નડિયાદ: નડિયાદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભવ્ય શિખરબદ્ધ મંદિરનુ નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. લગભગ એક લાખ ઘન ફુટ ગુલાબી પથ્થરના ઉપયોગથી આ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આજથી 36 દિવસ બાદ એટલે કે આગામી 7 ડીસેમ્બરે ધામધૂમથી મૂર્તિપ્રતિષ્ઠાની ઉજવણી કરવામા આવનાર છે. વર્ષ 2004માં BAPS સ્વામિનારાયણ સંસ્થાના તત્કાલીન વડા પ્રમુખસ્વામી મહારાજે સંકલ્પ કર્યો હતો તે સ્થળે 45 એકરની જમીનમાં અદભૂત મંદિરનું નિર્માણ નડિયાદમાં થઈ રહ્યું છે.
શહેરના પીપલગ રોડ ઉપર આવેલા યોગીફોર્મ ખાતે નિર્માણ પામી રહેલા આ મંદિરમાં આવનાર ભક્તોની સંપૂર્ણ સુવિધા સચવાય તે માટે પૂ.સર્વમંગલ સ્વામી (કોઠારી સ્વામી) તથા પૂ. પરમવત્સલ સ્વામી અથાગ પુરુષાર્થ કરી રહ્યા છે. પહેલી ડિસેમ્બરએ પૂ.મહંત સ્વામી મહારાજ અહીં અનેક સંતો ભક્તો સાથે બિરાજીત થવાના છે. મૂર્તિ પ્રતિષ્ઠાની સાથે સાથે બે દિવસ સુધી વિદ્વાન બ્રાહ્મણ દ્વારા વૈદિક યજ્ઞ થશે.
7મી ડિસેમ્બર ગુરુવારના શુભમુહૂર્તમાં મૂર્તિ પ્રતિષ્ઠાની વિધિ થશે. આ નિમિત્તે બે દિવસ સુધી વિદ્વાન બ્રાહ્મણ દ્વારા વૈદિક યજ્ઞ થશે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સાથે અક્ષરબ્રહ્મશ્રી ગુણાતીતાનંદ સ્વામી, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ ભગવાન, શ્રીરામ પરિવાર, શ્રી શિવજી પરિવાર અને શ્રી નીલકંઠવર્ણી મહારાજની અદભુત મૂર્તિઓની પ્રતિષ્ઠા અહીં કરવામાં આવનાર છે. આ મૂર્તિઓની ભવ્ય નગરયાત્રા નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પરથી પણ નીકળનાર છે. નડિયાદના ભક્તોના સમર્પણથી, સરકારી સંસ્થાઓના પદાધિકારી રાજકીય નેતાઓ અને સામાજિક સંસ્થાઓના સહકારથી તૈયાર થયેલ આ મંદિર નડિયાદનું એક વિશિષ્ટ નવલુ અને નમણું નજરાણું બની રહેશે.
મંદિરની ખાસ વિશેષતાઓ
254 કલાત્મક તોરણથી મંદિરને શણગારમાં આવેલું છે
324 કોતરણી યુક્ત સ્સ્તંભ (પિલર)
મંદિરની ફરતે 12 ગવાક્ષ (ઝરૂખા)
36 કોતરેલી અક્ષરદેરી અહીં મૂકવામાં આવી
1210 ફૂટથી વધુ લાંબો પ્રદક્ષિણાપથ અહીં બનાવાયો
13 ચતુષ્કોણીય સામરણ અહીં બનાવવામાં આવ્યા
અશક્ત હરિભક્તો માટે 2 લિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી
અભિષેક મંડપ અહીં બનાવાયો છે જેમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજને અભિષેક કરી ભક્તો પોતાના સંકલ્પની પૂર્તિ માટે પ્રાર્થના કરી શક્શે
બાળ સંસ્કાર અને મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિ માટે 7 નાના નાના વાતાનુકુલિત હોલ
5 હજાર હરિભક્તો એક સાથે બેસીને ભજન પ્રાર્થના કરી શકે એવો એર કુલિંગ સાથે પીલરલેસ પ્રાર્થના હોલ પણ છે
અહીં શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે તે અર્થે પ્રેમવતી ઉપાહારગૃહનું પણ આયોજન