથે લગન કરે કે, ‘સુખી ‘ જીવન સાથે લગન કરે  તો પણ કોઈ ફરક નહિ પડે.  શેક્સપિયરના વિધાનમાં  વિશ્વાસ રાખવાનો કે, ‘ What is there in a name..?

નામમાં છે શું યાર? યાદ હોય તો, અસ્સલ પુરુષોનાં નામ ભગવાનનાં નામ ઉપરથી અને સ્ત્રીઓનાં નામ દેવી કે, નદીનાં નામ ઉપરથી પાડવામાં આવતાં. પછી જેમ વસ્ત્રો ટૂંકાં થઇ ગયાં, સંબંધ ટૂંકા થઇ ગયા, વ્યવહાર ટૂંકા થઇ ગયા, બાળકો ટૂંકા  થઇ ગયા, એમ નામમાં પણ ટૂંકાશ આવી. હવે બકી-ચકી-લકી-કલી-ટીકુ-ચીકુ જેવાં નામોનો રાફડો ફાટ્યો. અસ્સલની ફોઈઓ ભણેલી ઓછું, પણ નામો તો ગુણિયલ પાડતી.

સુખીબેનનાં લગન સુખાભાઈ સાથે થાય, ત્યારે ‘સુખીબેન સુખાભાઈ’ બોલતાં મોંઢું ભરાઈ જતું. મોંઢામાં  મધમાખીએ માળો બાંધ્યો હોય એમ, મોઢું મધુર-મધુર લાગતું. મારાથી એક વાર શૈલીને કહેવાઈ ગયેલું કે, ‘તું તો બુદ્ધિનું બારદાન છે..! એમાં તો ભલીએ, આખું ઘર માથે લઇ લીધેલું..! ઘરમાં જ  કુરુક્ષેત્ર ઘુસી ગયેલું.  વાત એવી વણસેલી કે, ભરબપોરે મને તારા દેખાવા માંડેલા. પછી તો માંડ સમજાવેલી કે, બેબી..! (મનામણાં કરવાં હોય તો ‘ઘરડી’ ને પણ બેબી કહેવી પડે..!)  બુદ્ધિનું બારદાન એટલે ઓછામાં ઓછી બાર જગ્યાએ  બુદ્ધિનું દાન કરી શકે, એવી તું આસામી કહેવાય ..! ત્યારે માંડ માંડ નાગચૂડમાંથી છૂટેલો..!

શબદ સંભાલકે બોલીએ શબદકો હાથ ન પાઉં
એક શબ્દ હૈ ઔષધી ઔર એક શબ્દ હૈ ઘાઉ
 જો ભાઈ,  બ્રહ્માંડની ઉત્પત્તિ, કાળનો પ્રવાહ, કે ભૂત પ્રેત જેવાં અનેક  રહસ્યો આ પૃથ્વી ઉપર છે. તેમાંનું એક રોમાંચક રહસ્ય એટલે, પતિ-પત્નીના સંબંધો. સારો પતિ મળવો કે, સારી પત્ની મળવી, એટલે  ભૂત-પ્રેત ઉપર વિશ્વાસ રાખવા જેવી વાત છે ભૈઈઇ..! આપણે તો એટલો જ ખોંખારો ખાવાનો કે, જે સ્ત્રી ચાર-પાંચ દુકાન ફરીને પણ ૨૦-૨૫ સાડી ‘રીજેક્ટ’ કરે, એણે પતિ તરીકે આપણને ‘સિલેક્ટ’ કર્યો ને, એ જ મોટી વાત..! બાકી, પતિ અને પત્નીના ઝઘડા તો રહેવાના. સજોડા ભલે સ્વર્ગમાં નક્કી થતાં હોય, પણ ઝઘડવાના ‘ક્વોટા’ તો પૃથ્વી  ઉપર આવીને જ પૂરા કરવા પડે..!

 ‘વાઈફ સુખી તો લાઈફ સુખી’ એ એક સર્વવ્યાપી, યુનિવર્સલ લો છે.  (વાઈફોલોજી) પણ એક ભણવા જેવો વિષય છે, પણ કોઈ ભણાવતું નથી. એના  માટે પરણ્યા પછી, પત્નીને જ ગુરુ કરવા પડે. પત્નીની ખુશી એ જ પતિની પરમ શાંતિ..!  બસ, પત્નીને  ખુશ રાખો, તો જ તમામ ગ્રહો શાંતિનો કેકારવ કરે, નહિ તો દેકારો કરે..!  અમે પણ જાણીએ કે,  પતિની હાલત ટ્રાફિક સિગ્નલ ઉપર, સિગ્નલ ખૂલવાની રાહ જોતા ડ્રાઈવર જેવી હોય. પણ આ ધરતી ઉપર સૌથી મધુર કોઈ સંબંધ હોય તો તે પતિ પત્નીનો છે અને મૂંઝવણભર્યો હોય તો તે પણ એ જ છે. ઝીંકે રાખો..!

લાસ્ટ બોલ
છોકરી : મારા બાપાએ મારું  રીઝલ્ટ જોઇને કહ્યું કે, આવતા વરસે નાપાસ થઇ તો હું તને રિક્ષાવાળા સાથે પરણાવી દઈશ..!.
બોય ફ્રેન્ડ : આ સાંભળી હસ્યો..!
છોકરી : કેમ હસ્યો..?
છોકરો : મારા બાપાએ પણ એવું જ કહ્યું કે, આવતા વરસે નાપાસ થયો તો હું તને રીક્ષા લઇ આપીશ..!
તારા કપાળમાં કાંદા ફોડું…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top