આણંદ તા.16
વિદ્યાનગરની જનતા ચોકડી પાસે આવેલા રેલવે ફાટક નજીકના હોટલમાં રોકાયેલા દંપતી વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઉપરા છાપરી છરાના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી નાંખી હતી. બાદમાં તેણે પોતાના શરીર પર પણ છરાના ઘા ઝીંકી દેતા ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગેની જાણ થતાં વિદ્યાનગર પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી અને ઘવાયેલા પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે આ પગલું ભર્યું હોવાનું જણાયું હતું.
વિદ્યાનગરની જનતા ચોકડી પાસે આવેલી ફેવરીટ હોટલના રૂમ નં.203માં દંપતી રોકાયું હતું. આ દંપતી વચ્ચે મંગળવારની મોડી સાંજે કોઇ બાબતે કંકાસ થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ગળા પર છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. આ હત્યા બાદ તેણે પણ પોતાના શરીરે છરીના ઘા મારી આત્મહત્યાની કોશીષ કરી હતી. જોકે, તે પહેલા તેણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી દેતા તાત્કાલીક વિદ્યાનગર પોલીસ ઇન્પેક્ટર ડી.આર. ગોહિલ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘાયલ પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યારે પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.
વિદ્યાનગર પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલા રાજ શિવાલય પાછળ આવેલી સિદ્ધિ હાઈટ્સમાં રહેતા કોટેશ્વરપ્રસાદ બટુકભાઈ દવે (ઉ.વ.37) અને તેમના પત્ની સેજલબહેન દવે (ઉ.વ.36) મંગળવારના બપોરે ફેવરીટ હોટલના રૂમ નં.203માં રોકાયાં હતાં. અહીં પતિ – પત્ની વચ્ચે કોઇ કારણસર ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા કોટેશ્વરપ્રસાદે પત્ની સેજલબહેનને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. જોકે, ઝઘડો ક્યા મુદ્દે હતો ? તે અંગે પોલીસે પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે સેજલબહેનના પિયરીયાને જાણ કરતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.
આ ઘટનાને લઇ આણંદ – વિદ્યાનગરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પતિ અને પત્ની બન્નેના પરિવારજનો આણંદ સ્થિત તેના ઘરે પહોંચ્યાં હતાં. માહોલમાં ભારે ગમગીની છવાઇ હતી.
વિદ્યાનગર પોલીસ દ્વારા મોડી સાંજે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ ઝઘડો ક્યા મુદ્દે હતો ? તે અંગે પોલીસ મોડી સાંજ સુધી જાણી શકી નહતી.
વિદ્યાનગરમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી હત્યા કરી
By
Posted on