Madhya Gujarat

આણંદ જિલ્લામાં અઢી સો કિલોમીટર લાંબા રસ્તાની મરામતનું મહાઅભિયાન હાથ ધરાયું

આણંદ : રાજ્ય સરકાર દ્વારા 1 થી 10મી ઓક્ટોબર, 2021 સુધી “માર્ગ મરામત મહાઅભિયાન” હેઠળ ચોમાસાના વરસાદના લીધે રસ્તામાં ખાડા પડી ગયા હોય તેવા ડામર રસ્તાના પેચવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી  છે. જેના અંતર્ગત આણંદ જિલ્લામાં માર્ગ મરામત મહાઅભિયાન કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી છે. હાલ પ્રાથમિક સર્વેમાં અઢી સો કિલોમીટરના રસ્તાને નુકશાન થયું હોવાનું જાણવા મળતાં તંત્રએ કામગીરી શરૂ કરી છે.

આણંદ જિલ્લામાં વરસાદના કારણે ઠેર ઠેર ખાડાં પડી ગયા છે, જેના લીધે વાહનચાલક અને રાહદારીને હાલાકી ભોગવવી પડે છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા માર્ગ મરામત મહાઅભિયાન હેઠળ ડામર રસ્તાના પેચવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી  છે. આણંદ જિલ્લામાં પણ ચોમાસા દરમિયાન જિલ્લામાં રાજય માર્ગ-મકાન વિભાગ હસ્તાકના કુલ ૧૦૧૭.૯૩ કિલોમીટર લંબાઇના રાજય ધોરી માર્ગ,  મુખ્ય  જિલ્લા- માર્ગ, અન્ય જિલ્લા માર્ગ સહિતના રસ્તાઓ આવેલા છે.

આ રસ્તાઓ પૈકી ચોમાસાની ઋતુ દરમિયાન આશરે ૨૫૦ કિલોમીટરની લંબાઇના રસ્તા‍ઓ ક્ષતિગ્રસ્ત થયાં છે. જિલ્લામાં આ ખખડધજ માર્ગોના મરામતની કામગીરી આણંદ જિલ્લાનના માર્ગ-મકાન (સ્ટે‍ટ)ના કાર્યપાલક ઇજનેર એમ. બી. પટેલ તથા નાયબ કાર્યપાલક ઇજનેર પાર્થ શાહના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં માર્ગો પર મેટલ,  ડામર તથા પેવર પેચ વર્કની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે. જેના કારણે આ ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગો સુધારણાની કામગીરી પુર્ણતાના આરે છે.

રસ્તા અંગે મળેલી ફરિયાદોના આધારે નિકાલ કરવામાં આવ્યો છે

આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર પાર્થ શાહે જણાવ્યું હતું કે, માર્ગ-મકાન વિભાગ દ્વારા માર્ગ મરામત અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાંથી માર્ગ મરામત માટે મળેલી ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવામાં આવી છે. આ માટે સ્થાનિકો દ્વારા સોશિયલ મીડિયા મારફતે પણ માર્ગ-મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી.

ચરોતરમાં પાલિકા દીઠ રૂ.30થી 75 લાખ રસ્તાના રીપેરીંગ માટે ફાળવવામાં આવશે

રાજ્યમાં ચોમાસા દરમ્યાન શહેરી વિસ્તારોમાં માર્ગોને જે નુકસાન થયું છે તેનું રીપેરીંગ, રિસરફેસ તેમજ નાગરિક સુવિધા વૃદ્ધિના માર્ગ મરામત કામોમાં થર્મો પ્લાસ્ટિક રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ, સ્ટ્રીટ લાઈટ બોર્ડ અને રોડ સેફ્ટીના કામો વગેરે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ‘અ’ વર્ગની નગરપાલિકાને પ્રત્યેકને રૂા. ૭૫ લાખ,  ‘બ’ વર્ગની નગરપાલિકાને રૂા. ૬૦ લાખ,  ક વર્ગની નગરપાલિકાને પ્રત્યેકને રૂા. ૪૫ લાખ તેમજ ડ વર્ગની નગરપાલિકાને પ્રત્યેકને રૂા. ૩૦ લાખ ફાળવવામાં આવ્યાં છે.

Most Popular

To Top