SURAT

CCTV: સુરતમાં મિત્રો ભેગા થઈ IPLની મેચ જોતા હતા, અચાનક એક ઉભો થયો અને બીજાને ચપ્પુ મારી દીધું…

સુરત(Surat) : શહેરમાં આઈપીએલની (IPL) મેચ (Match) જોવા ભેગા થયેલા મિત્રો વચ્ચે મારામારીનો હિંચકારી બનાવ સામે આવ્યો છે. મેચ જોવા ભેગા થયેલા મિત્રો પૈકી એક મિત્રએ અચાનક ઉભા થઈ મારી નાંખવાના ઈરાદે પલંગ પર આડા પડેલા મિત્ર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો (Attack) કરી દીધો હતો. સદ્દનસીબે અન્ય મિત્રો વચ્ચે પડી બચાવી લીધો હતો. બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘરમાં જ ઘાતકી જેવી ઘટના સુરતમાં બનવા પામી છે. ઉધના વિસ્તારમાં દત્ત કુટીર ખાતે શનિવારે તા. 30 માર્ચની સાંજે એક યુવક પર જીવલેણ હુમલાની ઘટના બની હતી. નવાઈની વાત એ છે કે યુવકના મિત્રએ જ તેની પર જીવલેણ હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની વધુમાં મળતી વિગત અનુસાર દત્તકુટિર સોસાયટીમાં રહેતા રાહુલ જાદવ પર તેના જ મિત્ર કિરણ આહિરેએ તિક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાહુલ જાદવને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઉધના પોલીસ મથકના જણાવ્યા મુજબ,ઉધનાની દત્તકુટીર સોસાયટીમાં આવેલી એક ઓફિસમાં રાહુલ જાદવ અને તેનો મિત્ર કિરણ આહિરે પોતાના અન્ય મિત્રો સાથે આઈપીએલની મેચ જોવા ભેગા થયા હતા. દરમિયાન રાહુલ જાદવ પલંગ પર આડો પડ્યો હતો અને એક ખૂણામાં સોફા પર કિરણ આહિરે અન્ય મિત્રો સાથે બેઠો હતો. ત્યારે અચાનક કિરણ આહિરે પેન્ટમાં ખોસેલું ઘાતક હથિયાર બહાર કાઢ્યું હતું અને અચાનક જ રાહુલ જાદવ પર હુમલો કરી દીધો હતો.

રાહુલ જાદવે પ્રતિકાર કર્યો હતો અને અન્ય મિત્રોએ પણ કિરણ આહિરેને પકડી લીધો હતો. તેથી રાહુલ જાદવની હત્યા કરવાનો કિરણ આહિરેનો મનસૂબો પાર પડ્યો નહોતો. બાદમાં કિરણ આહિરે નાસી છૂટ્યો હતો. જીવલેણ હુમલાની આ ઘટના ઓફિસના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

બીજી તરફ ઘટનાની જાણકારી મળતા ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઉધના પોલીસે કિરણ આહિરે સામે ગુનો દાખલ કરી કિરણ આહિરને ઝડપી પાડ્યો હતો.

મિત્ર પર હુમલો કેમ કર્યો?
આ ઘટનામાં એક પ્રશ્ન પોલીસને મૂંઝવી રહ્યો હતો કે કિરણ આહિરે પોતાના મિત્ર પર કેમ હુમલો કર્યો? ધરપકડ બાદ કિરણ આહિરે પોલીસને આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, સાત વર્ષ પહેલાં પોતે રાહુલની માતાને ગાળો દઈ અભદ્ર વર્તન કર્યું હતું. તે સમયે રાહુલે ઠપકો આપી કિરણને લાફો માર્યો હતો. સાત વર્ષ જૂની આ ઘટનાની દાઝ કિરણના મનમાં રહી ગઈ હતી. તેથી બદલો લેવાના ઈરાદે કિરણે તિક્ષ્ણ હથિયારથી રાહુલ પર હુમલો કર્યો હતો.

Most Popular

To Top