હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વડોદરાથી મહાકાળી માતાજીના દર્શને આવેલ અંદાજે ૨૦ ઉપરાંત લોકોની એક મીની બસ માચી રોડ પરથી ઉતરતા રસ્તે બાવામાન મસ્જિદ પાસેના વળાંક પાસે પલ્ટી ખાતા એક મહિલાનું બસની નીચે દબાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ૧૨ ઉપરાંત લોકોને નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હતી. જેમાં ૫ મહિલા અને પુરુષને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બનાવ અંગે પાવાગઢ પોલીસે માચી તેમજ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવી બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
સમગ્ર બનાવની મળતી વિગતો પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશ તેમજ બિહારના વતની અને હાલમાં વડોદરા ખાતે આવેલ વડસર બ્રિજ નજીક આવેલ અલગ-અલગ સોસાયટીઓમાં રહેતા કેટલાક પરિવારોના અંદાજે ૨૦ થી ઉપરાંત મહિલાઓ અને પુરુષો શુક્રવારના રોજ વડોદરાથી ખાનગી મિનિ બસ લઈને યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. જ્યાં તેઓએ શુક્રવારે માતાજીના દર્શન કર્યા હતા અને દર્શન કર્યા બાદ પરત મીની બસમાં બેસી માચીના ઠોળાવ વાળા રસ્તે રહીને તળેટી તરફ આવવા માટે નીકળ્યા હતા.
તે દરમ્યાન પૂર ઝડપે ચાલતી મીની બસ માચીના ઉતરતા ઢોળાવાળા રસ્તેથી પસાર થઈ રહી હતી. ત્યારે બાવામાન મસ્જિદ પાસેના વળાંક નજીક મિની બસના સ્ટેયરિંગ પરથી ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા મીની બસ બેકાબૂ થઈ ધડાકાભેર પલ્ટી ખાઇ જમીન પર પછડાતા બસમાં સવાર મહિલાઓ અને પુરૂષોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેમાં આસપાસથી પસાર થતા વાહનો રસ્તામાં ઉભા રહી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે આસપાસથી પણ લોકો દોડી આવ્યા હતા અને બસમાં સવાર લોકોને બહાર કાઢવાની કામગીરીમાં જોડાયા હતા.
જેમાં બસમાં સવાર ૨૦ ઉપરાંત લોકો પૈકી ૧૨ જેટલા ઈસમોને નાની-મોટી ઇજાઓ પામી હતી. જ્યારે બસ પલટી ખાતા બસમાં સવાર ૫૦ વર્ષીય ગીતાદેવી મુન્નાભાઈ શ્રીવાસ્તવ નામની મહિલા બસની નીચે દબાઇ જતા પાવાગઢ પોલીસ સહિત લોકોએ બસને ઉંચકીને ઉભી કરી ગીતાદેવીને બહાર કરતા તેઓ મૃત હાલતમાં બસ નીચેથી મળી આવ્યા હતા. જેમાં અકસ્માતમાં તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. જ્યારે તમામ ઇજાગ્રસ્તો સહિત મૃતક ગીતાદેવીના મૃતદેહને ૪ થી ૫ ૧૦૮ એમ્બ્યુલન્સ સહિત અન્ય એમ્બ્યુલન્સ મારફતે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
પાવાગઢ ખાતે અકસ્માતનો બનાવ બન્યો હોવાની અંગેની જાણ થતાં હાલોલ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ પટેલ, ભાજપના શહેર પ્રમુખ ડો. સંજય પટેલ, વિરોધ પક્ષના નેતા સલીમ પાનવાલા સરજોન સહિત હિંદુ ધર્મ સેનાના શહેર પ્રમુખ તપન ઠક્કર સહિતના અગ્રણીઓ તેમજ નગરજનો રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તો સહિત મૃતકના પરિવારજનોને સાંત્વના આપતાં તેમજ વધુ ઇજાગ્રસ્ત થયેલા લોકોને વડોદરા ખસેડવાની તજવીજમાં જોતરાયા હતા. જેમાં ૧૨ જેટલા ઇજાગ્રસ્તો પૈકી પાંચ જેટલા ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે મૃતક ગીતાદેવીના મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે બનાવ અંગે પાવાગઢ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.