Comments

કોંગ્રેસ માટે છૂપા આશીર્વાદ

નેશનલ હેરોલ્ડ પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની તપાસથી બેબાકળા થયેલા કોંગ્રેસ પક્ષે વ્યગ્રતા અને આક્રમકતા બતાવવા માંડયાં છે. મોંઘવારીના પ્રશ્ને પોતાના આક્રોશના જાહેર પ્રદર્શન દ્વારા આ સમસ્યા હળવી નહીં કરી શકાય. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને બોલાવી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા કરાતી આકરી પ્રશ્નોત્તરીથી કોંગ્રેસનું આ પ્રથમ પરિવાર ખૂબ જ વ્યથિત થઇ ગયું છે. હકીકતમાં તેમના કાનૂની સલાહકારોને દહેશત છે કે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ તેમની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે કારણ કે કાળાં નાણાં ધોળાં કરવા ને અટકાવતા કાયદા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટની જોગવાઇમાં આવી પ્રક્રિયા છે. પોતાને આ તપાસના પરિણામની કોઇ પરવા નથી એવું રાહુલ બતાવવા માંગે છે, પણ કાર્યકરોથી માંડીને બધા માને છે કે સોનિયા ગાંધીના પરિવારને સાચે જ તપાસની ગતિ અને તેનો સામનો કરવાની પોતાની અશકિતની ચિંતા છે જ.

આથી જ કોંગ્રેસ નેતાઓએ અને તેમના ટેકેદારોએ મોંઘવારીના મામલે મધ્ય દિલ્હીના મહોલ્લાઓમાં વિરોધનું નવું આક્રમણ શોધી કાઢયું છે. કોંગ્રેસનાં આંતરિક વર્તુળો કહે છે કે અમે તો એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની ગતિવિધિ પોતાની અટકળોથી વધુ અકળ હોવાનું માનતા પરિવારની સૂચના મુજબ કામ કરીએ છીએ. તેઓ કહે છે કે ગાંધી પરિવારને લાગ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની તપાસ એક ખાલી ઔપચારિકતા છે અને મોદી સરકાર અમને હાથ લગાડવાની હિંમત નહીં કરે. પણ સમયચક્ર વધુ ઝડપથી ફરી રહ્યું છે.

ચૂંટણી મોરચે કોંગ્રેસના ધબડકા સામે રાહુલ ગાંધીના બખાળાથી કાર્યકરો દિગ્મૂઢ થઇ ગયા છે. ‘મને આખું તંત્ર સોંપી દો અને પછી હું બતાવી દઉં કે ચૂંટણી કેમ જીતાય’ એવી તેમની ડંફાસ કાર્યકરોને ગળે ઊતરી નથી. રાહુલ ગાંધીને તેના વ્યૂહરચનાકારો કોંગ્રેસને બેઠી કરવા તનતોડ મહેનત કરતા હોવા છતાં આશાનું કોઇ કિરણ દેખાતું નથી એવી આ ખુલ્લી કબૂલાત છે એવું કાર્યકરોને લાગે છે. આ કબૂલાતને પગલે રાહુલને નથી લાગતું કે તેઓ હિમાચલ પ્રદેશની કે ગુજરાત વિધાનસભાની આ વર્ષે આવનારી ચૂંટણીઓ હોય કે જયાં પ્રાદેશિક નેતાઓ વધુ આશા રાખે છે તે તેલંગણ અને કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીઓ હોઈ કંઇ કરી શકે.

ગઇ તા. પાંચમીએ કડવાશભરેલા રાહુલ ગાંધીએ ફરીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જર્મન આપખુદ અને નાઝી પક્ષના વડા એડોલ્ફ હિટલર સાથે સમગ્ર તંત્ર પર નિયંત્રણ મેળવી ચૂંટણી જીતવા માટે સરખાવ્યા હતા અને કહ્યું હતું કે હિટલર પર ચૂંટણી જીતી સત્તા પર આવ્યો હતો અને તે પણ ચૂંટણી જીતવાને ટેવાયેલો હતો. તે ચૂંટણી કઇ રીતે જીત્યો હશે? તેણે જર્મનીની તમામ સંસ્થાઓ પર નિયંત્રણ મેળવ્યું હતું અને તેની પાસે પણ અર્ધલશ્કરી દળ હતું. મને આખું તંત્ર આપી દો અને હું તમને બતાવી દઉં કે ચૂંટણી કઇ રીતે જીતાય.

બેરોજગારી અને ફુગાવા સામે કોંગ્રેસના દેશવ્યાપી દેખાવો પહેલાં રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતની બાજુમાં બેસી એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ આ ઉચ્ચારણ કર્યા હતા. પછી કોંગ્રેસ પક્ષ વિરોધમાં કાળાં કપડાં પહેરી સંસદ ભવને આવ્યો હતો. રાહુલ ખરેખર માને છે કે મોદીની આગેવાની હેઠળનો ભારતીય જનતા પક્ષ એક પછી એક ચૂંટણી એટલા માટે જીતે છે કારણકે તે તંત્ર પર નિયંત્રણ ધરાવે છે એવું જ તે વિચારતા હોય તો તેઓ એવું પણ વિચારે કે ભૂતકાળની ચૂંટણીઓ તેમનાં માતા, પિતા અને દાદી પણ તંત્ર પર નિયંત્રણ ધરાવતાં હોવાથી જીત્યાં હતાં? એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ રાજકીય કિન્નાખોરીથી કામ કરે છે એટલો આક્ષેપ કરવાથી સોનિયા અને રાહુલની ભૂમિકાનો કોંગ્રેસ બચાવ કરી શકશે?

એસોસિએશને ટેડ જર્નલ્સ લિમિટેડની માલિકીની મિલ્કત રાહુલ અને સોનિયાની માલિકીની પેઢી યંગ ઇન્ડિયાના નામે કેમ થઇ તેનો મામલો છે. ૧૯૩૮ માં જવાહરલાલ નેહરુએ શરૂ કરેલા અખબાર નેશનલ હેરોલ્ડનું સંચાલન આ પેઢી કરતી હતી. ૧૯૯૯ થી ૨૦૦૮ સુધી આ અખબારનું પ્રકાશન ભારે ખોટને કારણે બંધ રહ્યું. યુ.પી.એ.ના શાસનમાં કોંગ્રેસે આ અખબારને બેઠું કરવાનો નિર્ણય કર્યો. કઇ રીતે? કોંગ્રેસે એસોસિએટેડ  જર્નલ્સને રૂા. ૯૦ કરોડની લોન આપી અને તે ભરપાઇ ન થઇ શકી. કંપનીએ તેના  તમામ શેર રૂા. ૫૦ લાખના બદલામાં યંગ ઇન્ડિયનને વેચ્યા. તે પૈસા કયાંથી આવ્યા?

આખરે એસોસિએટેડ જર્નલની માલિકીની રૂા. ૩૦૦૦ કરોડની મિલ્કતની ધણી યંગ ઇંડિયન પેઢી થઇ ગઇ અને કોંગ્રેસના મર્હૂમ ખજાનચી મોતીલાલ વોરાને જ તેની ખબર હતી અને વોરા તો ૨૦૨૦ માં ગુજરી ગયા. કંપની કાયદા પ્રમાણે યંગ ઇંડિયા નફો નહીં કરનારી કંપની છે અને અમને તેમાંથી એક પૈસો નથી મળ્યો તેવી તેઓ દલીલ કરે છે તો પ્રશ્ન એ થાય છે કે તો કંપની કેમ ચાલુ કરી અને આ કંપની જુદાં જુદાં શહેરોમાં રૂા. ૩૦૦૦ કરોડથી વધુ રકમની મિલ્કત કેમ ધરાવે છે? નિષ્ણાતો કહે છે કે શેરધારકો જ કંપની પર કબ્જો રાખી શકે. રાહુલ અને સોનિયા પાસે ૭૬% શેર છે તો ફાયદો કોને?

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના પગલાંથી છૂપા આશીર્વાદ જ છે. જો સોનિયા – રાહુલને નેશનલ હેરોલ્ડ કેસમાં કંઇ છુપાવવાનું નહીં હોય અને કમમાં કમ પક્ષમાં બચાવ માટે પણ સળવળાટ તો થયો! સોનિયા કોંગ્રેસની ઓળખ બની રહેશે અને રાહુલ – પ્રિયંકા પક્ષ પર નિયંત્રણ મેળવવા જંગ ખેલશે? આમ પણ પક્ષના નવા પ્રમુખ કોણ બનશે તે તો આવતા સપ્ટેમ્બરમાં નકકી કરવાનું જ છે ને?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top