SURAT

સુરતના પુણામાં ગોડાઉનમાં ચાર્જિંગમાં મુકેલા 19 ઈ-વ્હીકલ બળીને ખાક થયા

સુરત(Surat): શહેરમાં આગના (Fire) બનાવોમાં વધારો થયો છે. આજે તા. 1 એપ્રિલની વહેલી સવારે પુણા (Puna) ગામમાં આવેલા ઈ વ્હીકલના (E vehicle) ગોડાઉનમાં આગ લાગી હતી. જેના પગલે અફરાતફરી મચી ગઈ હતી. કોલ મળતા ફાયર બ્રિગેડનો (Fire Brigade) કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ ઓલવી હતી. જોકે આગ ઓલવાય તે પહેલાં જ 19 જેટલાં ઈ મોપેડ બળીને ખાક થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર પુણા વિસ્તારમાં ઈવ્હીકલનું ગોડાઉન આવેલું છે. અહીં મોટી સંખ્યામાં ઈ મોપેડ મુકવામાં આવ્યા છે. આજે વહેલી સવારે જ્યારે ઈમોપેડ ચાર્જિંગ કરાઈ રહ્યાં હતાં ત્યારે તેમાં આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું કે, પુણામાં ઈ વ્હીકલના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી. બનાવની જાણ થતા તાત્કાલિક ફાયરબ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. જેથી ડુંભાલ ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

જોકે, ધુમાડાનું પ્રમાણ વધારે હોવાથી ફાયરબ્રિગેડની ટીમના જવાનો દ્વારા ઓક્સિજનના માસ્ક પહેરીને કામગીરી કરવી પડી હતી. દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઇ ન હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 60 જેટલી ઈ-મોપેડને બચાવી લેવામાં આવી હતી.

Most Popular

To Top