બીલીમોરા : બીલીમોરામાં (Bilimora) આવેલા કલ્પના ફુલ ઘરમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર (Gas cylinder) બ્લાસ્ટ (Blast) થતાં આગ જોવા 80 ફૂટ દૂર ઉભેલા વ્યક્તિના માથામાં વાગતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત (death) નીપજ્યું હતું, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો. બ્લાસ્ટનો ધડાકો એટલો ભયાનક હતો કે આજુબાજુનો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો.
- બ્લાસ્ટનો અવાજ એટલો ભયાનક હતો કે આજુબાજુનો વિસ્તાર ધણધણી ઊઠ્યો
- બ્લાસ્ટ સ્થળથી 80 ફૂટ દૂર ઉભા રહેલા આતલીયા જીઆઇડીસીના યુવકના માથાના ભાગે સિલિન્ડરના નીચેનો ભાગ ઉડીને વાગતા મોત થયું, બાજુમાં ઉભેલા આધેડને ઈજા
- બીલીમોરામાં કલ્પના ફુલ ઘરમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડ ધડાકાભેર ફાટ્યો
શુક્રવારની મોડી રાત્રે આશરે એકાદ વાગ્યે બીલીમોરાના પૂર્વ વિસ્તારમાં આવેલી એલએમપી સ્કૂલની સામે રાજેશ સુબેદાર દુબેની માલિકીની કલ્પના ફુલ ઘર નામની દુકાનમાં અકસ્માતે આગ લાગી હતી. મોડી રાત્રીનો સમય હોવાને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ પૈકી કોઈકે ફાયરને બનાવની ટેલિફોનિક જાણ કરતાં કેવલ પટેલ, મિતેશ પટેલ, સંજય પટેલ અને ઓપરેટર મનન પટેલ સાથે વિપક્ષના સભ્ય મલંગ કોલીયા ફાયર ફાઈટર લઈને ધસી ગયા હતા અને તાબડતોબ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કોશિશ કરતી વખતે કલ્પના ફુલ ઘરમાં રાખવામાં આવેલો ભારત ગેસ કંપનીનો ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતાં 80 ફૂટ દૂર ઉભા રહેલા આતલીયા જીઆઇડીસી ખાતે રહેતા શશીકાંત પરસોત્તમભાઈ પટેલ (30)ને માથાના ભાગે સિલિન્ડર નીચેનો ભાગ ઉડીને વાગતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું.
જ્યારે તેની બાજુમાં ઊભા રહેલા જાહિદ બસીર દલાલ (44) (રહે. બાગીયા ફળિયા, બીલીમોરા) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આગના પગલે થયેલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટને કારણે આજુબાજુનો વિસ્તાર ધણધણી ઉઠતા ત્યાંના રહીશોના જીવ અધ્ધર થઇ ગયા હતા. ઘટના સ્થળે પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી, અને આ બનાવની તપાસ કરતાં હેડ કોન્સ્ટેબલ મહેશ સતિષભાઈના જણાવ્યા મુજબ હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી થઈ રહી છે પણ સ્થળ પર પહોંચેલા એફ.એસ.એલ.ના અધિકારીઓના મતે ગેસ સિલિન્ડર સંભવત થોડો લીકેજ હોવાને કારણે પણ લાગ લાગી હોઈ શકે અથવા શોર્ટસર્કિટને કારણે પહેલા આગ લાગ્યા પછી બ્લાસ્ટ થયો હોઈ શકે. ખરું કારણ તપાસ કરતી એફ.એસ.એલ.ની ટીમનો રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે.
મિત્રને મળ્યા બાદ આગ જોવા રસ્તા પર ઉભો રહેતા યુવકેને મોત મળ્યું
મૃત્યુ પમાનાર શશીકાંત પરસોત્તમભાઈ પટેલ તેની હીરો મેસ્ટ્રો (GJ.21.5592) લઈને બીલીમોરા તેના મિત્રને મળવા આવ્યો હતો, અને રાત્રે ઘરે આંતલિયા પરત ફરતી વખતે આગ જોઈને ત્યાં ઊભો રહ્યો હતો. બરાબર તેજ સમયે બ્લાસ્ટ થતાં તેને માથાના ભાગે સિલિન્ડરનો ભાગ માથામાં વાગતા તેનું કરૂણ મોત નિપજયું હતું. જોકે આ સ્થળેથી પસાર થતા તેઓના પારિવારિક મિત્ર મયંક રાજપૂતે બનાવની જાણ મરનાર શશીકાંતના ભાઇ અજયને કરતા પરિવાર સ્થળ પર તાબડતોબ પહોંચી ગયું હતું અને શશીકાંતને મૃત હાલતમાં જોઈ સ્તબ્ધ થઇ ગયા હતા.