ભરૂચ(Bharuch) : ગરુડેશ્વરના હરીપુરા (Haripura) ગામે એક વેપારીના ઘરે મધરાત્રે 6 જેટલા અજાણ્યા બુકાનીધારી લુંટારાઓ (Robbers) ઘુસી ગયા હતા. એક લુટારુએ વેપારીના ગળે ધારિયું મુકીને મુકીને હિન્દી ભાષી લુંટારુએ કહ્યું કે “ચુપચાપ કુછ ભી બોલે બિના લેટે રહો વરના ધારિયા સે પુરા કર દુંગા”. આમ કહીને સાથે આવેલા અન્ય લુટારુ ટોળકીએ તિજોરીનો નકુચો તોડીને 7.75 લાખ રોકડા, 10 જેટલા સોના- ચાંદી દાગીના મળી કુલ 20.14 લાખની લુંટ કરી હતી.
હરીપુરામાં રહેતા વેપારી 55 વર્ષીય અબ્દુલ રઉફ હારુન અલી મેમણ અનાજ કારીયાણાની દુકાન ચલાવે છે. તા 24મી ઓક્ટોબરના રોજ મધરાત્રે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં સુતેલા હતા. એ વેળા ત્રણ ઈસમો મોંઢા પર કાળા કલરની બુકાની પહેરીને પલંગ પાસે આવી ગયા હતા. અબ્દુલ રઉફ મેમણ જાગી જતા પલંગ પાસે અન્ય બે ઈસમો આવીને ધારિયું મૂકી દઈને હિન્દી ભાષામાં કહ્યું કે “ચુપચાપ કુછ ભી બોલે બિના લેટે રહો વરના ધરિયા સે પુરા કર દુંગા” એવી ધમકી આપી હતી.
ત્યાર બાદ અન્ય અજાણ્યા બુકાનીધારીએ તિજોરીનો નકુચો તોડીને લાખ રોકડ રકમ, ગળામાં પહેરવાની ત્રણ તોલાની 2 સોનાની ચેઈન, ચેઈનનું સોનાનું પેડલ, હાથમાં પહેરવાના બે પાટલા, કાનમાં પહેરવાની બે સોનાની રીંગ, ચાર સોનાની વીંટી ,સોનાની કાનની 2 સોનાની બુટ્ટી, સોનાના બે બિસ્કીટ, ચાંદીના પગમાં પહેરવાના એક જોડ સાંકળા,ચાંદીની પગમાં આંગળી પર પહેરવાની બે વીંટી ચાંદીના ત્રણ કિલોના સિક્કા મળીને કુલ સોના-ચાંદીના કુલ 10 આઈટમોમાં હાલના બજાર ભાવ પ્રમાણે 12.39 લાખ થાય છે તે લૂંટી લીધી હતી.
તે ઉપરાંત પાણીના જગમાં મુકેલા 70 હજાર રોકડા, દુકાનના ખાનામાં 5000, સ્પ્લેન્ડર મોટર સાઈકલની RC બુક,મળીને કુલ રોકડ 7.75 લાખ સહિત કુલ 20,14,500 ના મુદ્દામાલની દિલધડક લુંટ ચલાવી હતી.
જો કે લુંટ કરતી વખતે અજાણ્યા લુંટારાએ કહ્યું કે “જલ્દી કરો વરના કિસી કો પતા ચલ જાયેગા” કહીને વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને લુંટ ચલાવીને ભાગી છુટ્યા હતા. સમગ્ર ઘટના અંગે ગરુડેશ્વર પોલીસમાં બીજા દિવસે વેપારીએ ઘરમાં ૬ અજાણ્યા બુકાનીધારીએ લુંટ ચલાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગુનો નોંધીને તપાસ PSI પરમાર ચલાવી રહ્યા છે.